<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

બોલિવૂડઃ જાહેર કાર્યક્રમોમાં સેલેબ્રિટીનાં બાઉન્‍સર્સની સંખ્‍યા વધી

મુંબઈમાં ટાઇગર શ્રોફની કાર પર થયેલા ફાયરિંગની ઘટના બાદ બોલિવૂડમાં સેલિબ્રિટીઝની સુરક્ષાને લઈને ચિંતા વધી

મુંબઈ તા.૧૮: મુંબઈમાં ટાઇગર શ્રોફની કાર પર થયેલા ફાયરિગની ઘટના બાદ બોલિવૂડમાં સેલિબ્રિટીઝની સુરક્ષાને લઈને ચિતા વધી છે. જોકે, આ ઘટનાને પગલે કલાકારોને જાહેર કાર્યક્રમોમાં હાજરી ન આપવા અંગે મુંબઈ પોલીસે કોઈ સુરક્ષા એડવાઇઝરી જાહેર કરી નથી. પોલીસે આવા અહેવાલોને પાયાવિહોણા ગણાવી સ્‍પષ્ટતા કરી છે. બીજી તરફ, ફિલ્‍મ કલાકારો અને તેમની ટીમે સાવચેતી વધારી છે. જાહેર કાર્યક્રમોમાં બાઉન્‍સર્સની સંખ્‍યા વધારવાની સાથે આયોજકો અને મહેમાનોની વિગતોની પણ વધુ તપાસ કરવામાં આવી રહી છે.

જોકે, ઘટના બાદ કલાકારો અને તેમની ટીમ સુરક્ષાને લઈને વધુ સતર્ક બની છે. ટેલેન્‍ટ મેનેજમેન્‍ટ કંપનીના માલિક રાકેશ ઉપાધ્‍યાયના જણાવ્‍યા અનુસાર, કલાકારોનાં જાહેર કાર્યક્રમોમાં હાજરી આપવાના પ્રમાણમાં કોઈ મોટો ઘટાડો થયો નથી, પરંતુ સુરક્ષા વ્‍યવસ્‍થામાં વધારો થયો છે. રવિ કિશન, અમીષા પટેલ અને જેકલીન ફર્નાન્‍ડિસ જેવા કલાકારો સાથે કામ કરતા ઉપાધ્‍યાયે જણાવ્‍યું હતું કે, કોઈ કંપની કે બિઝનેસમેન દ્વારા આયોજિત કાર્યક્રમમાં હાજરી આપતાં પહેલાં સેલિબ્રિટી મેનેજર્સ હવે આયોજકની વેબસાઇટ, કાર્યક્રમમાં હાજર રહેનારા લોકોની સંખ્‍યા અને મહેમાનોની વિગતો માગે છે. અગાઉ કલાકારો માટે ૩થી ૪ બાઉન્‍સર્સની વ્‍યવસ્‍થા કરવામાં આવતી હતી, જે હવે વધારીને ૬થી ૭ કરવામાં આવી છે.

શ્રોફ પરિવારની જાહેર હાજરી સાથે સંકળાયેલા એક સૂત્રના જણાવ્‍યા અનુસાર, જેકી શ્રોફે પોતાના પૂર્વનિર્ધારિત કાર્યક્રમોમાં હાજરી આપવાનું ચાલુ રાખ્‍યું છે અને તેમની દિનચર્યામાં ખાસ ફેરફાર થયો નથી. જોકે, અન્‍ય કલાકારોના કિસ્‍સામાં સુરક્ષાની માગ વધી છે. હવે કાર્યક્રમો માટે ઓછામાં ઓછા ૬ બાઉન્‍સર્સની વ્‍યવસ્‍થા કરવાની માગ કરવામાં આવે છે. સાથે જ આયોજકોની તમામ વિગતોની ચકાસણી પણ કરવામાં આવે છે.

ઉલ્‍લેખનીય છે કે ટાઇગર શ્રોફે ગોળીબારની ઘટના અંગે કોઈ જાહેર નિવેદન આપ્‍યું નથી કે વીડિયો પણ બહાર પાડ્‍યો નથી. ખોટી માહિતી ફેલાવનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. બીજી તરફ, મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્‍ડ ક્રાઇમ ઍક્‍ટ (મકોકા) હેઠળની વિશેષ અદાલતે આ ફાયરિગ કેસમાં ફૂલ સિહ સહિત પાંચ આરોપીઓની પોલીસ કસ્‍ટડી ૧૬ નવેમ્‍બર સુધી લંબાવી છે.

દરમિયાન, ટ્રેડ એનાલિસ્‍ટ ગિરીશ જોહરના મતે, કલાકારોની જાહેર પ્રમોશનલ પ્રવૃત્તિઓમાં ઘટાડો થાય તો પણ ફિલ્‍મોના બોક્‍સ ઓફિસ કલેક્‍શન પર તેની ખાસ અસર થવાની શક્‍યતા નથી. તેમના જણાવ્‍યા અનુસાર, ફિલ્‍મની સફળતા મુખ્‍યત્‍વે તેની વાર્તા અને કન્‍ટેન્‍ટ પર આધારિત હોય છે. શાહરુખ ખાન અને સલમાન ખાને પણ અગાઉ પોતાની પ્રમોશનલ હાજરી મર્યાદિત રાખી હતી, છતાં તેમની ફિલ્‍મોના બોક્‍સ ઓફિસ કલેક્‍શન પર તેની ખાસ અસર થઈ નહોતી.

(9:51 AM IST)