News of Sunday, 3rd May 2026
ભારતના સસ્તા તેલ પર યુક્રેનિયમ ડ્રોનનો કાળો પડછાયો: રશિયન બંદરો પર હુમલાથી પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાની દહેશત!
યુક્રેને રશિયાના પ્રિમોર્સ્ક અને નોવોરોસિસ્ક જેવા મુખ્ય તેલ નિકાસ કેન્દ્રોને નિશાન બનાવતા વૈશ્વિક એનર્જી માર્કેટમાં ખળભળાટ : ભારત માટે ચિંતાનો વિષય કારણ કે રશિયાથી આવતા સપ્લાયનો મોટો હિસ્સો આ જ જોખમી રુટ પર નિર્ભર છે

નવી દિલ્હી : રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ હવે સીધું ભારતના રસોડા અને ખિસ્સા સુધી પહોંચી શકે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. યુક્રેને રશિયાના સૌથી મહત્વના તેલ નિકાસ કેન્દ્ર એવા 'પ્રિમોર્સ્ક' બંદર પર ભીષણ ડ્રોન હુમલા કર્યા છે, જ્યાંથી દરરોજ ૧૦ લાખ બેરલ તેલની નિકાસ થાય છે. આ હુમલાઓ માત્ર રશિયાની અર્થવ્યવસ્થાને તોડવા માટે નથી, પરંતુ તે પરોક્ષ રીતે ભારત જેવા મોટા ગ્રાહક દેશો માટે પણ ખતરાની ઘંટડી છે. રશિયાના બાલ્ટિક સમુદ્ર સ્થિત આ બંદરો પર લાગેલી આગ વૈશ્વિક તેલ બજારમાં અસ્થિરતા લાવી શકે છે, જેની સીધી અસર ભારતના ઈંધણ પુરવઠા પર પડી શકે છે.
ભારત હાલમાં પોતાની તેલની જરૂરિયાતો પૂરી કરવા માટે રશિયા પાસેથી મળતા સસ્તા ક્રૂડ ઓઈલ પર વધુ નિર્ભર છે. પ્રિમોર્સ્ક ઉપરાંત ઉસ્ટ-લુગા અને નોવોરોસિસ્ક જેવા બંદરો પર યુક્રેનના સતત વધતા હુમલાઓએ ભારતીય તેલ કંપનીઓની ચિંતા વધારી દીધી છે. રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ ખુલ્લેઆમ ચેતવણી આપી છે કે રશિયાના 'શેડો ફ્લીટ' ટેન્કરો હવે સુરક્ષિત નથી. જો આ બંદરો અથવા સપ્લાય ચેઈનને મોટું નુકસાન થાય, તો ભારતે અન્ય મોંઘા સ્ત્રોતો તરફ વળવું પડશે, જેના પરિણામે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાઈ શકે છે.
આ સંઘર્ષ હવે માત્ર સરહદી લડાઈ મટીને 'એનર્જી વોર' (ઉર્જા યુદ્ધ) માં ફેરવાઈ ગયો છે. યુક્રેન દ્વારા રશિયન રિફાઇનરીઓ અને પાઇપલાઇનોને વ્યવસ્થિત રીતે નિશાન બનાવવામાં આવી રહી છે જેથી રશિયાની આવક રોકી શકાય. પરંતુ આ વ્યૂહરચનામાં ભારત જેવો મિત્ર દેશ પિસાઈ રહ્યો છે. જો આગામી દિવસોમાં આ ડ્રોન હુમલાઓ તીવ્ર બનશે, તો આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં ઉછાળો આવશે અને ભારત માટે રશિયા પાસેથી સસ્તું તેલ મેળવવું એક મોટો પડકાર બની જશે. વિશ્વ આ યુદ્ધના આર્થિક ફેલાવાને રોકવા માટે હવે આતુરતાથી જોઈ રહ્યું છે.
(6:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
