<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

બંગાળમાં લોહીયાળ ચૂંટણી: CRPFના કથિત અત્યાચારમાં 81 વર્ષીય વૃદ્ધનું મોત : TMCના આકરા પ્રહાર

ખાકી વર્દી સામે ગંભીર આરોપો: ઉદનારાયણપુરમાં 'બર્બરતા' અને ફાલતામાં બાળકો-મહિલાઓ પર લાઠીચાર્જથી રાજકીય તોફાન : મહુઆ મોઇત્રાએ સુરક્ષા દળોને 'કસાઈ સેના' કહીને મચાવી ખળભળાટ

કોલકાતા:  પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાન દરમિયાન હાવડાના ઉદનારાયણપુરમાં બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ લોકશાહીના પર્વને લોહીયાળ બનાવી દીધો છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ સનસનાટીભર્યા દાવો કર્યો છે કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના જવાનોએ માત્ર મતદાન પ્રક્રિયા નિહાળી રહેલા 81 વર્ષીય વૃદ્ધને નિર્દયતાથી માર માર્યો, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. TMC એ આને કેન્દ્રીય દળોની "ગુંડાગીરી" અને "બર્બરતા" ગણાવીને સીધો સવાલ ઉઠાવ્યો છે કે, શું લાકડીના સહારે ચાલતા એક અશક્ત વૃદ્ધ સુરક્ષા દળો માટે કોઈ ખતરો બની શકે? આ ઘટના બાદ સમગ્ર બંગાળમાં કાયદો અને વ્યવસ્થા સામે રોષની લાગણી ફાટી નીકળી છે.

રાજકીય ગરમાવો ત્યારે વધુ તેજ બન્યો જ્યારે દક્ષિણ 24 પરગણાના ફાલતા વિસ્તારમાં પણ CRPF સામે આક્ષેપોની ઝડી વરસી. સાંસદ સાગરિકા ઘોષે આરોપ લગાવ્યો છે કે બૂથ નંબર 186 પર લાઇનમાં ઉભેલી મહિલાઓ અને નિર્દોષ બાળકો પર પણ લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો, જેમાં એક માસૂમ બાળકને માથાના ભાગે ગંભીર ઈજા થઈ છે. આ દરમિયાન તૃણમૂલના ફાયરબ્રાન્ડ નેતા મહુઆ મોઇત્રાએ તમામ મર્યાદાઓ ઓળંગીને સુરક્ષા દળોને "અમિત શાહની કસાઈ સેના" તરીકે સંબોધ્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ઈશારે બંગાળના નિર્દોષ નાગરિકોમાં ભય પેદા કરવા માટે આ રણનીતિ અપનાવવામાં આવી રહી છે જેથી મતદાનની ટકાવારી ઘટાડી શકાય.

બીજી તરફ, ચૂંટણી પંચે આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે ભીડને વિખેરવા માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા હતા, પરંતુ TMC આ દલીલ સ્વીકારવા તૈયાર નથી. પક્ષે કડક ચેતવણી આપી છે કે જો જવાબદાર જવાનો સામે હત્યાનો ગુનો નોંધવામાં નહીં આવે, તો તેઓ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવશે અને રાજ્યવ્યાપી આંદોલન કરશે. ચૂંટણી પંચે આ ઘટના અંગે વિગતવાર અહેવાલ મંગાવ્યો છે, પરંતુ સ્થાનિક લોકોમાં ફેલાયેલો ફફડાટ અને રોષ બંગાળની આ ચૂંટણીને લાંબા સમય સુધી વિવાદોમાં રાખશે તે નક્કી છે.

(6:25 PM IST)