તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 16th September 2026
ભાજપના સાંસદ નિશિકાંત દુબેનો સનસનાટીભર્યો દાવો: '૨૦૦૬ માં કૉંગ્રેસે કારગિલ, PoK અને સર ક્રીક પાકિસ્તાનને સોંપવાની કરી હતી તૈયારી!'
મુંબઈ બ્લાસ્ટ બાદ યુપીએ સરકારે જડબાતોડ જવાબ આપવાને બદલે અમેરિકાના દબાણમાં નમતું જોખ્યું: વિકિલીક્સના ખુલાસાનો હવાલો આપી રાહુલ ગાંધી પાસે માંગ્યો જવાબ

નવી દિલ્હી : ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ જુલાઈ ૨૦૦૬ ના મુંબઈ ટ્રેન બ્લાસ્ટ અને ત્યારબાદ સરહદ પર આતંકવાદ સામેના રાજદ્વારી વલણને લઈને કૉંગ્રેસના યુપીએ નેતૃત્વ પર આકરા પ્રહારો કર્યા છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને દુબેએ તત્કાલીન યુપીએ સરકારની નબળી રાજદ્વારી નીતિઓની તુલના વર્તમાન સરકારના આક્રમક વલણ સાથે કરી હતી. તેમણે ચોંકાવનારો દાવો કર્યો હતો કે ૨૦૦૬ ની હવાના બેઠક દરમિયાન કૉંગ્રેસે કારગિલ, પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK) અને સર ક્રીકનો વિસ્તાર પાકિસ્તાનને સોંપી દેવાનો નિર્ણય કરી લીધો હતો.
અમેરિકાના દબાણમાં કામ કરતી હતી સોનિયા ગાંધીના નેતૃત્વવાળી સરકાર
નિશિકાંત દુબેએ ૧૬ સપ્ટેમ્બર, ૨૦૦૬ ના રોજ ક્યુબાના હવાના ખાતે તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ વચ્ચે થયેલી દ્વિપક્ષીય બેઠકનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે જુલાઈ ૨૦૦૬ માં મુંબઈની લોકલ ટ્રેનોમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોમાં આશરે ૨૦૦ માસૂમ લોકોના મોત થયા હતા અને હજારો લોકો દિવ્યાંગ થયા હતા. સમગ્ર દેશમાં પાકિસ્તાન સામે લશ્કરી કાર્યવાહીની માંગ વધી રહી હતી, પરંતુ સોનિયા ગાંધીના નેતૃત્વમાં કૉંગ્રેસ વર્કિંગ કમિટીએ અમેરિકાના દબાણમાં આવીને આતંકવાદ સામે કડક પગલાં લેવાને બદલે વાતચીત દ્વારા સમાધાન શોધવાનો નિર્ણય કર્યો હતો.
વિકિલીક્સના ખુલાસાનો હવાલો: ભારત-અમેરિકા પરમાણુ કરાર વચ્ચે સાર્વભૌમત્વ દાવ પર મુકાયું
વિકિલીક્સ દ્વારા બહાર લાવવામાં આવેલા ગુપ્ત દસ્તાવેજોનો હવાલો આપતાં દુબેએ આરોપ લગાવ્યો હતો કે, ૨૨ સપ્ટેમ્બર ૨૦૦૬ ના રોજ વોશિંગ્ટનમાં તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ બુશ સાથેની બેઠકમાં ભારત-અમેરિકા પરમાણુ કરારની આડમાં દ્વિપક્ષીય વાતચીતની તમામ વિગતો સોંપી દેવામાં આવી હતી. તેમણે કહ્યું કે આ સાંભળીને દેશવાસીઓના રૂંવાડા ઊભા થઈ જશે કે તે સમયે ભારતના સાર્વભૌમ ક્ષેત્રો પર પાકિસ્તાનને મોટી છૂટછાટો આપવાની તૈયારી કરી લેવાઈ હતી.
'ઓપરેશન સિંદૂર' ની સરખામણી કરી રાહુલ ગાંધી પાસે માંગ્યો જવાબ
દુબેએ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે, તેમણે દેશની જનતાને સમજાવવું જોઈએ કે ૨૦૦૬ માં મુંબઈ બ્લાસ્ટ પછી પાકિસ્તાનને ગળે લગાવવાની નીતિ અને ૨૦૨૫ માં પહલગામ આતંકી હુમલા બાદ વર્તમાન સરકાર દ્વારા ચલાવવામાં આવેલા 'ઓપરેશન સિંદૂર' વચ્ચે શું તફાવત છે? ૨૦૨૫ ના પહલગામ હુમલા બાદ ભારતીય સેનાએ સરહદ પાર કરીને આતંકવાદી અડ્ડાઓનો સફાયો કર્યો હતો, જ્યારે યુપીએ સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સાથે બાંધછોડ કરી હતી.
(6:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
