તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th July 2026
ચીનના ચોંગકિંગમાં કાળમુખા ભૂસ્ખલને મચાવી ભારે તબાહી: પહાડ ધસી પડતા ૧૦થી વધુ ઈમારતો કાટમાળમાં ફેરવાઈ, ૮ લોકોના મોત જ્યારે ૩૪ લોકોની શોધખોળ જારી
ભયાનક કુદરતી હોનારત બાદ તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ, સ્થાનિકોમાં ફેલાયો ભારે ગભરાટ અને શોકનો માહોલ

ચોંગકિંગ: દક્ષિણ-પશ્ચિમ ચીનનું ચોંગકિંગ શહેર હાલ એક ગંભીર કુદરતી હોનારતનો સામનો કરી રહ્યું છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર, શુક્રવારે સવારના સમયે પેંગશુઈ કાઉન્ટી વિસ્તારમાં આવેલા એક વિશાળ પહાડ પરથી અચાનક ભેખડો ધસી પડતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ ભૂસ્ખલનની ઘટના એટલી તીવ્ર હતી કે તેની અડફેટે આવી જવાથી ૧૦થી વધુ રહેણાંક ઈમારતો સંપૂર્ણપણે જમીનદોસ્ત થઈ ગઈ છે અને કાટમાળના ઢગલામાં ફેરવાઈ ગઈ છે.
આ દુર્ઘટનાના પગલે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધી મળેલી પ્રાથમિક માહિતી મુજબ, આ કરુણ ઘટનામાં ૮ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હોવાની પુષ્ટિ થઈ છે. આ ઉપરાંત, ૩૪ જેટલા લોકો હજુ પણ લાપતા હોવાનું સામે આવ્યું છે, જેમના માટે કાટમાળ નીચે શોધખોળ અભિયાન ચાલી રહ્યું છે.
સ્થાનિક સ્તરેથી મળતી જાણકારી મુજબ, ભૂસ્ખલનને કારણે કાદવ, માટી અને મોટા ખડકો રહેણાંક વિસ્તારોમાં ધસી આવ્યા હતા, જેના કારણે અનેક પરિવારો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતા જ રેસ્ક્યુ ટીમ, ફાયર બ્રિગેડ અને વહીવટી અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા છે અને કાટમાળ હટાવી જીવિત લોકોને બહાર કાઢવા માટેના તમામ પ્રયાસો કરી રહ્યા છે.
આ કુદરતી આફતે સ્થાનિક રહીશોમાં ભારે ગભરાટ ફેલાવી દીધો છે. હજુ પણ શોધખોળ કામગીરી ચાલુ હોવાથી મૃત્યુઆંક વધવાની શક્યતા નકારી શકાય તેમ નથી. હાલમાં વહીવટીતંત્ર દ્વારા આ વિસ્તારને સુરક્ષિત કરવા અને અસરગ્રસ્ત લોકોને મદદ પહોંચાડવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે.
(12:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
