તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 5th May 2026
દક્ષિણમાં ભાજપનો શંખનાદ: કેરળની ધરતી પર પહેલીવાર એકસાથે ખીલ્યા ત્રણ 'કમળ', શૂન્યમાંથી સર્જ્યો ઈતિહાસ
ડાબેરીઓનો ગઢ ગણાતા કેરળમાં ભાજપની મજબૂત એન્ટ્રી: ૧૦ વર્ષ જૂની વિજયન સરકારનો સફાયો, કોંગ્રેસના નેતૃત્વમાં UDF ની સત્તામાં વાપસી

તિરુવનંતપુરમ, તા.૦૫: કેરળ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬ના પરિણામોએ આખા દેશને ચોંકાવી દીધા છે. અત્યાર સુધી ભાજપ માટે અભેદ્ય ગણાતા કેરળના કિલ્લામાં આ વખતે ગાબડું પડ્યું છે. જે રાજ્યમાં ગત ચૂંટણીમાં ભાજપનું ખાતું પણ નહોતું ખુલ્યું, ત્યાં આ વખતે ત્રણ બેઠકો પર ભવ્ય વિજય મેળવીને ભાજપે દક્ષિણ ભારતમાં પોતાની શક્તિનો પરિચય આપ્યો છે.
શૂન્યથી ત્રણ સુધીની સફર
૧૪૦ બેઠકો ધરાવતી કેરળ વિધાનસભામાં ભાજપે પોતાની બેઠકોની સંખ્યા ૦ થી વધારીને ૩ કરી દીધી છે. આ માત્ર ત્રણ બેઠકો નથી, પરંતુ કેરળના ઈતિહાસમાં ભાજપની અત્યાર સુધીની સૌથી મજબૂત હાજરી છે. હવે કેરળ વિધાનસભામાં ભાજપના ત્રણ ધારાસભ્યો અવાજ ઉઠાવશે. પાર્ટીએ તિરુવનંતપુરમની નેમમ અને કઝાકુટ્ટમ, તેમજ કોલ્લમની ચથન્નૂર બેઠક પર વિજય મેળવ્યો છે.
આ બેઠકો પર ખીલ્યું 'કમળ'
• નેમમ: ભાજપના પ્રદેશ અધ્યક્ષ રાજીવ ચંદ્રશેખરે સીપીએમના દિગ્ગજ નેતા વી. શિવનકુટ્ટીને ૩૫૧૩ મતોથી હરાવીને જોરદાર જીત મેળવી છે.
• ચથન્નૂર: કોલ્લમ જિલ્લાની આ બેઠક પર ભાજપના બી. બી. ગોપાકુમારે સીપીઆઈના ઉમેદવારને ૪૩૯૮ મતોથી હરાવીને જિલ્લામાં પ્રથમવાર કેસરીયો લહેરાવ્યો છે.
• કઝાકુટ્ટમ: ભાજપના વરિષ્ઠ નેતા વી. મુરલીધરને પણ આ બેઠક પર શાનદાર જીત નોંધાવી છે.
દસ વર્ષ બાદ ડાબેરી શાસનનો અંત
આ ચૂંટણીમાં સૌથી મોટો ઉલટફેર પિનારાઈ વિજયનના નેતૃત્વવાળી ડાબેરી સરકારનો થયો છે. છેલ્લા ૧૦ વર્ષથી શાસન કરી રહેલા LDF ગઠબંધનને પછાડીને કોંગ્રેસના નેતૃત્વવાળા UDF એ ૧૦૨થી વધુ બેઠકો સાથે પૂર્ણ બહુમતી મેળવી છે. વિજયનની પાર્ટી માત્ર ૩૫ બેઠકો પર સમેટાઈ ગઈ છે. કોંગ્રેસને એકલા હાથે ૬૩ અને મુસ્લિમ લીગને ૨૨ બેઠકો મળી છે.
કેરળમાં ભાજપની આ જીત ૨૦૧૬ના તે ઐતિહાસિક દિવસની યાદ અપાવે છે જ્યારે ૮૬ વર્ષના ઓ. રાજગોપાલે પહેલીવાર ભાજપનું ખાતું ખોલ્યું હતું. જોકે ૨૦૨૧માં પાર્ટી ફરી શૂન્ય પર આવી ગઈ હતી, પણ આ વખતે 'ત્રણ કમળ' ખીલતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
(5:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
