તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 28th October 2026
ચાર રાજ્યોની વિધાન પરિષદ ચૂંટણી પરિણામોમાં ભાજપનું શાનદાર પ્રદર્શન : “અંદાજ લગાવો કોંગ્રેસે કેટલી બેઠકો જીતી?” કહીને પીએમ મોદીએ બેલેટ પેપરના મુદ્દે વિપક્ષી પાર્ટી પર સાધ્યું નિશાન
બેલેટ પેપરથી ચૂંટણી યોજવા છતાં કોંગ્રેસ પક્ષ ખાતુ પણ ખોલાવી ન શકતા ભાજપના નેતાઓએ રાહુલ ગાંધી અને પાર્ટીના અસ્તિત્વ સામે ઉઠાવ્યા સવાલો : કર્ણાટક અને યુપીમાં ભગવા લહેર યથાવત

નવી દિલ્હી - દેશના ચાર રાજ્યોની વિધાન પરિષદ (MLC) ની ૨૮ બેઠકો પર યોજાયેલી ચૂંટણીના પરિણામોએ રાજકીય ગલિયારોમાં ભારે ચર્ચા જગાવી છે. આ ચૂંટણી પરિણામોમાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને તેના સહયોગી પક્ષોએ શાનદાર દેખાવ કર્યો છે. કર્ણાટકમાં ભાજપ-જેડીએસ (JDS) ગઠબંધને તમામ ચારેય બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં ભાજપે ૪ અને સમાજવાદી પાર્ટી (SP) એ ૨ બેઠકો મેળવી છે તથા અન્ય બેઠકો પર મતગણતરી ચાલુ રહી છે. આ ઉપરાંત બિહાર અને મહારાષ્ટ્રમાં પણ ચૂંટણીના રસાકસીભર્યા પરિણામો સામે આવ્યા છે.
આ શાનદાર વિજય બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભાજપના કાર્યકરોને અભિનંદન પાઠવવાની સાથે કોંગ્રેસ પાર્ટી પર આકરા અને કટાક્ષપૂર્ણ પ્રહારો કર્યા હતા. વડાપ્રધાને સવાલ ઉઠાવ્યો હતો કે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર અને કર્ણાટકમાં ૨૮ બેઠકો પર એમએલસી ચૂંટણી યોજાઈ હતી અને આ મતદાન સંપૂર્ણપણે બેલેટ પેપર દ્વારા થયું હતું, તો જરા અંદાજ લગાવો કે કોંગ્રેસે આમાં કેટલી બેઠકો જીતી હશે?
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ સહિતના કેટલાક વિપક્ષી દળો દ્વારા અગાઉ સતત એવી માગ કરવામાં આવતી રહી છે કે દેશમાં ચૂંટણીઓ ઈવીએમ (EVM) ના બદલે બેલેટ પેપરથી કરાવવી જોઈએ, કારણ કે બેલેટ પેપરથી જનતાનો સાચો અવાજ બહાર આવે છે. પરંતુ વિધાન પરિષદની આ ચૂંટણીઓ પહેલેથી જ બેલેટ પેપરથી જ યોજાતી હોવા છતાં, ખુદ કોંગ્રેસ પાર્ટી આ ચૂંટણીઓમાં કોઈ ખાસ કમાલ કરી શકી નથી અને તેને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ પરિણામોથી કોંગ્રેસના સ્થાનિક સંગઠન, ઉમેદવારોની પસંદગી તેમજ શિક્ષક અને સ્નાતક મતદારો વચ્ચેના તેના જનઆધાર સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
બિહારની આઠ એમએલસી બેઠકો પૈકી ચારેય શિક્ષક મતવિસ્તારોના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે, જેમાં ભાજપ, આરજેડી, ‘જન સુરાજ’ પાર્ટી અને અપક્ષ ઉમેદવારોએ જીત મેળવી છે. ખાસ કરીને પ્રશાંત કિશોરની ‘જન સુરાજ’ પાર્ટીએ આ ચૂંટણી દ્વારા બિહાર વિધાન પરિષદમાં પોતાનું ખાતું ખોલાવ્યું છે. કોંગ્રેસના આ નબળા દેખાવ પર ભાજપના વરિષ્ઠ સાંસદ રવિશંકર પ્રસાદે પણ કટાક્ષ કરતા જણાવ્યું હતું કે બિહાર અને ઉત્તર પ્રદેશ સહિત કોઈપણ રાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ એક પણ બેઠક જીતી શકી નથી. ચૂંટણી ભલે બેલેટ પેપરથી થાય કે ઇવીએમથી, જનતા કોંગ્રેસને ક્યાંય વોટ આપી રહી નથી છતાં રાહુલ ગાંધી ખોટો શોર મચાવતા રહે છે, તેના બદલે તેમણે દેશભરમાં નિવેદનબાજી કરવાને બદલે પોતાની પાર્ટીને મજબૂત કરવા પર ધ્યાન આપવું જોઈએ.
(11:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
