<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

ભારતમાં ૩ કરોડ ઘૂસણખોરો હોવાનો ભાજપનો સનસનીખેજ દાવો

દેશમાં ૩ કરોડ બાંગ્‍લાદેશી ઘૂસણખોરો હોવાના કેન્‍દ્રીય ગૃહમંત્રી શાહના દાવા બાદ ભાજપ અને વિપક્ષ વચ્‍ચે રાજકીય ઘમાસાણ તેજ બન્‍યું : ‘ઘૂસણખોરોને બહાર કાઢો, તમને કોણ રોકી રહ્યું છે?' કોંગ્રેસના કેન્‍દ્ર સરકાર પર પ્રહાર

નવી દિલ્‍હી,તા.૪: દેશમાં ૩ કરોડ બાંગ્‍લાદેશી ઘૂસણખોરો હોવાના કેન્‍દ્રીય ગૃહમંત્રી શાહના દાવા બાદ ભાજપ અને વિપક્ષ વચ્‍ચે રાજકીય ઘમાસાણ તેજ બન્‍યું છે. કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આ નિવેદન સામે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ વળતો પ્રહાર કરતા પૂછ્‍યું છે કે, જો ખરેખર દેશમાં આટલી મોટી સંખ્‍યામાં ઘૂસણખોરો હાજર છે, તો કેન્‍દ્ર સરકારે અત્‍યાર સુધી તેમની સામે શું પગલાં લીધાં છે. બીજી તરફ ભાજપ અને તેના સહયોગી પક્ષોએ આક્ષેપ કર્યો છે કે વિપક્ષ વોટબેંક સાચવવા ગેરકાયદે વસાહતીઓને બચાવવા માટે સ્‍પેશિયલ ઇન્‍ટેન્‍સિવ રિવિઝન (SIR) જેવી પ્રક્રિયાઓનો વિરોધ કરી રહ્યો છે.

કોંગ્રેસ નેતા ઉદિત રાજે અમિત શાહના પ્રહારો સામે વળતો પ્રહાર કરતાં કહ્યું કે, ‘ચૂંટણીઓ નજીક આવે ત્‍યારે જ તેમને ઘૂસણખોરો દેખાય છે. ઝારખંડની ચૂંટણીમાં, દિલ્‍હીની ચૂંટણીમાં અને બિહારની ચૂંટણીમાં પણ તેમણે ઘણો હોબાળો મચાવ્‍યો હતો. બિહારમાં જ્‍યારે SIR થયું ત્‍યારે ૪૦૦ થી ૫૦૦ બહારના લોકોમાંથી માંડ ૧૦૦ થી ૧૫૦ જ બહારના હતા, બાકીના તો નેપાળના હતા. છેલ્‍લા ૧૨.૫ થી ૧૩ વર્ષથી સરકાર કોણ ચલાવી રહ્યું છે? તેમણે શરમ અનુભવવી જોઈએ અને રાજીનામું આપવું જોઈએ. જો ઘૂસણખોરો છે તો તેમને બહાર કાઢો. ૫ વર્ષ થઈ ગયા, તમને કોણ રોકી રહ્યું છે? એક લિસ્‍ટ બનાવો અને તમામને પાછા મોકલો. પરંતુ તેઓ દેશની જનતાને માત્ર મૂર્ખ બનાવી રહ્યા છે.'

કોંગ્રેસ સાંસદ ઇમરાન મસૂદે અમિત શાહના નિવેદન પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, ‘તો પછી આ ઘૂસણખોરો ક્‍યાં છે? જો દેશમાં આટલી મોટી સંખ્‍યામાં ઘૂસણખોરો હાજર હોય, તો અમિત શાહને પોતાના પદ પર રહેવાનો કોઈ નૈતિક અધિકાર નથી. દેશના ગૃહમંત્રી આટલું હળવાશભર્યું અને બેજવાબદાર નિવેદન આપે તેનાથી વધુ ચિતાજનક બાબત બીજી કઈ હોઈ શકે?'

કોંગ્રેસ સાંસદ ઇમરાન પ્રતાપગઢીએ નિશાન સાધતાં કહ્યું કે, ‘વાસ્‍તવમાં અમિત શાહને દરેક ભારતીય ઘૂસણખોર દેખાય છે. તેઓ દેશના સામાન્‍ય નાગરિકોને ઘૂસણખોર તરીકે જુએ છે. જે પણ વ્‍યક્‍તિ ભાજપનો સભ્‍ય નથી તે તેમને ઘૂસણખોર લાગે છે. આ જ કારણ છે કે તેઓ આવી ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે.'

સમાજવાદી પાર્ટીના સાંસદ અવધેશ પ્રસાદે પણ અમિત શાહના દાવા સામે આકરો વાંધો ઉઠાવ્‍યો હતો. તેમણે જણાવ્‍યું કે, ‘કદાચ ગૃહમંત્રીને એ વાતની સાચી જાણકારી નથી કે ઘૂસણખોર કોણ છે. દેશની આઝાદી માટે અનેક લોકોએ સંઘર્ષ કર્યો છે અને અસંખ્‍ય લોકો એવા છે જેમના પૂર્વજોને આ જ દેશની ધરતીમાં દફનાવવામાં આવ્‍યા છે. આવા લોકોને ઘૂસણખોર ગણાવતા પહેલા તથ્‍યો અને વાસ્‍તવિકતાને સમજવી ખૂબ જરૂરી છે.'

(9:58 AM IST)