<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th May 2026

'અંધ બાબુ' ચલાવે છે કાર અને 'અપંગ' શિક્ષકો બનાવે છે ડાન્સ રીલ: મધ્યપ્રદેશમાં સરકારી નોકરી મેળવવા માટે અપંગતાના નકલી પ્રમાણપત્રોનું મોટું કૌભાંડ!

તપાસમાં થયો ઘટસ્ફોટ: કાગળ પર દિવ્યાંગ બનીને બેઠેલા કર્મચારીઓ વાસ્તવિક જીવનમાં સાવ 'ફિટ', રાજ્યમાં ૮૦% કર્મચારીઓના પ્રમાણપત્રો શંકાના દાયરામાં

નિવારી, તા. 25 મે, 2026 મધ્યપ્રદેશમાં સરકારી નોકરી મેળવવાની ઘેલછામાં કેટલે હદે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે, તેનો એક અત્યંત શરમજનક અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જે ખરેખર દિવ્યાંગ અને જરૂરિયાતમંદ લોકો માટેના અનામત ક્વોટા (Disabled Quota) નો ગેરલાભ લઈને અનેક લોકોએ કાગળ પર 'અપંગ' હોવાના ખોટા પ્રમાણપત્રો મેળવીને સરકારી નોકરીઓ પચાવી પાડી છે. 'દૈનિક ભાસ્કર' દ્વારા કરવામાં આવેલી આ ગંભીર તપાસમાં ખુલાસો થયો છે કે, જેઓ કાગળ પર દિવ્યાંગ છે, તેઓ વાસ્તવિક જીવનમાં એકદમ સ્વસ્થ છે અને કાર ચલાવવાથી માંડીને સોશિયલ મીડિયા પર ડાન્સ રીલ પણ બનાવી રહ્યા છે!
કિસ્સો ૧: મંત્રીના સ્ટાફમાં કાર્યરત 'દૃષ્ટિહીન' બાબુ ખુદ ચલાવે છે કાર!
રાજધાની ભોપાલનો આ કિસ્સો સૌથી વધુ આઘાતજનક છે. અલ્કેશ ખાકરે નામના એક સરકારી કર્મચારીને ૨૦૧૪માં 'અંધ ક્વોટા' હેઠળ સહાયક ગ્રેડ-૩ તરીકે નોકરી મળી હતી. છેલ્લા ચાર વર્ષથી તેઓ પીડબ્લ્યુડી મંત્રી રાકેશ સિંહના બંગલામાં ડેપ્યુટેશન પર તહેનાત છે. ભાસ્કરની ટીમે જ્યારે તપાસ કરી તો જોવા મળ્યું કે અલ્કેશ પોતાની કાર (MP 04 YK 6924) પોતે જાતે ડ્રાઈવ કરીને મંત્રીના બંગલા સુધી પહોંચે છે. આંખના નિષ્ણાતોનું સ્પષ્ટ માનવું છે કે ૪૦% દૃષ્ટિહીન વ્યક્તિ માટે કાર ચલાવવી અશક્ય અને જોખમી છે.
કિસ્સો ૨ અને ૩: 'લાચાર' શિક્ષકોની ચપળતા જોઈને સૌ કોઈ દંગ!
નિવારી જિલ્લાના બે શિક્ષકો, રાકેશ તિવારી અને રોહિત શુક્લા, ઓર્થોપેડિકલી દિવ્યાંગ હોવાના પ્રમાણપત્રોના આધારે નોકરી કરી રહ્યા છે. કાગળ પર તેમના પગમાં ગંભીર સમસ્યા હોવાનું દર્શાવવામાં આવ્યું છે, પરંતુ વાસ્તવિકતામાં રાકેશ તિવારી ટુ-વ્હીલર ચલાવે છે અને સોશિયલ મીડિયા પર રીલ પણ બનાવે છે. તેવી જ રીતે, રોહિત શુક્લા પણ મોટરસાયકલ પર સવારી કરીને શાળાએ જાય છે. આ બંને શિક્ષકોની ચપળતા અને તેમની દૈનિક પ્રવૃત્તિઓ જોઈને તેમના 'દિવ્યાંગ' હોવાના દાવાઓ પર મોટું પ્રશ્નચિહ્ન મુકાઈ ગયું છે.
૮૦% કર્મચારીઓના પ્રમાણપત્રો નકલી હોવાની આશંકા
સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓનો આ આંકડો રાજ્ય સરકારની સિસ્ટમ પર સવાલ ઉભા કરે છે. વિભાગના મતે, રાજ્યમાં દિવ્યાંગ ક્વોટા દ્વારા નોકરી મેળવનારા ૮૦% કર્મચારીઓના પ્રમાણપત્રો શંકાસ્પદ હોઈ શકે છે. તાજેતરમાં જ નવનીત કુમાર પાંડે નામના એક શ્રમ નિરીક્ષકને નકલી પ્રમાણપત્ર બદલ બરતરફ કરવામાં આવ્યા હતા, જે આ કૌભાંડનો માત્ર એક નાનો અંશ છે.
તપાસના આદેશો છતાં જવાબદાર અધિકારીઓની 'ઢીલી નીતિ'ને કારણે આ કૌભાંડ વર્ષોથી ધમધમી રહ્યું છે. શું સરકાર ખરેખર કડક તપાસ કરીને ખરા દિવ્યાંગોના હક છીનવી લેનારા આ 'ઢોંગી' કર્મચારીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરશે? તે તો હવે આવનારો સમય જ કહેશે.

(3:44 PM IST)