<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th September 2026

લાલ કિલ્લા પાસે થયેલો વિસ્ફોટ આત્મઘાતી હુમલો હતો: NIA ની ચાર્જશીટમાં સનસનાટીભર્યો ખુલાસો

આરોપી ઉમર નબીએ કારમાં બેસી IED એક્ટિવ કર્યું હતું : 'લોન મુજાહિદ' માર્ગદર્શિકા અને કટ્ટરપંથી સાહિત્ય જપ્ત

નવી દિલ્હી : ૧૦ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ દિલ્હીમાં લાલ કિલ્લા નજીક થયેલા શક્તિશાળી વિસ્ફોટના કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ અદાલતમાં ચાર્જશીટ રજૂ કરી છે. NIA ની તપાસમાં ખુલાસો થયો છે કે આ વિસ્ફોટ એક પ્લાન્ડ આત્મઘાતી (ફિદાયીન) હુમલો હતો. તપાસ એજન્સી અનુસાર, મુખ્ય આરોપી ઉમર નબી (A-1) વિસ્ફોટ સમયે કારની અંદર જ હાજર હતો અને તેણે સ્પેશિયલ કમાન્ડ મિકેનિઝમ દ્વારા કારમાં ગોઠવવામાં આવેલા IED (ઈમ્પ્રોવાઈઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઈસ) ને એક્ટિવેટ કર્યા હતા.

NIA દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં આ આતંકવાદી મોડ્યુલની કાર્યપદ્ધતિ, કટ્ટરપંથી વિચારધારા અને ઓપરેશનલ વ્યૂહરચનાઓ અંગેની અત્યંત વિગતવાર માહિતી સામે આવી છે.

NIA ની ચાર્જશીટના મુખ્ય મુદ્દા અને સનસનાટીભર્યા ખુલાસા:
'લોન મુજાહિદ' પોકેટ બુકનો ઉપયોગ: તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી "લોન મુજાહિદ પોકેટ બુક: હાઉ ટુ બીકમ અ કિલર" નામનો દસ્તાવેજ મળી આવ્યો છે. આ દસ્તાવેજ AQAP (અલ-કાયદા ઇન ધ અરેબિયન પેનિનસુલા) સાથે જોડાયેલો છે, જેમાં TATP વિસ્ફોટકો, રિમોટ-કંટ્રોલ્ડ ડિટોનેશન, શસ્ત્રો અને ગુપ્ત કામગીરી અંગેનું ટેકનિકલ જ્ઞાન આપેલું છે.

કટ્ટરપંથી પ્રચાર અને વૈચારિક આધાર : મોડ્યુલ પાસેથી મળી આવેલા પ્રચાર સાહિત્યમાં વર્તમાન લોકશાહી અને રાજકીય વ્યવસ્થાઓને "શેતાની" ગણાવી તેને હિંસક રીતે ઉથલાવી પાડવાની હાકલ કરવામાં આવી હતી. હિંસક પ્રવૃત્તિઓને ધાર્મિક રંગ આપી 'ગઝવા-એ-હિંદ' ના નામે વાજબી ઠેરવવાનો પ્રયાસ કરાયો હતો અને સશસ્ત્ર સંઘર્ષને ફરજ તરીકે રજૂ કરવામાં આવ્યો હતો.

ઓપરેશનલ વ્યૂહરચના અને તૈયારીઓ: ચાર્જશીટ અનુસાર, આરોપીઓ લોન વુલ્ફ એટેક, લક્ષિત હુમલા અને ફિદાયીન ઓપરેશન્સ માટે માનસિક તથા ઓપરેશનલ તૈયારીઓ કરી રહ્યા હતા. સુરક્ષા એજન્સીઓથી બચવા માટે ખોટી ઓળખ ઊભી કરવી, ગુપ્ત રીતે સ્થળો પર પહોંચવું અને કવર સ્ટોરીનો ઉપયોગ કરવા જેવી પ્રશિક્ષણ તકનીકો આ દસ્તાવેજોમાં સામેલ હતી.

NIA એ સ્પષ્ટ કર્યું છે કે જપ્ત કરાયેલી સામગ્રી માત્ર વૈચારિક પ્રચાર નહોતી, પરંતુ આતંકવાદી પ્રવૃત્તિઓને અંજામ આપવા માટેની વ્યવહારુ સૂચનાઓનો સંગ્રહ હતી.

(8:08 PM IST)