<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th May 2026

ભાજપ સરકાર જનતાની આકાંક્ષાઓ પૂરી કરવા કટિબદ્ધ રહેશે. વડાપ્રધાન મોદીએ બંગાળના દરેક નાગરિકનો આભાર માન્યો

પશ્ચિમ બંગાળમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ વડાપ્રધાન મોદીએ ભાજપના પાયાના કાર્યકર્તાઓના વર્ષોના સંઘર્ષ અને પરિશ્રમને શ્રેય આપ્યો :પીએમ મોદીએ આ વિજયને જનશક્તિ અને સુશાસનની રાજનીતિની જીત ગણાવી

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક અને રેકોર્ડબ્રેક જીત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપી છે. પીએમ મોદીએ આ જીતનો સંપૂર્ણ શ્રેય ભાજપના પાયાના કાર્યકર્તાઓને આપ્યો છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર ભાવુક પોસ્ટ શેર કરીને તેમને વંદન કર્યા છે.

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં ભાજપની આ રેકોર્ડબ્રેક જીત પેઢીઓથી અસંખ્ય કાર્યકર્તાઓના પ્રયત્નો અને બલિદાન વિના શક્ય નહોતી. તેમણે લખ્યું, "હું તે તમામ કાર્યકર્તાઓને સલામ કરું છું જેમણે વર્ષોથી પાયાના સ્તરે સખત મહેનત કરી છે, તમામ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કર્યો છે અને અમારા વિકાસના એજન્ડાને જન-જન સુધી પહોંચાડ્યો છે. આ કાર્યકર્તાઓ જ અમારી પાર્ટીની સાચી શક્તિ છે."

 

પીએમ મોદીએ પોતાની પોસ્ટમાં વધુમાં ઉમેર્યું હતું કે, "પશ્ચિમ બંગાળમાં કમળ ખીલી ગયું છે! 2026ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી હંમેશા યાદ રાખવામાં આવશે. આ જનતાની શક્તિની જીત છે અને ભાજપની સુશાસનની રાજનીતિ વિજયી બની છે. હું પશ્ચિમ બંગાળના દરેક નાગરિકને નમન કરું છું." તેમણે બંગાળની જનતાને ખાતરી આપી હતી કે ભાજપ સરકાર લોકોના સપના અને આકાંક્ષાઓ પૂરી કરવા માટે કોઈ કસર છોડશે નહીં અને સમાજના તમામ વર્ગોને સન્માન અને તક મળે તેવી સરકાર પ્રદાન કરશે.

(7:37 PM IST)