તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th July 2026
બેંગલુરુ-અમદાવાદ ઇન્ડિગો ફલાઇટમાં બોમ્બની આશંકાથી ભારે દોડધામ
૫ કલાકની તપાસ બાદ ધમકી અફવા સાબિત થતાં મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો

બેંગલુરુ, તા.૧૭: બેંગલુરુના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ગત રાત્રે અમદાવાદ આવી રહેલી ઇન્ડિગોની ફ્લાઇટ 6E-6423 માં બોમ્બ હોવાની આશંકાથી વહીવટી તંત્ર અને મુસાફરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. ટેકઓફના ગણતરીના સમય પહેલાં જ ફ્લાઇટના આગળના વોશરૂમ માંથી એક હાથથી લખેલી શંકાસ્પદ ચિઠ્ઠી મળી આવતા એરપોર્ટ પર તુરંત એસઓપી લાગુ કરી દેવામાં આવી હતી. સુરક્ષા એજન્સીઓ દ્વારા વિમાન અને મુસાફરોના સામાનની ૫ કલાક સુધી ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી, જેમાં કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા આખરે ધમકી નકલી સાબિત થઈ હતી અને મોડી રાત્રે ફ્લાઇટે અમદાવાદ માટે ઉડાન ભરી હતી.
ધમકીભરી નોટ મળતાની સાથે જ સ્થાપિત વિમાન સુરક્ષા પ્રોટોકોલના ભાગરૂપે વિમાનને તુરંત જ એરપોર્ટના એક અલગ આઇસોલેશન બે (સુરક્ષિત સ્થળ) પર ખસેડવામાં આવ્યું હતું. વિમાનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે નીચે ઉતારી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ એરપોર્ટની સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિકયુરિટી ફોર્સ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમોએ વિમાનનો કબજો લીધો હતો. સુરક્ષા કર્મચારીઓ દ્વારા સમગ્ર એરક્રાફ્ટના ખૂણેખૂણાની, મુસાફરોના હેન્ડ બેગેજ અને ચેક-ઇન કરાયેલા તમામ સામાનનું મેટલ ડિટેક્ટર સહિતના આધુનિક સાધનોથી સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આખી રાત ચાલેલી અંદાજે પાંચ કલાકની સઘન તપાસના અંતે વિમાનમાંથી કોઈ પણ વાંધાજનક કે વિસ્ફોટક સામગ્રી મળી આવી ન હતી. સુરક્ષા એજન્સીઓએ આખરે આ ધમકીને અફવા જાહેર કરી ગ્રીન સિગ્નલ આપતા એરલાઇન્સ અને મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો અને તમામ ક્લિયરન્સ મળ્યા બાદ આ ફ્લાઇટ રાત્રે ૧:૨૧ વાગ્યે અમદાવાદ આવવા રવાના થઈ શકી હતી.
(3:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
