<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th October 2026

ફટાકડા વિરોધી ઝુંબેશ માટે ફી માગનારા બોલિવૂડ સ્ટાર્સ પર બોમ્બે હાઈકોર્ટ લાલઘૂમ: "મુંબઈએ બધું આપ્યું, હવે સમાજને પાછું આપવાનો સમય છે"

પર્યાવરણ અને સામાજિક જાગૃતિ માટે ૧૫ મિનિટ ફાળવવા બદલ પણ કમાણી શોધતા સેલિબ્રિટીઓ પર જાહેર ભંડોળ વેડફવાનું બંધ કરવા હાઈકોર્ટની સરકારને આકરી સલાહ : મરાઠી કલાકારોનો સંપર્ક કરવા સૂચન

મુંબઈ:  તહેવારોની મોસમ દરમિયાન ફટાકડાથી થતા વાયુ અને અવાજના પ્રદૂષણને અટકાવવા માટે જાગૃતિ અભિયાન ચલાવી રહેલી મહારાષ્ટ્ર સરકારને બોલિવૂડ કલાકારોના વલણથી ભારે આઘાત લાગ્યો છે. આ મામલે બોમ્બે હાઈકોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરતા સેલિબ્રિટીઓ અને બોલિવૂડ સ્ટાર્સની વ્યાપારી માનસિકતા પર આકરા પ્રહાર કર્યા હતા. ન્યાયાધીશ ગિરીશ કુલકર્ણી અને ન્યાયાધીશ ડૉ. નીલા ગોખલેની ડિવિઝન બેન્ચે સોમવાર, ૨૬ ઓક્ટોબરના રોજ સુનાવણી દરમિયાન સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જે શહેરે આ કલાકારોને નામ, દામ અને શોહરત આપી છે, તે જ શહેરના સામાજિક અને પર્યાવરણીય મુદ્દાઓ માટે પણ તેઓ મફતમાં કામ કરવા તૈયાર નથી તે અત્યંત અફસોસજનક બાબત છે.

સુનાવણી દરમિયાન એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર જ્યોતિ ચવ્હાણે બેન્ચને માહિતી આપી હતી કે સરકારે ફટાકડા વિરોધી ઝુંબેશ માટે અનેક મોટા બોલિવૂડ સ્ટાર્સનો સંપર્ક કર્યો હતો, પરંતુ દરેકે પોતાના ચાર્જીસ અને ફી નક્કી કરી રાખી હતી. કોઈ પણ સ્ટાર આવા ઉમદા કામ માટે મફતમાં જોડાવા તૈયાર થયો નહોતો. આ સાંભળીને જસ્ટિસ ગિરીશ કુલકર્ણીએ ટિપ્પણી કરી કે, "જો સેલિબ્રિટીઓ જાહેર હિતના કામ માટે પણ નાણાં માગતી હોય તો તેમનો સંપર્ક કરવાની કોઈ જરૂર નથી. આ મુંબઈ શહેરે તેમને ઘણું બધું આપ્યું છે, હવે સમય આવ્યો છે કે તેઓ શહેરને કશુંક પાછું આપે. મુંબઈ પોલીસના વાર્ષિક 'ઉમંગ' કાર્યક્રમમાં હાજરી આપતા આ સ્ટાર્સ પર્યાવરણ માટે ૧૫ મિનિટ નથી કાઢી શકતા? આવા લોકો પાછળ કરદાતાઓના જાહેર નાણાંનો જરાય બગાડ ન થવો જોઈએ. સરકારે તેના બદલે મરાઠી સિનેમાના સંવેદનશીલ કલાકારોનો સંપર્ક કરવો જોઈએ, પણ શરત માત્ર એટલી કે તે પણ નિઃશુલ્ક હોવું જોઈએ."

બીજી તરફ, બોમ્બે હાઈકોર્ટે મુંબઈ મહાનગરપાલિકા (BMC) દ્વારા સંચાલિત શાળાઓમાં બાળકોને ફટાકડા ન ફોડવાના શપથ લેવડાવવાના પ્રયાશને બિરદાવ્યો હતો. જસ્ટિસ ડૉ. નીલા ગોખલેએ ઉમેર્યું કે બાળકો પર્યાવરણ પ્રત્યે વધુ સંવેદનશીલ છે, તેથી શાળાઓમાં દર અઠવાડિયે કે પંદર દિવસે જાગૃતિ સત્રો ચાલુ રાખવા જોઈએ. આ ઉપરાંત, કોર્ટે ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં મોડી રાત સુધી ફોડાતા ફટાકડા અને તેથી થતા પ્રદૂષણ અંગે ચિંતા વ્યક્ત કરીને ત્યાં ખાસ દેખરેખ રાખવા તંત્રને આદેશ આપ્યો હતો. હાઈકોર્ટે આ સુઓ મોટો અરજી પર વધુ સુનાવણી ૨૫ નવેમ્બર સુધી મુલતવી રાખી છે, જ્યાં સરકાર અને BMCએ હાથ ધરેલા કડક પગલાંનો પ્રગતિ અહેવાલ રજૂ કરવાનો રહેશે.

(6:39 PM IST)