તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 7th May 2026
બંગાળમાં લોહીની હોળી: શુભેન્દુ અધિકારીના અંગત મદદનીશની ગોળી મારી હત્યા, અર્જુન સિંહે સીધો અભિષેક બેનર્જી પર લગાવ્યો ગંભીર આરોપ
'ગ્લોક 47X' પિસ્તોલથી શાર્પશૂટરોએ ખેલ્યો મોતનો ખેલ: ભાજપની જીત બાદ સત્તા ગુમાવનાર તૃણમૂલ કોંગ્રેસ 'મેસેજ' આપવા માંગતી હોવાનો સનસનીખેજ દાવો

મધ્યમગ્રામ, તા.૦૭: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ફાટી નીકળેલી રાજકીય હિંસાએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. ભાજપના દિગ્ગજ નેતા શુભેન્દુ અધિકારીના અત્યંત નજીકના ગણાતા ચંદ્રનાથ રથની બુધવારે મોડી રાત્રે ઉત્તર ૨૪ પરગણા જિલ્લાના મધ્યમગ્રામમાં ગોળી મારીને કરપીણ હત્યા કરવામાં આવી છે. આ ઘટના બાદ બંગાળનું રાજકારણ ગરમાયું છે અને ભાજપના નેતા અર્જુન સિંહે સીધો આક્ષેપ કર્યો છે કે આ હત્યાનું કાવતરું તૃણમૂલ કોંગ્રેસના નેતા અભિષેક બેનર્જીએ ઘડ્યું છે.
અર્જુન સિંહે મીડિયા સાથેની વાતચીતમાં વિસ્ફોટક નિવેદન આપતા કહ્યું કે, "આ હત્યા પાછળ અભિષેક બેનર્જીનો હાથ છે. ભલે તેઓ સત્તામાં નથી, પણ તેઓ એવો સંદેશ આપવા માંગે છે કે તેઓ હજુ પણ એક શક્તિ છે. આ એક વ્યવસ્થિત અને પ્લાન્ડ મર્ડર છે જે શાર્પશૂટરો દ્વારા કરવામાં આવ્યું છે." તેમણે વધુમાં ઉમેર્યું કે અભિષેક બેનર્જી પાસે એવા પોલીસ અધિકારીઓ છે જેઓ આવા કામો પાર પાડે છે, અને ટૂંક સમયમાં તેમને આનો જડબાતોડ જવાબ મળશે.
ફિલ્મી ઢબે ઓપરેશન: શાર્પશૂટરોએ ૬ થી ૧૦ રાઉન્ડ ફાયરિંગ કર્યું
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ચંદ્રનાથ રથ જ્યારે કોલકાતાથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે ડોહરિયા પાસે ચાર મોટરસાયકલ પર આવેલા હુમલાખોરોએ તેમની કારને આંતરી હતી. હેલ્મેટ પહેરેલા હુમલાખોરોએ અત્યંત નજીકથી અંધાધૂંધ ૬ થી ૧૦ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં રથનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે તેમના ડ્રાઈવર બુદ્ધદેવ બેરા ગંભીર રીતે ઘાયલ થયા છે અને હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
શું 'ગ્લોક 47X' પિસ્તોલ વપરાઈ? પોલીસ તપાસ તેજ
પ્રાથમિક ફોરેન્સિક તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે હુમલામાં અત્યંત આધુનિક 'ગ્લોક 47X' (Glock 47X) પિસ્તોલનો ઉપયોગ થયો હોવાની આશંકા છે. આવા હથિયારો સામાન્ય ગુનેગારો પાસે હોતા નથી, જે ઈશારો કરે છે કે આ કામ પ્રોફેશનલ કોન્ટ્રાક્ટ કિલર્સનું હોઈ શકે છે. પોલીસે ઘટનાસ્થળેથી ખાલી કારતૂસ અને જીવતા કારતૂસ મળી આવ્યા છે. હુમલાખોરોએ જે બાઇક વાપરી હતી તેના પર નંબર પ્લેટ નહોતી, અને રસ્તો રોકવા માટે વપરાયેલી એક શંકાસ્પદ ગાડીની નંબર પ્લેટ પણ ફેક હોવાનું બહાર આવ્યું છે. હાલ સમગ્ર વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ તપાસીને આરોપીઓને પકડવા ચક્ર ગતિમાન કરાયા છે.
(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
