<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

બંગાળમાં લોહિયાળ ખેલ: સુવેન્દુના પીએની હત્યા પાછળ ભવાનીપુરની હારનો બદલો?મધ્યમગ્રામમાં સનસનાટી

પ્રોફેશનલ શૂટરોએ ચંદ્રનાથ રથને ચાર ગોળીઓ ઝીંકી: સુવેન્દુ અધિકારીએ મમતા બેનર્જી સરકાર પર સાધ્યું નિશાન: SIT અને CIDએ તપાસનો ધમધમાટ તેજ કર્યો અને શંકાસ્પદ કાર કબજે કરી

કોલકાતા: પશ્ચિમ બંગાળનું રાજકારણ ફરી એકવાર ગોળીબાર અને લોહિયાળ રમતથી ધણધણી ઉઠ્યું છે. ભાજપના દિગ્ગજ નેતા અને વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારીના અંગત સહાયક (PA) ચંદ્રનાથ રથની મધ્યમગ્રામમાં થયેલી નિર્મમ હત્યાએ રાજકીય ખળભળાટ મચાવી દીધો છે. સુવેન્દુ અધિકારીએ આક્ષેપ કર્યો છે કે આ કોઈ સામાન્ય ગુનો નથી, પરંતુ એક "સુનિયોજિત કાવતરું" છે. તેમણે સીધો આરોપ લગાવ્યો કે ભવાનીપુર પેટાચૂંટણીમાં મમતા બેનર્જીને હરાવ્યા હોવાથી, તેનો બદલો લેવા માટે તેમના નજીકના સહયોગીને નિશાન બનાવવામાં આવ્યા છે. ચાર ગોળીઓ વાગવાને કારણે રથનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જે દર્શાવે છે કે હત્યારાઓ કોઈ વ્યાવસાયિક ગેંગનો ભાગ હતા.

આ હાઈ-પ્રોફાઈલ હત્યા બાદ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઊભા થયા છે. સુવેન્દુના જણાવ્યા અનુસાર, ચંદ્રનાથની રેકી કરવામાં આવી હતી અને અત્યંત નજીકથી ગોળીઓ મારીને તેમનું મૃત્યુ સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું. તપાસ એજન્સીઓએ આ કેસમાં સિલિગુડી પાસિંગની એક રહસ્યમય ચાર પૈડાંવાળી ગાડી જપ્ત કરી છે, જોકે શંકા છે કે તેની નંબર પ્લેટ નકલી છે. ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળેથી લોહીના નમૂના અને કારતૂસના ખોખા મેળવીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ભાજપના નેતાએ મૃતક પર કોઈ ગુનાહિત ઇતિહાસ ન હોવાનું જણાવીને આને સંપૂર્ણપણે 'ટાર્ગેટ કિલિંગ' ગણાવ્યું છે.

પરિસ્થિતિની ગંભીરતાને જોતા રાજ્ય પોલીસે CID અને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરી છે. BSF ના મહાનિર્દેશક અને રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ મધ્યમગ્રામમાં મુલાકાત લઈને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી છે. જેસોર રોડથી લઈને મૃતકના નિવાસસ્થાન સુધીના વિસ્તારને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે અને વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મૃતકના પરિવારે હત્યારાઓને ફાંસીની સજા આપવાની માંગ કરી છે, ત્યારે વિપક્ષી નેતાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ ન્યાય ન મળે ત્યાં સુધી પરિવારની સાથે ઉભા રહેશે.

(7:02 PM IST)