તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th November 2026
બ્લિંકિટ એમ્બ્યુલન્સ સેવા હવે સંપૂર્ણ મફત નહીં રહે, બિન-ઇમરજન્સી કેસ માટે દીપેન્દ્ર ગોયલે ₹૨,૫૦૦નો ચાર્જ જાહેર કર્યો
દુરુપયોગ અટકાવવા અને ગંભીર દર્દીઓ માટે સેવાઓ ઉપલબ્ધ રાખવા કંપનીનો મોટો નિર્ણય, ઇમરજન્સી સેવાઓ તદ્દન મફત જ રહેશે

નવી દિલ્હી, તા.૦૫: ઝોમેટો અને બ્લિંકિટની માલિકી ધરાવતી કંપની ઇટરનલના સ્થાપક દીપેન્દ્ર ગોયલે બ્લિંકિટ એમ્બ્યુલન્સ સેવાની નીતિમાં મહત્વનો ફેરફાર કરતા બિન-ઇમરજન્સી દર્દી ટ્રાન્સફર માટે ₹૨,૫૦૦નો ચાર્જ લેવાની જાહેરાત કરી છે. ૫ નવેમ્બર, ૨૦૨૬ના રોજ કરવામાં આવેલી આ જાહેરાત મુજબ, હોસ્પિટલની સામાન્ય મુલાકાતો અને ચેક-અપ માટે એમ્બ્યુલન્સના વધતા દુરુપયોગને રોકવા માટે આ નિર્ણય લેવાયો છે. જોકે, કટોકટી કે ઇમરજન્સી તબીબી સહાયની જરૂર હોય તેવા તમામ દર્દીઓ માટે આ સેવા પહેલાની જેમ જ સંપૂર્ણપણે મફતમાં પૂરી પાડવામાં આવશે.
દુરુપયોગ અંગે ખુલાસો કરતા દીપેન્દ્ર ગોયલે જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં બ્લિંકિટ એમ્બ્યુલન્સે લગભગ ૪૨,૦૦૦ કેસ હેન્ડલ કર્યા છે, જેમાંથી આશરે ૨૦,૦૦૦ કેસ જ વાસ્તવિક ઇમરજન્સીના હતા. સેવા તદ્દન મફત હોવાના કારણે લોકો સામાન્ય હોસ્પિટલ વિઝિટ, નિયમિત તપાસ કે ડિસ્ચાર્જ પછી ઘરે જવા માટે પણ એમ્બ્યુલન્સ બુક કરાવતા હતા, જે મુસાફરી ટેક્સી કે ખાનગી વાહનો દ્વારા સરળતાથી થઈ શકે તેમ હતી.
કંપનીના જણાવ્યા મુજબ, બિન-ઇમરજન્સી બુકિંગના કારણે સંપૂર્ણ સજ્જ એમ્બ્યુલન્સ અને પેરામેડિક સ્ટાફ વ્યસ્ત થઈ જતો હતો, જેના લીધે તાત્કાલિક અને ગંભીર તબીબી સહાયની જરૂર હોય તેવા દર્દીઓને સમયસર સેવા મળવામાં અવરોધ ઊભો થતો હતો. કંપનીને આશા છે કે આ નવો નિયમ અમલી બનવાથી લોકો બિન-ઇમરજન્સી કામો માટે ઇમરજન્સી વાહનોનો ઉપયોગ કરતા અટકશે અને ખરેખર જરૂરિયાતવાળા દર્દીઓ માટે સેવા તાત્કાલિક ઉપલબ્ધ રહેશે.
કંપનીએ સ્પષ્ટતા કરી છે કે બિન-ઇમરજન્સી ટ્રિપ્સમાંથી એકત્રિત કરવામાં આવેલી ₹૨,૫૦૦ની રકમ એટરનલ ફાઉન્ડેશનને ટ્રાન્સફર કરવામાં આવશે, જે આ એમ્બ્યુલન્સ સેવાનું સંચાલન કરે છે. આ ભંડોળનો ઉપયોગ એમ્બ્યુલન્સ કાફલાના વિસ્તરણ અને સુવિધાઓ સુધારવા માટે કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકાય.
આ સેવાના વિસ્તાર અંગે ગોયલે ઉમેર્યું હતું કે ગુણવત્તા જાળવી રાખીને સેવાઓ વધારવામાં સૌથી મોટો પડકાર પ્રશિક્ષિત અને સહાનુભૂતિશીલ પેરામેડિક્સની અછતનો છે. આ અંતરને પૂરવા માટે કંપની પોતાની ટ્રેનિંગ એકેડેમીનો વિસ્તાર કરી રહી છે. બ્લિંકિટનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી બે થી ચાર વર્ષમાં ભારતના તમામ મુખ્ય શહેરોમાં પોતાની ૧૦-મિનિટની એમ્બ્યુલન્સ સેવા પહોંચાડવાનો છે.
ઉલ્લેખનીય છે કે, બ્લિંકિટની ૧૦-મિનિટની એમ્બ્યુલન્સ સેવાયે ઘણા કટોકટીના સમયે જીવન બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. હવે આ નવી કિંમત નીતિ દ્વારા કંપની પોતાના ઇમરજન્સી કાફલાને વધુ કાર્યક્ષમ બનાવવાની દિશામાં આગળ વધી રહી છે.
(4:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
