<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th July 2026

તેલંગાણામાં પોક્સો કેસના આરોપી દ્વારા લોહિયાળ હત્યાકાંડ: જામીન પર છૂટેલા શખ્સે ફરિયાદી સગીરા, તેના પરિવારની બે મહિલાઓ અને પોતાના જ પરિવારના ત્રણ સભ્યોને મોતને ઘાટ ઉતાર્યા

​હૈદરાબાદ નજીકના રંગારેડ્ડી જિલ્લામાં એક જ રાતમાં છ હત્યાઓથી સમગ્ર વિસ્તારમાં ફેલાયો દહેશતનો માહોલ; આરોપી ઘટનાને અંજામ આપીને ફરાર થઈ જતાં પોલીસ તંત્ર દોડતું થયું

​તેલંગાણા: તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લામાંથી એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં પોક્સો (POCSO) કેસમાં જામીન પર બહાર આવેલા એક ૩૫ વર્ષીય શખ્સે વેરની ભાવનામાં એકીસાથે છ લોકોની નિર્મમ હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ છે. આરોપીએ આ રુવાડા ઉભા કરી દે તેવો હત્યાકાંડ શુક્રવારે રાત્રે આચર્યો હતો.

​પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આરોપીએ સૌપ્રથમ પોતાની પત્ની અને સગીરા દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધારે તેના પરિવારને નિશાન બનાવ્યા હતા. આરોપી સામે મે મહિનામાં ૧૬ વર્ષની કિશોરીની છેડતી અને પીછો કરવા બદલ પોક્સો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં તેને સ્થાનિક અદાલતમાંથી જામીન મળ્યા હતા, જેના આધારે તે જેલની બહાર હતો.

​ઘટનાક્રમ મુજબ, આરોપી શુક્રવારે રાત્રે પોતાના ગામથી લગભગ છ કિલોમીટર દૂર આવેલા શાબાદ નગરમાં ફરિયાદી સગીરાના ઘરે પહોંચ્યો હતો. ત્યાં તેણે સૌથી પહેલા સગીરાની માતાની ચપ્પુના ઘા મારી હત્યા કરી હતી. ત્યારબાદ ઘરમાં સૂતેલી સગીરાની ૬૦ વર્ષીય દાદીને પણ મોતને ઘાટ ઉતારી દીધી હતી. હુમલાખોરે ૧૬ વર્ષીય કિશોરીને બળજબરીથી પોતાની કારમાં બેસાડી હતી અને ગામ નજીક આવેલા એક તળાવ પાસે લઈ જઈને તેની પણ તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી લાશને ત્યાં જ ફેંકી દીધી હતી.

​આટલેથી અટક્યા વગર, આ ક્રૂર આરોપી પોતાના ઘરે પહોંચ્યો હતો. રાત્રે લગભગ ૧૧:૨૦ વાગ્યાના અરસામાં તેણે પોતાના જ ઘરમાં સૂતેલી પોતાની ૩૧ વર્ષીય પત્ની અને બે બાળકો (એક ચાર વર્ષનો પુત્ર અને ૧૮ મહિનાનું શિશુ) ના ગળા કાપીને ઘાતકી હત્યા કરી નાખી હતી. આ ઘટના બાદ તેણે તેના પિતાને ફોન કરીને સમગ્ર હત્યાકાંડની કબૂલાત કરી હતી અને ત્યારબાદ તે કાર લઈને ફરાર થઈ ગયો હતો.

​હત્યાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા. હાલ પોલીસ આરોપીને પકડવા માટે સઘન શોધખોળ કરી રહી છે. એક જ રાતમાં બે પરિવારના છ સભ્યોની હત્યાની આ ઘટનાએ વિસ્તારમાં શોક અને ભયનું વાતાવરણ ઉભું કર્યું છે. આરોપીએ શા માટે આટલું મોટું પગલું ભર્યું તે અંગે પોલીસ વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

(12:39 PM IST)