News of Friday, 4th September 2026
ચીન પર અંધ વિશ્વાસ કરવો યુરોપને ભારે પડ્યો: બેલ્જિયમના વડાપ્રધાને કહ્યું— 'ભારતે સમયસર ચેતવણી આપી હતી, પણ અમે ન સાંભળ્યું, હવે પસ્તાઈ રહ્યા છીએ'
નવી દિલ્હીમાં CII ના મંચ પરથી બાર્ટ ડી વેવરની પ્રામાણિક કબૂલાત: ચીની માલસામાનના આક્રમણથી યુરોપના ઉદ્યોગો ભાંગી પડ્યા; હવે સપ્લાય ચેઈનમાં ભારત અમારી 'નંબર ૧' પસંદગી

નવી દિલ્હી, : ચીન પર આર્થિક અને ઔદ્યોગિક રીતે અંધાધૂંધ નિર્ભર રહેવાની નીતિ યુરોપીય દેશો માટે અત્યંત ઘાતક સાબિત થઈ રહી છે. નવી દિલ્હી ખાતે આયોજિત 'કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી' (CII) ના એક મહત્વપૂર્ણ કાર્યક્રમમાં બેલ્જિયમના વડાપ્રધાન બાર્ટ ડી વેવરે આ અંગે અત્યંત ચોંકાવનારી અને પ્રામાણિક ક્ષણની કબૂલાત કરી હતી. તેમણે સ્વીકાર્યું કે યુરોપે ચીનમાંથી આવતા સસ્તા માલસામાન માટે પોતાના બજારો ખુલ્લા મૂકીને મોટી ભૂલ કરી, જેના કારણે તેમનો પોતાનો ઔદ્યોગિક પાયો નબળો પડી ગયો. તેમણે આ પરિસ્થિતિને યુરોપ માટે એક 'અસંસ્કારી જાગૃતિ' (રૂડ અવેકનીંગ) ગણાવી હતી.
સૌથી રસપ્રદ વાત એ છે કે બેલ્જિયમના વડાપ્રધાને આ જોખમ સામે યુરોપને સમયસર ચેતવણી આપવા બદલ ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુક્તકંઠે પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું, "ભારતે આ જોખમ અમારા કરતાં ઘણું વહેલું જોઈ લીધું હતું. વડાપ્રધાન મોદીએ યુરોપના નેતાઓને અતિશય આર્થિક નિર્ભરતા અંગે બહુ પહેલાં ચેતવ્યા હતા અને અમે તેમની વાત ન સાંભળી. પરંતુ હવે આખું યુરોપ ભારતનો અવાજ સાંભળી રહ્યું છે." તેમણે ઉમેર્યું કે યુરોપ હવે કોઈ દેશની આર્થિક કે રાજકીય દાદાગીરીનું શિકાર બનવા માંગતું નથી.
વડાપ્રધાન બાર્ટ ડી વેવરે સ્પષ્ટ કર્યું કે પોતાની સપ્લાય ચેઈનને સુરક્ષિત કરવા અને ચીન પરની નિર્ભરતા ઘટાડવા માટેના નવા ભાગીદારોની યાદીમાં ભારત તેમની પ્રથમ પસંદગી છે. સેમિકન્ડક્ટર, સંરક્ષણ ઉત્પાદનો, ફાર્માસ્યુટિકલ્સ, ગ્રીન એનર્જી, મહત્વપૂર્ણ ખનિજો અને ટેકનોલોજી જેવા વ્યૂહાત્મક ક્ષેત્રોમાં બેલ્જિયમ અને યુરોપિયન યુનિયન ભારત સાથે ભાગીદારી મજબૂત કરવા આતુર છે. બંને દેશો વચ્ચે ભારત-ઈયુ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) ને ઝડપથી આખરી ઓપ આપવા અંગે પણ હકારાત્મક ચર્ચાઓ થઈ છે.
(5:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
