તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th June 2026
ભાજપ દ્વારા રાજ્યસભાના ઉમેદવારોના નામની સત્તાવાર યાદી જાહેર : મધ્ય પ્રદેશથી તરુણ ચુઘ અને રાજસ્થાનથી સતીશ પૂનિયા સંસદના ઉચ્ચ ગૃહમાં જશે : જૂઓ સંપુર્ણ વીગત
ગુજરાતમાંથી રાજુભાઈ શુક્લા, મુકેશભાઈ રાઠવા, માનસિંહ પરમાર અને જીતેન્દ્ર મેઘજીભાઈ કંજારિયાનાં નામો જાહેર : ઓડિશાની પેટાચૂંટણી માટે દેબાશીષ સામંતરાય મેદાને : મણિપુરના પ્રદેશ પ્રમુખ એ. શારદા દેવી અને અરૂણાચલથી તાઈ તગાકને ટિકિટ આપી હાઈકમાન્ડે પ્રાદેશિક સમીકરણો સાધ્યા

નવી દિલ્હી:ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા વર્ષ ૨૦૨૬ માં યોજાનારી રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણીઓ અને પેટાચૂંટણીઓ માટે પોતાના સત્તાવાર ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દેવામાં આવી છે. ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિ દ્વારા બહાર પાડવામાં આવેલી આ યાદીમાં અનેક રાજ્યોના દિગ્ગજ ચહેરાઓ અને સંગઠન સ્તરે પાયાનું કામ કરનારા પક્ષના વફાદાર નેતાઓને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. પાર્ટીએ પોતાના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુઘને મધ્ય પ્રદેશથી અને જાણીતા નેતા દેબાશીષ સામંતરાયને ઓડિશાની પેટાચૂંટણી માટે ઉમેદવાર બનાવ્યા છે.
મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના રાજકીય સમીકરણો પર ભાજપનું ફોકસ:
ભાજપ આલાકમાને આ વખતે રાજ્યોના રાજકીય અને સંગઠનાત્મક સમીકરણોને ખૂબ જ ઝીણવટપૂર્વક ધ્યાનમાં રાખીને ઉમેદવારોની પસંદગી કરી છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુઘને મધ્ય પ્રદેશના કોટામાંથી રાજ્યસભામાં મોકલવાનો મોટો નિર્ણય લેવાયો છે. તરુણ ચુઘ પક્ષના અગ્રણી વ્યૂહરચનાકાર માનવામાં આવે છે અને તેઓ ઘણા રાજ્યોના પ્રભારી તરીકે સફળતાપૂર્વક કામ કરી ચૂક્યા છે. તેમની સાથે જ મધ્ય પ્રદેશમાંથી રાજ્ય એકમના વરિષ્ઠ નેતા અને પક્ષના પ્રવક્તા રજનીશ અગ્રવાલને પણ ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. બીજી તરફ, રાજસ્થાન ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને હરિયાણા ભાજપના પ્રભારી ડો. સતીશ પૂનિયાને રાજસ્થાનથી રાજ્યસભાની ટિકિટ આપવામાં આવી છે. સતીશ પૂનિયાની જમીની પકડ અને સંગઠન શક્તિને જોતા આ એક મોટો નિર્ણય માનવામાં આવે છે. રાજસ્થાનમાંથી તેમની સાથે ડો. અલ્કા ગુર્જરને પણ પક્ષે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે.
ગુજરાતમાં ચોંકાવનારા નામો જાહેર કરીને પ્રાદેશિક સંતુલન સાધ્યું:
ભાજપે પોતાના સૌથી મજબૂત ગઢ ગણાતા ગુજરાતમાંથી ચાર ઉમેદવારોના નામોની જાહેરાત કરીને રાજકીય વર્તુળોમાં ભારે આશ્ચર્ય સર્જ્યું છે. ગુજરાતમાંથી રાજુભાઈ શુક્લા, મુકેશભાઈ રાઠવા, માનસિંહ પરમાર અને જીતેન્દ્ર મેઘજીભાઈ કંજારિયાના નામો પર મહોર મારવામાં આવી છે. આ નામોની પસંદગી પાછળ પક્ષે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના આદિવાસી તેમજ વિવિધ પ્રાદેશિક અને જ્ઞાતિગત સમીકરણોને એકસાથે સાધવાનો અને સંગઠનના પાયાના કાર્યકરોને સન્માન આપવાનો સ્પષ્ટ પ્રયાસ કર્યો છે.
નોર્થ-ઈસ્ટના રાજ્યો પર વિશેષ ધ્યાન અને ઓડિશાની પેટાચૂંટણી:
પૂર્વોત્તર રાજ્યોમાં પક્ષ મજબૂત બને તે હેતુથી અરૂણાચલ પ્રદેશમાંથી વરિષ્ઠ નેતા તાઈ તગાકને રાજ્યસભામાં જવાની તક આપવામાં આવી છે. જ્યારે મણિપુરમાં હાલની પ્રવર્તમાન રાજકીય અને સામાજિક પરિસ્થિતિઓ વચ્ચે ભાજપે મોટો રાજકીય સંદેશ આપતા મણિપુર ભાજપના પ્રદેશ પ્રમુખ એ. શારદા દેવીને પોતાના સત્તાવાર ઉમેદવાર બનાવ્યા છે. આ દ્વિવાર્ષિક ચૂંટણીઓની સાથે જ ઓડિશામાં યોજાનારી રાજ્યસભાની પેટાચૂંટણી માટે પણ ઉમેદવારની જાહેરાત કરાઈ છે, જેમાં ઓડિશાના જાણીતા રાજકીય ચહેરા દેબાશીષ સામંતરાયને ટિકિટ આપવામાં આવી છે. તેમના ચયનથી ઓડિશામાં ભાજપ વધુ મજબૂત બનશે તેવી ગણતરી સેવવામાં આવી રહી છે.

(6:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
