<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

કોર્ટ બહાર લોહિયાળ ખેલ! હત્‍યાના આરોપીના બંને હાથ કાપી નાખ્‍યાં

પુણે શહેરમાં કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતિ પર ગંભીર સવાલો ઉઠાવતી એક સનસનાટીભરી ઘટના

પુણે તા.૨૬: મહારાષ્ટ્રના પુણે શહેરમાં કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતિ પર ગંભીર સવાલો ઉઠાવતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. બુધવારે બપોરે અંદાજે ૧:૧૫ વાગ્‍યે પુણેની અત્‍યંત વ્‍યસ્‍ત ગણાતી શિવાજીનગર કોર્ટની બહાર જ હત્‍યાના એક આરોપી પર જીવલેણ હુમલો કરવામાં આવ્‍યો હોવાનું પ્રકાશમાં આવ્‍યું છે. ધારદાર હથિયારો વડે કરાયેલા આ હુમલામાં યુવકના બંને હાથ કપાઈ ગયા છે અને તે હાલ જીવન-મરણ વચ્‍ચે હોસ્‍પિટલમાં સારવાર હેઠળ છે.

પુણે પોલીસના જણાવ્‍યા અનુસાર, પીડિત યુવકની ઓળખ મંદાર મારુતિ કિવલે તરીકે થઈ છે. બુધવારે બપોરે જ્‍યારે તે કોર્ટ પરિસરની બહાર હતો, ત્‍યારે છ જેટલા હુમલાખોરોએ તેને ઘેરી લીધો હતો. જેમાંથી બે શખ્‍સો મંદાર પર કુહાડી વડે ઘા માર્યાં હતાં.. હુમલો કર્યા બાદ તમામ આરોપીઓ બે સ્‍કૂટર પર બેસીને ઘટનાસ્‍થળેથી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાના સામે આવેલા વીડિયો પણ પોલીસને હાથ લાગ્‍યો છે.

લોહીલુહાણ હાલતમાં મંદાર હિમત કરીને ઉભો થયો હતો અને લથડિયા ખાતો રસ્‍તો ઓળંગવાનો પ્રયાસ કરતો હતો, પરંતુ થોડે દૂર જઈને તે ફૂટપાથ પર ઢળી પડ્‍યો હતો. કોર્ટ પરિસરમાં તૈનાત પોલીસકર્મીઓએ તાત્‍કાલિક દોડી જઈને તેને સારવાર અર્થે હોસ્‍પિટલમાં ખસેડ્‍યો હતો. અત્‍યારે તેની હોસ્‍પિટલમાં સારવાર ચાલી રહી છે.

સૂત્રોના જણાવ્‍યાં પ્રમાણે, હુમલાખોરોએ મંદાર પર ફાયરિંગ પણ કર્યું હતું. ઘટનાસ્‍થળેથી પોલીસને બે પિસ્‍તોલ અને એક મેગેઝિન મળી આવ્‍યા હતાં. પરંતુ હોસ્‍પિટલમાં ડોક્‍ટરો દ્વારા કરવામાં આવેલી સારવાર દરમિયાન મંદારના શરીર પર માત્ર હથિયારના ઘા જ મળી આવ્‍યાં છે. ગોળીનું કોઈ નિશાન દેખાયું નથી. એટલે મંદારને ગોળી વાગી હોવાની કોઈ પુષ્ટિ થઈ નથી.

પોલીસના જમાવ્‍યાં પ્રમાણે, સીસીટીવી ફૂટેજ અને પ્રાથમિક તપાસના આધારે હુમલાખોરોની ઓળખ કરી લેવામાં આવી છે અને તેમને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો કાર્યરત કરવામાં આવી છે.

પોલીસ તપાસમાં બહાર આવ્‍યું છે કે, આ હુમલો જૂની અદાવતનું પરિણામ હોઈ શકે છે.  ૨૦૨૫માં પુણેના સંતોષનગર-કાત્રજ વિસ્‍તારમાં શુભમ સુભાષ ચવ્‍હાણ નામના યુવકની હત્‍યા થઈ હતી, જેમાં મંદાર કિવલે મુખ્‍ય આરોપી હતો. જમીન અને પૈસાની લેતીદેતીના વિવાદમાં આ હત્‍યા કરવામાં આવી હતી. આ કેસમાં જેલમાં બંધ મંદાર માત્ર ચાર દિવસ પહેલા જ જેલમાંથી બહાર આવ્‍યો હતો. બુધવારે કોર્ટની કાર્યવાહી માટે આવ્‍યો ત્‍યારે તેના પર હુમલો થયો હતો અને તેના બે હાથ કાપી દેવામાં આવ્‍યાં હતા.

(3:40 PM IST)