<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

BJPને ૫૪.૭૦% વોટઃ આપ-કોંગ્રેસના ૫,૫૮૮ ઉમેદવારોની ડિપોઝિટ પણ જપ્‍ત

૯,૯૯૯માંથી ૫,૨૬૯ બેઠકો ઉપર AAPએ ઉમેદવારો ઉતાર્યા, ૬૮.૮૬%ની ડિપોઝિટ ડુલઃ કોંગ્રેસના વોટશેરમાં AAPએ ૧.૬૬%ની ફાચર મારી છતાંયે ૭૩.૬૭%ની ડિપોઝિટ બચીઃ છ વર્ષે ભાજપે એક જિલ્‍લા પંચાયત, ૩૧ તાલુકા પંચાયત અને આઠ નગરપાલિકાને ગુમાવી

નવી દિલ્‍હી,તા.૧: સ્‍થાનિક ચૂંટણીમાં ભાજપનો વોટશેર વર્ષ ૨૦૨૧ના સાપેક્ષમાં ૨.૦૧ ટકા વધી ૫૪.૭૦ ટકા થયો છે. સામે આમ આદમી પાર્ટી- AAP અને કોંગ્રેસના ૫,૫૮૮ ઉમેદવારો પોતાના ક્ષેત્રોમાં કુલ મતદાનના એક ચતુર્થાંશ મત પણ મેળવી શક્‍યા નથી. જેના કારણે રાજ્‍ય ચૂંટણી આયોગે તેમની ડિપોઝીટ જપ્ત કરવાના આદેશો કર્યા છે.

૩૯૩ પાલિકા- પંચાયતોમાં કુલ ૧૦,૦૦૫ બેઠકો માટે ચૂંટણી જાહેર થઈ હતી. તેમાંથી ત્રણ બેઠકો પર ઉમેદવારી ન થતા અને ૩ ઉમેદવારના અવસાનને કારણે રવિવારે ૯,૯૯૯ બેઠકો માટે મતદાન યોજાયુ હતુ. મંગળવારે જાહેર થયેલા પરિણામોમાં ભાજપે ૭,૫૦૨ બેઠકો પર વિજય મેળવ્‍યો છે. જ્‍યારે ૯.૯૯૯માંથી ૫,૨૬૯ બેઠકો ચૂંટણી લડનારા AAPના ઉમેદવારો પૈકી ૬૮.૮૬ ટકા અર્થાત ૩,૩૬૫ ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ છે. ચૂંટણીમાં આદિવાસી ક્ષેત્રોમાં કોંગ્રેસના પરંપરાગત મતોમાં AAPના ઉમેદવારોએ ૧.૯૯ ટકા મતોનું ગાબડુ પાડયુ છે. એમ છતાંયે કોંગ્રેસના વિજેતા ૧,૭૦૩ સહિત ૬૨૧૮ ઉમેદવારની ડિપોઝીટ બચી છે. જે ૭૩.૬૭ ટકા થવા જાય છે. આ ચૂંટણીમાં કોંગ્રેસે ૧૨ બિનહરિફ ઉપરાંત ૮,૪૪૧ બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા હતા. ઉલ્‍લેખનિય છે કે, પાલિકાઓમાં ઉમેદવારે ચૂંટણી લડવા રૂ.૪,૦૦૦ અને પંચાયતોમાં રૂ.૩,૦૦૦ની ડિપોઝીટ લેવાય છે. આ ડિપોઝીટ ગુમાવવી એક પ્રકારે સાવ જનાધાર ગુમાવવા જેવી સ્‍થિતિ તરીકે જોવામાં આવે છે.

વર્ષ ૨૦૨૧માં ૩૪૯ સંસ્‍થાઓની ચૂંટણી યોજાઈ ત્‍યારે ભાજપને ૩૨૪ સંસ્‍થાઓમાં બહુમતિ મળી હતી. છ વર્ષ પહેલાની ચૂંટણીમાં ભાજપનો સ્‍ટ્રાઈક રેટ ૯૨.૮૩ ટકા હતો. જે ઘટીને આ ચૂંટણીમાં ૮૯.૮૨ ટકા થયો છે. નવા જિલ્‍લા, તાલુકા અને મ્‍યુનિસિપલ કોર્પોરેશનની રચના પછી યોજાયેલી ૩૯૩ સંસ્‍થાઓમાંથી ભાજપને નર્મદા જિલ્‍લા પંચાયત, ૩૧ તાલુકા પંચાયત તેમજ આઠ નગરપાલિકા ગુમાવવાનો વારો આવ્‍યો છે. આમ, છ વર્ષ પહેલા ૨૫ સંસ્‍થામાં બહુમતિ ન મેળવી શકનાર ભાજપ વર્ષ ૨૦૨૬માં ૪૦ જેટલી સંસ્‍થાઓથી દૂર રહ્યુ છે. જેમા ૧ જિલ્‍લા પંચાયતનો પણ સમાવેશ થાય છે

૧૪ મહાનગરોમાં આપના ૧૪ ટકા ઉમેદવારોની માંડ માંડ ડિપોઝિટ બચી

સ્‍થાનિક સ્‍વરાજ્‍ય           આપના ઉમેદવારો       ડિપોઝીટ જપ્ત  કોંગ્રેસની ડિપોઝીટ જપ્ત

મહાનગરપાલિકા            ૬૯૭         ૬૦૨      ૯૫૧   ૪૨૫

નગરપાલિકા  ૭૦૯        ૪૨૮         ૧૭૬૨    ૧૫૭

તાલુકા પંચાયત            ૩,૧૦૦      ૧૮૩૭    ૪,૭૧૧ ૧૩૪૧

જિલ્લા પંચાયત             ૭૬૩         ૪૯૮      ૧,૦૧૭ ૩૦૦

કુલ ઉમેદવારો  ૫૨૬૯ ૩,૩૬૫ ૮૪૪૧ ૨,૨૨૩

(9:55 AM IST)