<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

પંજાબમાં અકાલી દળના ગઢમાં ભાજપનું મોટું ગાબડું: બાદલ પરિવારના વરિષ્ઠ સભ્ય મેજર ભૂપિન્દર સિંહ ધિલ્લોન 'કેસરિયો' ધારણ કરશે; ૨૦૨૭ની ચૂંટણી પહેલાં જબરદસ્ત રાજકીય હલચલ

પ્રકાશ સિંહ બાદલના ભૂતપૂર્વ રાજકીય સચિવ અને પિતરાઈ ભાઈ મેજર ભૂપ પુત્ર સાથે ભાજપમાં જોડાશે; અકાલી દળના પરંપરાગત ગઢ ગણાતી લાંબી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવાની પ્રબળ શક્યતા

ચંદીગઢ : પંજાબના રાજકારણમાં શિરોમણી અકાલી દળ (SAD) ને મોટો રાજકીય આંચકો લાગ્યો છે. પંજાબના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. પ્રકાશ સિંહ બાદલના પરિવાર અને બાદલ ગામના ગઢમાં જ ભારતીય જનતા પાર્ટી (BJP) એ મજબૂત ઘૂસણખોરી કરી છે. પ્રકાશ સિંહ બાદલના નજીકના પિતરાઈ ભાઈ અને તેમના ભૂતપૂર્વ રાજકીય સચિવ મેજર ભૂપિન્દર સિંહ ધિલ્લોન (નિવૃત્ત) – જેઓ 'મેજર ભૂપ' તરીકે જાણીતા છે – ટૂંક સમયમાં વિધિવત રીતે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે.

 

મેજર ભૂપિન્દર સિંહ ધિલ્લોન સ્વર્ગસ્થ ભૂતપૂર્વ સાંસદ ગુરરાજ સિંહ બાદલના પુત્ર છે અને અકાલી દળ-ભાજપ સરકાર દરમિયાન તેમને રાજ્યમંત્રી કક્ષાનો દરજ્જો આપીને પ્રકાશ સિંહ બાદલના રાજકીય સચિવ બનાવવામાં આવ્યા હતા. બાદલ પરિવારમાં અત્યંત પ્રભાવશાળી સ્થાન ધરાવતા મેજર ભૂપનું પૈતૃક ઘર બાદલ ગામમાં શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલના જૂના ઘરની સાવ બાજુમાં જ આવેલું છે.

 

રાજકીય સૂત્રોના જણાવ્યા અનુસાર, મેજર ભૂપ તેમના પુત્ર અમરવીર સિંહ બાવા સાથે હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની અને પૂર્વ નાણામંત્રી મનપ્રીત સિંહ બાદલની હાજરીમાં ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરશે. થોડા સમય પહેલાં મેજર ભૂપની કરોડરજ્જુની સર્જરી થઈ ત્યારે હરિયાણાના સીએમ સૈની રૂબરૂ તેમની ખબરઅંતર પૂછવા પહોંચ્યા હતા, જેનાથી જ તેમના ભાજપપ્રવેશના સંકેતો મળી ગયા હતા.

 

લાંબી બેઠક પરથી ચૂંટણી લડવાની અટકળો

મેજર ભૂપના ભાજપપ્રવેશ સાથે જ ૨૦૨૭ની પંજાબ વિધાનસભા ચૂંટણી માટેના રાજકીય સમીકરણો બદલાઈ ગયા છે. અકાલી દળનો પરંપરાગત ગઢ ગણાતી 'લાંબી' (Lambi) વિધાનસભા બેઠક પરથી ભાજપ તેમને મેદાનમાં ઉતારે તેવી પ્રબળ શક્યતા છે. પંજાબમાં અકાલી દળથી અલગ થઈને એકલા હાથે વિજય મેળવવા મથી રહેલી ભાજપ માટે બાદલ પરિવારના જ વરિષ્ઠ સભ્યને પોતાની સાથે જોડવા એ વૈચારિક અને રાજકીય રીતે બહુ મોટો વિજય માનવામાં આવી રહ્યો છે.

(7:21 PM IST)