તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 8th November 2026
ભાજપના ભીષ્મ પિતામહ લાલકૃષ્ણ અડવાણી ૧૦૦મા વર્ષમાં પ્રવેશ્યા: પીએમ મોદીએ વિશેષ લેખ લખી શ્રદ્ધાસુમન અર્પ્યા
જનસંઘથી ભાજપ સુધીની સફર અને રામ રથયાત્રાના વિહંગાવલોકન સાથે પ્રધાનમંત્રીએ અડવાણીના અમૂલ્ય યોગદાનને બિરદાવ્યું

નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણી આજે, રવિવાર, ૮ નવેમ્બરના રોજ પોતાના આયુષ્યના ૧૦૦મા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યા છે. આ ઉત્સવ સમાન અને ખાસ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ભાવસભર શુભેચ્છાઓ પાઠવવાની સાથે એક વિશેષ લેખમાં ભારતીય રાજકારણ તથા દેશના વિકાસમાં અડવાણીના અદ્વિતીય યોગદાનને યાદ કર્યું છે. વડા પ્રધાને આ પ્રસંગને પોતાના માટે અત્યંત ભાવનાત્મક ગણાવતા ઉમેર્યું હતું કે તેમને હંમેશાં અડવાણીજીનો સ્નેહ, સાથ અને માર્ગદર્શન મળ્યા છે અને તેમની સાથે વિતાવેલી અસંખ્ય ક્ષણો આજે માનસપટલ પર છવાઈ ગઈ છે.
પોતાના આ લેખમાં પીએમ મોદીએ અડવાણીના જીવનના વિવિધ તબક્કાઓનો વિગતવાર ઉલ્લેખ કર્યો હતો. તેમણે ૧૯૪૭ના વિભાજન દરમિયાન અડવાણીએ અનુભવેલી પીડા અને ત્યારબાદ શૂન્યમાંથી નવી શરૂઆત કરવા માટે કરેલા કઠોર સંઘર્ષને રેખાંકિત કર્યો હતો. આ ઉપરાંત, જનસંઘને મજબૂત બનાવવા, ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરવા અને કટોકટી જેવા કાળમાં લોકશાહીના રક્ષણ માટે કરેલી લડતનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખાસ કરીને સોમનાથથી અયોધ્યા સુધીની ઐતિહાસિક રામ રથયાત્રાને તેમની રાજકીય સફરનો સુવર્ણ અધ્યાય ગણાવીને પીએમ મોદીએ એ વાતનો હર્ષ વ્યક્ત કર્યો હતો કે તેમને પણ તે યાત્રાની કલ્પનાથી લઈને તૈયારીઓ સુધી યોગદાન આપવાની તક મળી હતી.
આ સિવાય પીએમ મોદીએ અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી વચ્ચેના દાયકાઓ જૂના સંબંધોને ભારતીય રાજકારણમાં પરસ્પર વિશ્વાસ અને આદરનું એક અનોખું ઉદાહરણ ગણાવ્યું હતું. તેમણે અડવાણીની વૈચારિક સ્પષ્ટતા, સરળતા, ગહન અભ્યાસ અને સિદ્ધાંતો પ્રત્યેની નિષ્ઠાની મુક્તકંઠે પ્રશંસા કરી હતી. દેશના ગૃહમંત્રી અને નાયબ પ્રધાનમંત્રી તરીકે આતંકવાદ સામે કઠોર વલણ અપનાવીને રાષ્ટ્રીય સુરક્ષા વ્યવસ્થાને સુદ્રઢ બનાવવામાં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ રહી હતી.
દેશ પ્રત્યેના તેમના આ અસાધારણ પ્રદાન બદલ તેમને વર્ષ ૨૦૨૪માં દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન 'ભારત રત્ન'થી એનાયત કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રીએ અડવાણીના સુદીર્ઘ આયુષ્ય અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરતા અંતમાં જણાવ્યું હતું કે તેમનું પ્રેરણાદાયી જીવન અને મૂલ્યો આવનારી અનેક પેઢીઓ માટે માર્ગદર્શક દીપસ્તંભ બની રહેશે. આગામી સમયમાં દેશભરના રાજકીય અગ્રણીઓ અને કાર્યકરો તરફથી તેમના શતાબ્દી વર્ષ પ્રવેશ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાવાની પ્રબળ શક્યતા છે.
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
