<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

૫૦૦૦ કરોડના માલિક ભાજપ MLA પરાગ શાહ બન્યા 'ભિખારી': મુંબઈના રસ્તા પર સિક્યોરિટી વગર માંગી ભીખ : ચોંકાવનારૂં કન્ટેન્ટ વાયરલ

જૈન રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી અહંકારનો નાશ કરવા ગંદા કપડાં અને મેકઅપ સાથે ધારાસભ્યએ કર્યો અનોખો આધ્યાત્મિક પ્રયોગ

મુંબઈ: મહારાષ્ટ્રના સૌથી શ્રીમંત ધારાસભ્યોમાં સ્થાન ધરાવતા અને કરોડો રૂપિયાની સંપત્તિના માલિક ભાજપના નેતાનો એક અનોખો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઘાટકોપર પૂર્વ બેઠકના ધારાસભ્ય પરાગ શાહ મુંબઈના રસ્તાઓ પર કોઈ પણ પ્રોટોકોલ કે સુરક્ષા વગર એક સામાન્ય ભિખારીના વેશમાં ભીખ માગતા નજરે પડતા ભારે ચર્ચા જાગી છે.

પરાગ શાહ ૨૦૨૪ની વિધાનસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રના સૌથી અમીર ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવ્યા છે. આલીશાન લાઈફસ્ટાઈલ અને સરકારી સુરક્ષા ધરાવતા ધારાસભ્યએ એક દિવસ માટે તમામ સુખોનો ત્યાગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેમણે પોતાની સાચી ઓળખ છુપાવવા માટે ચહેરા પર વિશેષ મેકઅપ કર્યો હતો અને ગંદા કપડાં પહેરીને મુંબઈના રસ્તાઓ પર ભિક્ષુક બનીને બેસી ગયા હતા.

પોતાના પર્સનલ સિક્યોરિટી ગાર્ડ્સને દૂર રાખી તેમણે સામાન્ય લોકો પાસે હાથ ફેલાવી ભીખ માંગી હતી. આ દરમિયાન કેટલાક લોકોએ સિક્કા આપ્યા તો કેટલાક લોકોએ તેમની ઉપેક્ષા પણ કરી હતી. ભીખ માગ્યા બાદ પરાગ શાહે પોતાની સાચી ઓળખ છતી કરીને એ જ લોકો સાથે વાતચીત પણ કરી હતી.

આ સમગ્ર પ્રયોગ પાછળ કોઈ રાજકીય સ્ટંટ નહીં પરંતુ જૈન રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણા અને આજ્ઞા હતી. અહંકારનો નાશ કરવા અને રસ્તા પર જીવન વિતાવતા આર્થિક રીતે નબળા લોકોની માનસિક તથા સામાજિક સ્થિતિને પ્રત્યક્ષ રીતે અનુભવવા માટે તેમણે આ પગલું ભર્યું હતું. સોશિયલ મીડિયા પર લોકો આ અનોખા આધ્યાત્મિક પ્રયોગની ભારે પ્રશંસા કરી રહ્યા છે.

(7:38 PM IST)