તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th April 2026
રાજકોટમાં ભાજપનું શક્તિ પ્રદર્શન: ‘જનસેવા સંકલ્પ’ સાથે જગદીશ વિશ્વકર્માએ કરાવ્યો ચૂંટણી પ્રચારનો પ્રારંભ, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર
બહુમાળી ભવન ચોક ખાતે હજારો કાર્યકર્તાઓએ લીધા જનસેવાના શપથ: ટિકિટ વિતરણ બાદની નારાજગી દૂર કરવા પ્રદેશ પ્રમુખનું ડેમેજ કંટ્રોલ, ૧૫ મહાનગરોમાં એકસાથે અભિયાન છેડી બુથ સ્તરે રણનીતિ ઘડાઈ

રાજકોટ:રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ આક્રમક પ્રચારની શરૂઆત કરી દીધી છે. શહેર ભાજપ દ્વારા આયોજિત 'જનસેવા સંકલ્પ' કાર્યક્રમ અંતર્ગત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું રાજકોટમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની વિશેષતા એ રહી કે સ્વાગત પુષ્પગુચ્છને બદલે અભ્યાસના પુસ્તકો દ્વારા કરવામાં આવ્યું હતું, જે પાછળથી જરૂરિયાતમંદ બાળકોને વિતરણ કરવામાં આવશે. બહુમાળી ભવન ચોક ખાતે આયોજિત આ કાર્યક્રમમાં જગદીશ વિશ્વકર્માએ વિપક્ષ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, વિપક્ષી નેતાઓ માત્ર ચૂંટણી સમયે જ પ્રજા વચ્ચે દેખાય છે, જ્યારે ભાજપનો કાર્યકર પાંચ વર્ષના વિકાસનો હિસાબ લઈને પ્રજા પાસે જાય છે.
નારાજ કાર્યકરોને મનાવવા 'ડેમેજ કંટ્રોલ'ની કવાયત
મહાનગરપાલિકામાં ટિકિટ વિતરણ બાદ ઉભી થયેલી નારાજગીને શાંત કરવા માટે આ કાર્યક્રમ એક મહત્વનું માધ્યમ બન્યો હતો. જગદીશ વિશ્વકર્માએ ધારાસભા મુજબ નારાજ કાર્યકરો અને નેતાઓ સાથે મુલાકાત કરી હતી. કાર્યક્રમમાં ગોવિંદ પટેલ અને નીતિન ભારદ્વાજ જેવા 'જૂના જોગીઓ'ની ઉપસ્થિતિએ પક્ષમાં એકતાનો સંદેશ આપ્યો હતો. પ્રદેશ પ્રમુખે હજારો કાર્યકર્તાઓને જનસેવાનો સામૂહિક સંકલ્પ લેવડાવ્યો હતો, જેમાં નાગરિક કર્તવ્ય અને બંધારણીય નિયમોને અનુસરવાની નેમ વ્યક્ત કરવામાં આવી હતી. શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ આ આયોજનને એક નવો પ્રયોગ ગણાવી કાર્યકર્તાઓને 'દેવથી દુર્લભ' ગણાવ્યા હતા.
બુથ સ્તરે રણનીતિ અને 'વિશ્વગુરુ'નો સંકલ્પ
આ જનસેવા સંપર્ક અભિયાન માત્ર રાજકોટ પૂરતું મર્યાદિત નથી, પરંતુ રાજ્યના તમામ ૧૫ મહાનગરોમાં એકસાથે શરૂ કરવામાં આવ્યું છે. રાજકોટના અંદાજે ૧૦૦૦ જેટલા બુથના કાર્યકર્તાઓ સાથે જગદીશ વિશ્વકર્મા સીધો સંવાદ કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભારતને 'વિશ્વગુરુ' બનાવવાના વિઝનને જન-જન સુધી પહોંચાડવાની જવાબદારી કાર્યકર્તાઓને સોંપવામાં આવી છે. રાજ્યભરમાં ૧૦ હજારથી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, ત્યારે ભાજપ વ્યક્તિ કરતાં વિચારધારાને સર્વોપરી માનીને મેદાનમાં ઉતર્યું છે.
૭૨ બેઠકો જીતવાનો વિશ્વાસ
રાજકોટ મહાનગરપાલિકાના ૧૮ વોર્ડના કુલ ૭૨ ઉમેદવારોની હાજરીમાં ભાજપે પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. માધવ દવેએ જણાવ્યું હતું કે, કાર્યકર્તાઓના સમર્પણના જોરે રાજકોટની તમામ ૭૨ બેઠકો પર ભગવો લહેરાશે. પ્રચાર અભિયાનની વિધિવત શરૂઆત સાથે જ ભાજપ હવે દરેક બુથ પર વિજય મેળવવાની રણનીતિ સાથે મેદાનમાં છે. ચૂંટણીના આ માહોલમાં ભાજપે જનસેવા અને વિકાસના મુદ્દાને આગળ ધરીને વિપક્ષને પછાડવા માટે આક્રમક કમાન સંભાળી લીધી છે.
(2:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
