<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th May 2026

આસામમાં ભાજપની હેટ્રીકઃ હિમંતા કા જાદુ ચલ ગયા

૧૨૬ બેઠકોના ટ્રેન્‍ડમાં ભાજપ ૯૭ તો કોંગ્રેસ ૨૭ બેઠક પર આગળઃ ટ્રેન્‍ડમાં ત્રણ ચતુર્થાંશ ભાજપની બમ્‍પર જીતઃ રાજ્‍યમાં ભાજપની આંધીઃ હિમંતા ફરી બનશે CM: આસામ કોંગ્રેસના પ્રમુખ ગૌરવ ગોગોઈ ખુદ હાર્યા

નવી દિલ્‍હી, તા.૪: આસામમાં આજે ફરી એકવાર રાજકીય ઈતિહાસ રચાઈ રહ્યો છે. ૧૨૬ બેઠકોવાળી આસામ વિધાનસભાની મતગણતરીના જે વલણો સામે આવ્‍યા છે, તે સ્‍પષ્ટપણે દર્શાવે છે કે મુખ્‍યમંત્રી હિમંતા બિસ્‍વા શર્માનું નેતળત્‍વ જનતાએ ફરી સ્‍વીકાર્યું છે. ૪૦ જેટલા મતદાન મથકો પર સવારથી જ શરૂ થયેલી પ્રક્રિયામાં ભાજપ અને તેના સાથી પક્ષોએ શરૂઆતથી જ લીડ મેળવી લીધી હતી. સીમાંકન બાદ બદલાયેલા નવા મતવિસ્‍તારો અને નવી ગતિશીલતા વચ્‍ચે પણ એનડીએ ગઠબંધન મજબૂત પકડ જાળવી રાખવામાં સફળ રહ્યું છે, જે શર્માના શાસન પર જનતાના મહોર સમાન છે.

સૌથી મોટો ઉલટફેર જોરહાટ બેઠક પર જોવા મળી રહ્યો છે, જ્‍યાં આસામ સંમિલિતો મોરચાના મુખ્‍ય ચહેરા અને કોંગ્રેસના કદાવર નેતા ગૌરવ ગોગોઈ ૧૪ રાઉન્‍ડની ગણતરી બાદ ૧૯,૦૦૦થી વધુ મતોથી પાછળ ચાલી રહ્યા છે. ભાજપના હિતેન્‍દ્રનાથ ગોસ્‍વામીએ અહીં ૫૯,૧૧૩ મતો મેળવીને પોતાની જીત લગભગ નિヘતિ કરી લીધી હોય તેમ જણાય છે. ગૌરવ ગોગોઈ જેવી હાઈપ્રોફાઈલ વ્‍યક્‍તિની આ પાછળ રહેવાની સ્‍થિતિ કોંગ્રેસ છાવણી માટે મોટો આંચકો માનવામાં આવે છે, કારણ કે સમગ્ર વિપક્ષ આ વખતે ભ્રષ્ટાચાર અને નાગરિકતા જેવા મુદ્દે સરકારને ઘેરવાનો દાવો કરી રહ્યો હતો.

ચૂંટણી પંચ દ્વારા પણ આ પ્રક્રિયાને અત્‍યંત પારદર્શક બનાવવા માટે ૫,૯૮૧ અધિકારીઓ અને ૨,૩૪૮ માઇક્રો-નિરીક્ષકોની વિશાળ ફોજ તૈનાત કરવામાં આવી છે. રાજ્‍યના દરેક ખૂણે, પછી તે કોકરાઝાર હોય કે તિનસુકિયા, ભાજપના કાર્યકરોમાં અરુણોદય યોજનાની સફળતાનો ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. ભાજપે પોતાની કલ્‍યાણકારી યોજનાઓના આધારે જનતાના હૃદયમાં સ્‍થાન બનાવ્‍યું હોવાનું વલણો પરથી જણાય છે. વહીવટીતંત્રની ચુસ્‍ત સુરક્ષા વચ્‍ચે ગણતરીના દરેક રાઉન્‍ડ સાથે વિરોધ પક્ષોની આશાઓ ધૂંધળી થતી જોવા મળી રહી છે.

વલણો જો પરિણામમાં બદલાશે, તો હિમંતા બિસ્‍વા શર્મા માટે આ માત્ર સત્તામાં પુનરાગમન નથી, પરંતુ ઉત્તર-પૂર્વમાં ભાજપના અભેદ ગઢને વધુ મજબૂત કરવાની જીત હશે. વિકાસના કામો અને હિન્‍દુત્‍વના મુદ્દાઓના મિશ્રણે આસામમાં ફરી એકવાર વિપક્ષી એકતાના લીરેલીરા ઉડાડી દીધા છે. સાંજ સુધીમાં જ્‍યારે વિજયના સત્તાવાર શંખનાદ થશે, ત્‍યારે આસામમાં ફરીથી શર્મા સરકારનો દબદબો જોવા મળશે તે નક્કી છે. ઢોલ-નગારા અને બિહુના તાલે ભાજપના કાર્યકરો અત્‍યારથી જ ઉજવણીમાં ડૂબી ગયા છે

(3:52 PM IST)