<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th July 2026

ઈરાનના પૂર્વ સર્વોચ્ચ નેતા અયાતોલ્લા અલી ખામેનેઈના પાર્થિવ દેહને મશહદની પવિત્ર ઈમામ રઝા દરગાહમાં સુપુર્દ-એ-ખાક કરાયો

વિધિમાં લાખોની મેદની ઉમટી : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ વિરૂદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર

ઈરાને ગુરુવારે તેના પૂર્વ સર્વોચ્ચ ધાર્મિક અને રાજકીય નેતા અયાતોલ્લા અલી ખામેનેઈને મશહદ સ્થિત પવિત્ર ઈમામ રઝા દરગાહના પરિસરમાં સુપુર્દ-એ-ખાક કર્યા છે. એક સપ્તાહ સુધી ચાલેલા વિશાળ જનાજા સરઘસો અને દેશવ્યાપી શોક સભાઓ બાદ યોજાયેલા આ સત્તાવાર કાર્યક્રમમાં લાખો લોકો કાળા કપડાં પહેરીને જોડાયા હતા.

ઈરાનના પૂર્વ સર્વોચ્ચ કમાન્ડર અયાતોલ્લા અલી ખામેનેઈના પાર્થિવ દેહને એક ખાસ લશ્કરી ટ્રક પર રાખીને મશહદના વ્યસ્ત અને ઐતિહાસિક માર્ગો પરથી પસાર કરવામાં આવ્યો હતો. ૨૮ ફેબ્રુઆરીના રોજ તેહરાન સ્થિત તેમના સત્તાવાર નિવાસસ્થાન પર થયેલા અમેરિકી હવાઈ હુમલામાં તેમનું મૃત્યુ થયું હતું. યુદ્ધના પ્રથમ દિવસે થયેલા આ ભીષણ હુમલામાં તેમના પરિવારના કેટલાક સભ્યો પણ માર્યા ગયા હતા.

આ ભવ્ય અંતિમ યાત્રા દરમિયાન સમગ્ર શહેર કાળા રંગના પોસ્ટરો અને ઈરાની ધ્વજથી ઢંકાઈ ગયું હતું. લોકોના હાથમાં દિવંગત નેતાની તસવીરો અને ક્રાંતિકારી સૂત્રો લખેલા લાલ બેનરો જોવા મળ્યા હતા. જો કે, આ સમગ્ર વિધિ દરમિયાન ઈરાનના નવા નિયુક્ત સર્વોચ્ચ નેતા અને ખામેનેઈના પુત્ર મોજતબા ખામેનેઈ ક્યાંય સાર્વજનિક રૂપે જોવા મળ્યા ન હતા તેહરાન હુમલામાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલો વચ્ચે તેઓ આ અંતિમ સંસ્કારમાં પણ ગેરહાજર રહેતા અનેક અટકળો વહેતી થઈ છે.

ગુરુવારે વહેલી સવારે અલી ખામેનેઈ અને તેમના પરિવારના અન્ય ચાર સભ્યોના પવિત્ર તાબૂત ઈરાકથી એક ખાસ વિમાન દ્વારા મશહદ લાવવામાં આવ્યા હતા આ પહેલા પડોશી દેશ ઈરાકના નજફ અને કરબલા જેવા પવિત્ર શિયા ધાર્મિક સ્થળો પર પણ વિશાળ જનાજા સરઘસો કાઢવામાં આવ્યા હતા. મશહદની સડકો પર એકત્રિત થયેલા પ્રદર્શનકારીઓએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ વિરૂદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. સમગ્ર શહેરમાં સરકાર દ્વારા "આપણે ફરી બેઠા થવું જ પડશે" તેવા સંદેશાવાળા મોટા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતા.

ખામેનેઈને નવમી સદીના પવિત્ર તીર્થસ્થળ ઈમામ રઝા દરગાહ પરિસરમાં બનેલા ભવ્ય મકબરામાં દફનાવવામાં આવ્યા છે. શિયા મુસ્લિમો માટે આ સ્થળ વિશ્વના સૌથી પવિત્ર સ્થાનોમાંનું એક ગણાય છે, જ્યાં દર વર્ષે કરોડો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. નોંધનીય છે કે ખામેનેઈનો જન્મ પણ મશહદ શહેરમાં જ થયો હતો અને તેમણે પોતાનું પ્રારંભિક ધાર્મિક શિક્ષણ અહીં જ પૂર્ણ કર્યું હતું.

આ હાઈ-પ્રોફાઈલ અંતિમ સંસ્કારની વચ્ચે પશ્ચિમ એશિયામાં લશ્કરી તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે અમેરિકી હવાઈ હુમલાના જવાબમાં ઈરાની સેનાએ કુવૈત, બહેરીન અને કતારમાં આવેલા અમેરિકી સૈન્ય મથકો પર બેલેસ્ટિક મિસાઈલોથી વળતો પ્રહાર કરવાનો મોટો દાવો કર્યો છે 

આશરે ત્રણ સપ્તાહ પહેલા જ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ અને પરમાણુ કરાર પર વાટાઘાટો શરૂ કરવા માટે એક પ્રારંભિક સહમતી સધાઈ હતી. પરંતુ અમેરિકાની આ તાજી સૈન્ય કાર્યવાહી અને ખામેનેઈના મૃત્યુ બાદ તે શાંતિ સમજૂતી હવે સંપૂર્ણપણે પડી ભાંગી છે. સંરક્ષણ નિષ્ણાતોના મતે આગામી દિવસોમાં આ ક્ષેત્રમાં વૈશ્વિક ક્રૂડ ઓઈલ સપ્લાય અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા પર આ સંઘર્ષની ઘાતક અસરો પડી શકે છે.

(11:35 PM IST)