News of Wednesday, 25th November 2026
ગુજરાતની ૬૬.૨% મહિલાઓ અને ૫૬.૫% બાળકોમાં લોહીની ઉણપ
બિહાર કરતા પણ ખરાબ સ્થિતિઃ છે જ્યારે કેરળમાં સૌથી ઓછા કેસ : દેશમાં ૧.૭ લાખ બ્લડ સેમ્પલની તપાસમાં એનીમિયાનો વ્યાપ ઘટ્યો હોવાનું તથા આયર્ન ઉપરાંત ચેપ પણ જવાબદાર હોવાનું સામે આવ્યું છે

નવી દિલ્હી તા.૨૫: ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR) ની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ન્યૂટ્રિશન (NIN) દ્વારા જારી કરાયેલા સંપદા (SAMPADA) સર્વેક્ષણ (૨૦૨૩-૨૫) ના રિપોર્ટમાં દેશ અને ગુજરાતમાં એનીમિયાની વાસ્તવિક સ્થિતિ સામે આવી છે. આ રિપોર્ટ અનુસાર ગુજરાતમાં કિશોરીઓ (૧૦-૧૯ વર્ષ) માં ૬૧.૪%, પુખ્ત મહિલાઓ (૨૦-૫૯ વર્ષ) માં ૬૩.૮% અને પ્રજનન વયની મહિલાઓ (૧૫-૪૯ વર્ષ) માં ૬૬.૨% એનીમિયા જોવા મળ્યો છે, જેના કારણે ગુજરાતની સ્થિતિ બિહાર જેવા રાજ્ય કરતા પણ ખરાબ છે.
ગુજરાતથી વિપરીત કેરળમાં કિશોરીઓ, પુખ્ત મહિલાઓ અને પ્રજનન વયની મહિલાઓમાં એનીમિયાના આંકડા અનુક્રમે ૨૧.૪%, ૨૮% અને ૨૯.૧% રહ્યા છે, જે સમગ્ર દેશમાં સૌથી ઓછા છે. આ ઉપરાંત ૧૨ થી ૫૯ મહિનાના બાળકોમાં પણ ગુજરાતમાં એનીમિયાનો દર ૫૬.૫% (દેશમાં સૌથી વધુ પૈકી એક) નોંધાયો છે, જ્યારે કેરળમાં આ દર માત્ર ૧૪.૫% (સૌથી ઓછો) છે.
રાષ્ટ્રીય સ્તરે પ્રજનન વયની મહિલાઓમાં એનીમિયા આશરે ૫૬% અને નાના બાળકોમાં ૪૧.૮% જોવા મળ્યો છે, જે એનીમિયા મુક્ત ભારત અભિયાનને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકે છે. જોકે રાહતની વાત એ છે કે પાછલા રાષ્ટ્રીય સર્વેક્ષણોની સરખામણીએ દેશમાં એનીમિયાનો વ્યાપ ઘટ્યો છે અને મોટાભાગના વય જૂથોમાં ગંભીર એનીમિયાના કેસ ૨% કરતા ઓછા છે.
૩૫ રાજ્યોના ૧૮૩ જિલ્લામાં ૧.૭ લાખ બ્લડ સેમ્પલની તપાસમાં શું સામે આવ્યું? સોમવારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના આરોગ્ય સંશોધન વિભાગ હેઠળ ત્ઘ્પ્ય્ એ ૨૦૨૩ થી ૨૦૨૫ દરમિયાન કરાયેલા સર્વેના મુખ્ય તારણો જારી કર્યા હતા, જેમાં ૩૫ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ૧૮૩ જિલ્લાના ૮૧,૦૦૦ થી વધુ પરિવારોના ૨ લાખથી વધુ લોકોને સામેલ કરી ૧.૭ લાખથી વધુ રક્ત નમૂનાઓનું વિશ્લેષણ કરાયું હતું. નસમાંથી લોહીના નમૂના લઈને ઓટોમેટેડ એનાલાઈઝરથી હિમોગ્લોબિન માપવાની વૈજ્ઞાનિક પદ્ધતિ ઉપરાંત આયર્ન, ફોલેટ, વિટામિન B12 અને સોજાના બાયોમાર્કર્સની પણ તપાસ કરવામાં આવી હતી.
સર્વે મુજબ ૧૨ થી ૫૯ મહિનાના બાળકોમાં એનીમિયા ૪૨%, ૧૦ થી ૧૯ વર્ષની કિશોરીઓમાં ૪૬% અને પ્રજનન વયની મહિલાઓમાં ૫૬% નોંધાયો છે, જ્યારે આ જ વયના કિશોરો અને ૨૦ થી ૫૯ વર્ષના પુરુષોમાં આ દર ૨૨% થી ૨૩% વચ્ચે રહ્યો છે. સર્વેમાં વૃદ્ધોને પણ સામેલ કરાયા છે, અને રિપોર્ટમાં સ્પષ્ટ કરાયું છે કે ઉંમર, લિગ અને ભૌગોલિક વિસ્તાર મુજબ એનીમિયાની સ્થિતિ અલગ હોવાથી દરેક વર્ગ માટે એકસમાન રણનીતિને બદલે તેમની જરૂરિયાત મુજબના પગલાં જરૂરી છે.
રિપોર્ટ અનુસાર એનીમિયાથી પ્રભાવિત લોકોમાં હળવા સ્તરના કેસ મોટી સંખ્યામાં છે, જેમાં ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓ, કિશોરીઓ અને બાળકોમાં અડધા કેસ હળવા સ્તરના છે, જ્યારે કિશોરો, પુખ્ત અને વૃદ્ધ પુરુષોમાં ત્રણ-ચતુર્થાંશ કેસ હળવા સ્તરના છે. મહિલાઓ, કિશોરીઓ અને બાળકોમાં અડધા કેસ માટે આયર્નની ઉણપ જવાબદાર છે, પરંતુ તમામ કેસને માત્ર આયર્નની ઉણપ સાથે જોડી શકાય નહીં કારણ કે ચેપ, હિમોગ્લોબિનના આનુવંશિક વિકારો અને જૂની બીમારીઓને કારણે થતો સોજો પણ મહત્વનું કારણ બની શકે છે.
વિટામિન B12 અને ફોલેટની ઉણપ એનીમિયા ધરાવતા અને ન ધરાવતા બંને વર્ગમાં લગભગ સમાન હોવાથી ભારતમાં કુલ કેસોમાં તેનું યોગદાન મર્યાદિત જણાયું છે, જ્યારે આયર્નની ઉણપ મુખ્યત્વે ૫ વર્ષથી નાના બાળકો, કિશોરીઓ અને પ્રજનન વયની મહિલાઓમાં કેન્દ્રિત છે. આરોગ્ય સંશોધન વિભાગના સચિવ અને ICMR ના મહાનિર્દેશક ડો. રાજીવ બહલે જણાવ્યું કે આ વ્યાપક આંકડા 'એનીમિયા મુક્ત ભારત અભિયાનને વધુ મજબૂત બનાવશે, જ્યારે ICMR-NIN ના નિર્દેશક ડો. ભારતી કુલકર્ણીએ કહ્યું કે આ તારણો વય જૂથ મુજબ લક્ષિત રણનીતિ ઘડવામાં મદદરૂપ.
(10:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
