તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 17th May 2026
દેશના ૮૦ ટકા વિસ્તારમાં અને કેન્દ્રમાં સત્તત ત્રીજી વાર ભાજપા -એનડીએની સરકાર કાર્યકરોની તપસ્યા, પરિશ્રમ અને પ્રધાનમંત્રી મોદીના પરના અતૂટ ભરોસાનું પરિણામ છે :અમિતભાઈ શાહ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં શરૂ કરેલી વણથંભી વિકાસયાત્રાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અત્યંત કુશળતાપૂર્વક આગળ ધપાવી રહી હોવાનું જણાવતા અમિતભાઈ શાહ :દૂર દૂર સુધી દૂરબીનથી જોતા પણ નજરે ન આવે તેવી કફોડી પરિસ્થિતિ કોંગ્રેસની થઇ હોવાનું જણાવતા અમિતભાઈ શાહ:એક સમયે નગરપાલિકા અને મહાનગરપાલિકાના સમગ્ર વર્ષના બજેટની રકમ જેટલી રકમના વિકાસ કાર્યો આજે ભાજપા સરકારમાં એક જ દિવસમાં થઇ રહ્યા હોવાનું જણાવતા ભૂપેન્દ્રભાઈ પટેલ

ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની યાદીમાં જણાવ્યા પ્રમાણે ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં ગાંધીનગર મહાનગરપાલિકાના વિવિધ વિકાસલક્ષી કાર્યોનો ઉદ્ઘાટન અને શિલાન્યાસ સમારોહ યોજાઈ ગયો હતો.
અમિતભાઇ શાહે સંબોધન કરતા જણાવ્યું હતું કે, વિકાસકાર્યોથીના ભુપેન્દ્રભાઈ થાકે છે ના ધારાસભ્યો થાકે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં શરૂ કરેલી વણથંભી વિકાસયાત્રાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અત્યંત કુશળતાપૂર્વક આગળ ધપાવી રહી છે. ગાંધીનગર શહેરના સૌ મતદારો વતી શાહે ગુજરાત સરકાર અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનો આભાર વ્યક્ત કર્યો હતો. તેઓએ કહ્યું કે શહેરની સુખાકારીની ચિંતા કરીને મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્યની ભાજપા સરકારે આપણા શહેરને સંપન્ન બનાવા માટે ખુબ મહત્વલક્ષી પગલાં ભર્યા છે. ક્યાંક ગટરનું ગંદુ પાણી ચોખ્ખું કરવું, તળાવ અને વૃક્ષારોપણને જળસભર બનાવવું, પેથાપુર જેવા વોર્ડને ચોખ્ખું પાણી નળ દ્વારા પહોંચાડવાનું કાર્ય, બગીચામાં ચાલતા યોગકેન્દ્ર, લાઈબ્રેરી, રોડરસ્તા પહોળા કરવા જેવા અનેક કાર્યો કાઉન્સિલરોની મહેનતને કારણે મ્યુનિસિપલ કોર્પોરેશને પરિપૂર્ણ કર્યા છે. આ વણથંભી વિકાસની યાત્રા નરેન્દ્રભાઈ મોદીજીએ શરૂ કરી અને આનંદીબહેન, સ્વ. વિજયભાઈ અને ભુપેન્દ્રભાઈના નેતૃત્વમાં આ સંસ્કાર ઉભરતા રહ્યા તેના પરિણામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના સૂપડા સાફ થઇ ગયા.
શાહે વિરોધ પક્ષ ઉપર પ્રહાર કરતા કહ્યું કે, દૂર દૂર સુધી દૂરબીનથી જોતા પણ નજરે ન આવે તેવી કફોડી પરિસ્થિતિ કોંગ્રેસની થઇ ગઈ છે. આમ આદમી પાર્ટી વાળા વાતો કરતા કરતા દિલ્લીમાં પણ સાફ થઇ ગયા અને ગુજરાતમાં ખાતું પણ ન ખુલ્યું. આ વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટીનો, આ વિશ્વાસ ભાજપા અને ચૂંટાયેલા સદસ્યો પરથી ઉભો થયો છે, તેનું મૂળ કારણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના લોકાભિમુખ કાર્યો અને સતત લોકો વચ્ચે રહી તેમની સમસ્યાના નિવારણનો સ્વભાવ છે. શાહે કોરોનાની મહામારીમાં ભાજપાના કાર્યકર્તાઓ ખડેપગે ઉભા રહ્યા તેની સરાહના કરી હતી તેમજ તેમાં વધુ ઉમેર્યું કે, વેક્સિનેશનની લાઈન સુચારુ રૂપે લાગે તેના માટે પોતાની વેક્સિન લીધા વગર ભાજપાનો કાર્યકર્તા લાઈન સરખી કરતા હતા. આ સેવાની સુગંધ લોકોના મનમાં અર્જિત કરવાનું કાર્ય ભાજપા એ કર્યું.
શાહે વધુમાં જણાવ્યું કે,ભારતીય જનતા પાર્ટીના કામના આધારે લોકોમાં વિશ્વાસ છે. 84 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 77 ભાજપા જીતી અને 34 જિલ્લાઓમાં ચૂંટણી યોજાઈ જેમાં 33 જિલ્લા ભાજપા જીતી. 260 તાલુકા પંચાયતમાં 253 ભાજપા જીતી છે. શ્રી શાહે અંતે જણાવ્યું કે પશ્ચિમ બંગાળની જનતાએ વિશ્વાસ કરતા પણ 207 સીટો આપીને જવાબદારી ભાજપાને સોંપી છે. શાહે, બંગાળની સ્થિતિ અને વિકાસની સરખામણી કરતા જણાવ્યું કે, આજે દેશના ૮૦ ટકા વિસ્તારમાં ભાજપ અને એનડીએની સરકાર છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સતત ત્રીજી વાર કેન્દ્રમાં NDA સરકાર બની છે જે કાર્યકરોની તપસ્યા - પરિશ્રમનું અને દેશવાસીઓના અતૂટ ભરોસાનું પરિણામ છે. અંતે શ્રી શાહે, ગાંધીનગરને એક આધુનિક અને સુવિધાજનક શહેર બનાવવા અને સૌથી સુંદર અને સુવિધાયુક્ત લોકસભા વિસ્તાર બનાવવાની કટિબદ્ધતા દર્શાવી હતી.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, પરષોત્તમ માસના પ્રથમ દિવસ ગાંધીનગર મહાનગર માટે વિકાસનો ઉત્તમ દિવસ બન્યો છે. આજે દેશના કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિતભાઇ શાહે ગાંધીનગર મહાનગરપાલિકાને રૂ.620 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની રાજનીતિથી વિકાસ કામોનું ધડમૂળથી કાયાકલ્પ કર્યો છે. એક સમયે નગરપાલિકા અને મહાનગરપાલિકાના સમગ્ર વર્ષના બજેટની રકમ જેટલી રકમના વિકાસ કર્યો આજે એક જ દિવસમાં થઇ રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીજી અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી શાહજીની જોડીએ GOOD GOVERNANCE ની લોકોને પ્રત્યક્ષ અનુભૂતિ કરાવી છે. સૌ ભાગ્યશાળી છીએ કે આવા વિઝનરી અને સક્ષમ નેતૃત્વના માર્ગદર્શનનો લાભ ગુજરાતને સતત મળતો રહે છે.અમિતભાઇ શાહ જ્યારે પણ પોતાના મતવિસ્તારમાં આવે છે ત્યારે લોકોના ઇઝ ઓફ લિવિંગ માં વધારો કરતા એક વિકાસ કાર્યોની ભેંટ આપે છે. પાટનગરને ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશન, લેક બ્યુટીફીકેશન, લાઈબ્રેરી, રોડ ડેવલોપમેન્ટ અને હેલ્થ સેન્ટર જેવા વિસ્તારોના 26 કાર્યોના ખાતમુહુર્ત અને 21 કાર્યોના લોકાર્પણ આજે અમિતભાઇ શાહે કર્યા છે. ગ્રીન સિટીની ઓળખ ધરાવતા ગાંધીનગરમાં અમિતભાઈ શાહ પ્રેરણાથી આ વર્ષે પાંચ લાખ વૃક્ષો વાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. શહેરોનું વિકાસ આયોજન સાયન્ટિફિક રીતે થાય અને બેઝીક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ગ્રીન એન્વાયર્નમેન્ટ વાળા પોપ્યુલેશન ફ્રી, ગાર્બેજ ફ્રી સીટી બને તેવો સરકારનો નીર્ધાર છે. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે આ વિઝનને અનુરૂપ અને અમિતભાઈ શાહના મતવિસ્તાર સરખેજ-ધોલેરા સેમી હાઈસ્પીડ રેલવે લાઈન માટે આશરે 20 હજાર કરોડના પ્રોજેક્ટની મંજૂરી બદલ પટેલે આભાર વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા, પ્રદેશ ભાજપ મહામંત્રી અજયભાઇ બ્રહ્મભટ્ટ, ધારાસભ્યઓ શ્રીમતી રીટાબેન પટેલ, અલ્પેશ ઠાકોર, ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ આશિષભાઇ દવે, ગાંધીનગર ડે.મેયર નટવરજી ઠાકોર, ચેરમેન ગૌરાંગભાઈ વ્યાસ, શાસક પક્ષ નેતા અનિલસિંહ વાઘેલા, સેજલબેન પરમાર, સહીત ભાજપા હોદ્દેદારઓ, આગેવાનઓ, નગરસેવકો, નાગરિકો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા
(8:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
