<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

કોલંબિયામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પૂર્વે લોહિયાળ ખેલ: પાન-અમેરિકન હાઇવે પર ભીષણ બોમ્બ વિસ્ફોટમાં ૫ સગીરો સહિત ૧૪ ના મોત

આતંકવાદીઓએ વાહનો આડા ઉભા રાખી રસ્તો રોક્યા બાદ બ્લાસ્ટ કરતા ૩૮ થી વધુ લોકો લોહીલુહાણ: કાકા ક્ષેત્રમાં થયેલા આ પથ્થરથરાવી દેનારા હુમલા પાછળ ડ્રગ માફિયાઓ અને બળવાખોર જૂથોનો હાથ હોવાની આશંકા વચ્ચે સેનાને આકરા પ્રહારના આદેશ

કાકા : કોલંબિયામાં આગામી ૩૧ મેના રોજ યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી પૂર્વે સુરક્ષા વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી એક ભયાનક આતંકવાદી ઘટના સામે આવી છે. દક્ષિણ-પશ્ચિમ કોલંબિયાના અશાંત ગણાતા કાકા ક્ષેત્રમાં પાન-અમેરિકન હાઇવે પર આતંકીઓએ પૂર્વનિયોજિત કાવતરા હેઠળ બોમ્બ વિસ્ફોટ કર્યો હતો. હુમલાખોરોએ સૌપ્રથમ બસો અને અન્ય વાહનો પાર્ક કરી હાઈવે જામ કર્યો હતો અને ત્યારબાદ વિસ્ફોટ કરતા ૧૪ નિર્દોષ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આ બ્લાસ્ટ એટલો શક્તિશાળી હતો કે રસ્તા પર મોટો ખાડો પડી ગયો હતો અને અનેક વાહનો હવામાં ફંગોળાઈને પલટી ગયા હતા.

રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ આ હુમલાને કાયરતાપૂર્ણ ગણાવી તેની સખત નિંદા કરી છે અને આ માટે ભૂતપૂર્વ બળવાખોર સંગઠન FARC ના વિભાજીત જૂથોને જવાબદાર ઠેરવ્યા છે. સત્તાધારી પક્ષ મુજબ, આ જૂથો ડ્રગ હેરફેર અને ગેરકાયદેસર વ્યવસાયો દ્વારા ચૂંટણી પ્રક્રિયાને પ્રભાવિત કરવા માંગે છે. સ્થાનિક ગવર્નરના જણાવ્યા મુજબ, મૃતકોમાં પાંચ સગીર બાળકોનો પણ સમાવેશ થાય છે, જે અત્યંત દુઃખદ છે. હાલમાં સેના અને પોલીસની વધારાની ટુકડીઓને કાકા પ્રદેશમાં તૈનાત કરી દેવામાં આવી છે અને ગુમ થયેલા લોકો માટે સર્ચ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે.

છેલ્લા ૪૮ કલાકમાં આ વિસ્તારમાં ૨૬ થી વધુ હિંસક હુમલાઓ નોંધાયા છે, જેમાં પોલીસ સ્ટેશનો પર ગોળીબાર અને ડ્રોન દ્વારા વિસ્ફોટના પ્રયાસો સામેલ છે. કોકાની ખેતી અને ડ્રગ્સના કાળા કારોબાર માટે બદનામ આ પ્રદેશમાં સશસ્ત્ર જૂથો ફરી સક્રિય થતા સામાન્ય જનતામાં ફફડાટ વ્યાપી ગયો છે. સરકાર માટે હવે ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવી એ મોટો પડકાર બની ગયો છે. હુમલા બાદ સમગ્ર દેશમાં હાઈ-એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને તપાસ એજન્સીઓ આ આતંકી નેટવર્કને તોડી પાડવા માટે ચક્રો ગતિમાન કરી રહી છે.

(2:10 PM IST)