News of Monday, 7th September 2026
કાળા ટી-શર્ટ વિવાદ: તેલંગાણા વિધાનસભા બહાર BRS ધારાસભ્યોનો હોબાળો, પોલીસ સાથે ઘર્ષણ બાદ ધરપકડ
કોંગ્રેસ સરકાર દ્વારા ચૂંટણી વચનો પૂરા કરવામાં નિષ્ફળ રહ્યાના આક્ષેપ સાથે વિપક્ષી નેતાઓ પહોંચ્યા હતા વિધાનસભા, પોલીસે અટકાવતા સર્જાયો તણાવ

હૈદરાબાદ : સોમવારે તેલંગાણા વિધાનસભાની બહાર વિપક્ષી ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) ના ધારાસભ્યો દ્વારા "કોંગ્રેસ ૧,૦૦૦ દિવસમાં પોતાના વચનો પૂરા કરવામાં નિષ્ફળ ગઈ" તેવા નારા લખેલા કાળા ટી-શર્ટ પહેરીને ગૃહમાં પ્રવેશવાનો પ્રયાસ કરવામાં આવતા ભારે હોબાળો મચી ગયો હતો, જ્યાં સુરક્ષાકર્મીઓએ અટકાવતા ધારાસભ્યો અને પોલીસ વચ્ચે ઉગ્ર અથડામણ અને ધક્કામુક્કી સર્જાઈ હતી. રાજ્યની રેવંત રેડ્ડી સરકાર ચૂંટણી દરમિયાન આપેલા ૪૨૦ વચનો પૂરા કરવામાં નિષ્ફળ રહી હોવાના વિરોધમાં બીઆરએસના કાર્યકારી પ્રમુખ કેટી રામા રાવ અને નાયબ નેતા ટી હરીશ રાવ સહિતના અનેક નેતાઓ સોમવારે સવારે મોટી સંખ્યામાં વિધાનસભા ગેટ પર પહોંચ્યા હતા, પરંતુ સુરક્ષા દળોએ નારા લગાવવાની મંજૂરી ન આપતા મામલો ગરમાયો હતો અને પોલીસે ઉગ્ર બોલાચાલી બાદ મહિલા ધારાસભ્યો અને સ્ટાફ સાથે કથિત દુર્વ્યવહાર કરી તમામ વિરોધીઓની અટકાયત કરી તેલંગાણા ભવન ખસેડ્યા હતા.
આ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને ધારાસભ્યો વચ્ચે થયેલી ઝપાઝપીમાં કેટી રામા રાવ, ભૂતપૂર્વ મંત્રી જી જગદીશ રેડ્ડી તેમજ મહિલા ધારાસભ્ય વી સુનિતા લક્ષ્મ રેડ્ડી, પી સબિતા ઇન્દ્ર રેડ્ડી અને કોવા લક્ષ્મીને સામાન્ય ઈજાઓ પહોંચી હતી, એટલું જ નહીં બીઆરએસ નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે પોલીસે કેટલાક ધારાસભ્યોના પગ કચડી નાખ્યા હતા અને રામા રાવના પીઆરઓ મહેશ પર પણ હુમલો કર્યો હતો. આ ઘટના બાદ બીઆરએસ નેતા કેટીઆરએ વિરોધ પ્રદર્શનો સામેના ભેદભાવપૂર્ણ વર્તન પર સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે જો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સંસદમાં કાળો શર્ટ પહેરી શકે છે, તો તેલંગાણામાં વિપક્ષી ધારાસભ્યોને શા માટે અટકાવવામાં આવ્યા? પ્રવેશ ન મળવાથી રોષે ભરાયેલા હરીશ રાવ સહિતના ધારાસભ્યોએ પોતાના ટી-શર્ટ કાઢીને લોબીના પ્રવેશદ્વાર પર જ ધરણા શરૂ કર્યા હતા, જ્યારે કેટલાક સાદા વસ્ત્રો પહેરેલા સભ્યોને અંદર જવા દેવામાં આવ્યા હતા જેની સામે પણ ભારે રોષ વ્યક્ત કરાયો હતો.
વિધાનસભામાં પ્રવેશતા પહેલા બીઆરએસના ધારાસભ્યોએ ગન પાર્ક ખાતે આવેલા તેલંગાણા શહીદ સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, જ્યાં કેટી રામા રાવે સરકારી કર્મચારીઓ, આંગણવાડી કાર્યકરો અને સર્વેયરો સહિતના તમામ વર્ગોના પ્રશ્નો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવા માટે વિધાનસભાનું સત્ર એક મહિના સુધી લંબાવવાની માંગણી દોહરાવી હતી. સત્તાધારી પક્ષ પર પ્રહાર કરતા તેમણે આક્ષેપ કર્યો કે કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણી ટાણે ૧૦૦ દિવસમાં તમામ વચનો પૂરા કરવાના દાવા કર્યા હતા, પરંતુ ૧,૦૦૦ દિવસ વીતી ગયા છતાં જનતા સાથે કરેલા વાયદાઓ કાગળ પર જ રહી ગયા છે જેને કારણે પ્રજામાં સરકાર સામે ભારે અસંતોષ પ્રવર્તી રહ્યો છે.
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ અને મુખ્ય વિપક્ષ બીઆરએસ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે, ત્યારે આ આંદોલને રાજકીય ગરમાવો લાવી દીધો છે અને આગામી દિવસોમાં વિધાનસભાની અંદર તથા બહાર સરકાર વિરુદ્ધ વિપક્ષી આક્રમકતા વધુ તીવ્ર બને તેવી પૂરી સંભાવના છે.
(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
