તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th September 2026
રાજસ્થાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપનો વિજય, પણ કોંગ્રેસ સાથે મતોનો તફાવત ૦.૯૪% રહ્યો; અપક્ષો 'કિંગમેકર' બન્યા!
'વન સ્ટેટ, વન ઇલેક્શન' હેઠળ યોજાયેલી ૩૦૯ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપ સૌથી મોટો પક્ષ બન્યો; ૧૪૩ સંસ્થાઓમાં ત્રિશંકુ પરિણામો બાદ બોર્ડ બનાવવા બળવાખોરોની માગ વધી

જયપુર : રાજસ્થાનમાં 'એક રાજ્ય, એક ચૂંટણી' (One State, One Election) ની નવી પહેલ હેઠળ તમામ ૩૦૯ શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં યોજાયેલી ઐતિહાસિક ચૂંટણીઓના પરિણામો જાહેર થઈ ગયા છે. રાજ્યની સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) ૩૫.૧૮ ટકા મતો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે, જ્યારે કોંગ્રેસે ૩૪.૨૪ ટકા મતો મેળવીને મજબૂત ટક્કર આપી છે. બંને મુખ્ય પક્ષો વચ્ચે માત્ર ૦.૯૪ ટકા જેટલો નજીવો મત તફાવત રહેતા મુખ્યમંત્રી ભજનલાલ શર્માની સરકાર માટે આ ચૂંટણી સખત કસોટીરૂપ સાબિત થઈ છે.
કુલ ૧.૦૬ કરોડ મતોમાંથી ભાજપને આશરે ૩૭.૩૫ લાખ અને કોંગ્રેસને ૩૬.૩૫ લાખ મતો મળ્યા છે. વોર્ડ સ્તરે ભાજપે કોંગ્રેસ કરતાં ૫૬૬ બેઠકો વધુ મેળવી છે. જયપુર, ઉદયપુર, ભીલવાડા અને કોટા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપે સ્પષ્ટ બહુમતી હાસિલ કરી છે, તો બીજી તરફ કોંગ્રેસે ભાજપના પરંપરાગત ગઢ ગણાતા અજમેર, પાલી અને બિકાનેરમાં ભાજપને પછાડીને શાનદાર પ્રદર્શન કર્યું છે. રાજધાની જયપુરમાં ભાજપે માત્ર બે બેઠકોની પાતળી સરસાઈથી બહુમતી મેળવી છે, જ્યારે જોધપુરમાં બંને પક્ષો વચ્ચે ટાઈ પડી છે.
આ ચૂંટણીમાં સૌથી રોમાંચક સ્થિતિ અપક્ષ ઉમેદવારોએ ઊભી કરી છે. રાજ્યમાં ૨૫ ટકાથી વધુ એટલે કે ૨૯.૦૬ લાખ મતો મેળવીને અપક્ષોએ ૨,૨૭૩ વોર્ડ બેઠકો પર જીત નોંધાવી છે. રાજ્યની ૧૪૩ સ્થાનિક સંસ્થાઓમાં સ્પષ્ટ બહુમતી ન મળતાં હવે આ અપક્ષો અને બળવાખોરો 'કિંગમેકર'ની ભૂમિકામાં આવી ગયા છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ દોતાસરાએ આ પરિણામોને ભાજપ સરકાર સામે જનતાનો અસંતોષ ગણાવ્યો છે, જ્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ મદન રાઠોડે તેને પક્ષની નીતિઓ પર જનતાની મહોર અને ઐતિહાસિક વિજય ગણાવ્યો છે.
(6:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
