<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th October 2026

બિહારમાં ફટાકડા બનાવવા દરમિયાન બ્‍લાસ્‍ટઃ આઠથી વધુનાં મોતની આશંકા

વિસ્‍ફોટ એટલો જોરદાર હતો કે આસપાસના વિસ્‍તારમાં અફરા તફરી મચી ગઇ

સિવાન,તા.૨૪: બિહારના સિવાનમાં દર્દનાક દુર્ઘટના સર્જાઇ છે. જામો થાના પોલીસ સ્‍ટેશનના અલ્‍માપુરમાં ગેરકાયદેસર સંચાલિત ફટાકડા ફેક્‍ટરીમાં અચાનક જોરદાર વિસ્‍ફોટ થયો છે. વિસ્‍ફોટ એટલો જોરદાર હતો કે આસપાસના વિસ્‍તારમાં અફરા તફરી મચી ગઇ છે. સ્‍થાનિક લોકો અનુસાર, આ દુર્ઘટનામાં આઠથી વધુ લોકોનાં મોત થયાની આશંકા છે.

કહેવામાં આવી રહ્યું છે, આ આલમગીર મિયાંનું ઘર હતું જેમાં ફટાકડા બનાવવાનું કામ ચાલતું હતું. આ દુર્ઘટનામાં તેનું પણ મોત થયું છે. મૃતક મોટાભાગે તેના ઘરના સભ્‍ય જ હતા. ઘટના બાદ સમગ્ર વિસ્‍તારમાં ડરનો માહોલ છે. ડઝનો લોકોની હાજરી ધરાવતા આ પરિસરમાં બ્‍લાસ્‍ટ એટલો જોરદાર હતો કે મકાન ધ્‍વસ્‍ત થઇ ગયું છે.

પ્રત્‍યક્ષદર્શીઓ અનુસાર, વિસ્‍ફોટનો અવાજ એટલો જોરદાર હતો કે આસપાસના લોકો ગભરાઇને પોતાના ઘરની બહાર નીકળ્‍યા હતા. જ્‍યારે લોકો ઘટનાસ્‍થળે પહોંચ્‍યા ત્‍યારે તેઓ દ્રશ્‍ય જોઇને ચોંકી ગયા હતા. ઘટનાસ્‍થળની આસપાસ કેટલાક લોકો ઘાયલ અવસ્‍થામાં પડ્‍યા હોવાની જાણકારી સામે આવી છે.

પોલીસ સ્‍ટેશનના પ્રભારી વાતચીતમાં જણાવ્‍યું હતું કે, ઘટનાસ્‍થળે રાહત અને બચાવ અભિયાન ચાલુ છે. ફાયરની કેટલીક ગાડીઓ ઘટનાસ્‍થળે છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પોલીસ અને વહીવટી તંત્રની પ્રાથમિકતા આગ ઓલવવા, કાટમાળમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા અને સ્‍થિતિને નિયંત્રિત કરવાની છે. પોલીસ સ્‍ટેશનના પ્રભારી અનુસાર, રેસ્‍કયુ ઓપરેશન પૂર્ણ થવા અને સ્‍થિતિ સામાન્‍ય થયા બાદ જ મૃતકો અને ઘાયલોની વાસ્‍તવિક સંખ્‍યા સ્‍પષ્ટ થઇ શકશે.

સ્‍થાનિક લોકોનો દાવો છે કે સંબંધિત ફટાકડા ફેક્‍ટરી લાઇસન્‍સ વગર ચાલતી હતી. જોકે, ફેક્‍ટરીનું લાઇસન્‍સ અને સંચાલનને લઇને તંત્રની પૃષ્ટિ બાકી છે.

(10:09 AM IST)