<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

મુંબઈમાં બોમ્‍બ ધમકીઓઃ બિગ બીના બંગલા સહિત ૫ જગ્‍યાએ એલર્ટ

ઈમેલમાં એક બેન્‍ક, કોર્ટ, અભિનેતા અમિતાભ બચ્‍ચનનો બંગલો, મહાલક્ષ્મી રેસકોર્સ અને છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો પણ ઉલ્‍લેખ

મુંબઈ,તા.૧૩: મુંબઈમાં બોમ્‍બની વધુ એક ધમકી મળ્‍યા બાદ સુરક્ષા એજન્‍સીઓ હાઈ ઍલર્ટ પર છે. તાજેતરમાં મળેલા એક ઈમેલમાં મુંબઈના મેયરની ઑફિસ સહિત અનેક મહત્ત્વપૂર્ણ સ્‍થળોને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ ઈમેલમાં એક બેન્‍ક, કોર્ટ, અભિનેતા અમિતાભ બચ્‍ચનનો બંગલો, મહાલક્ષ્મી રેસકોર્સ અને છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટનો પણ ઉલ્‍લેખ કરવામાં આવ્‍યો છે. બીએમસી મુખ્‍યાલય ખાતે સુરક્ષા વ્‍યવસ્‍થા વધારી દેવામાં આવી છે. ઍલર્ટ મળ્‍યા બાદ સુરક્ષા ટીમોએ સમગ્ર ઑફિસ સંકુલમાં તપાસ કરી હતી. જોકે, ત્‍યાં કોઈ શંકાસ્‍પદ વસ્‍તુ મળી આવી ન હતી. ત્‍યારબાદ ઑફિસમાં કામગીરી સામાન્‍ય રીતે શરૂ કરી હતી.

છેલ્‍લા કેટલાક દિવસોમાં મેયરની ઑફિસને ઈમેલ દ્વારા આવી જ બોમ્‍બની ધમકીઓ મળી છે. લગભગ બે અઠવાડિયા પહેલા પણ આવો જ એક ઈમેલ મળ્‍યો હતો.  આ ત્રીજી વખત છે જ્‍યારે આવી ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્‍યો છે. અગાઉના કિસ્‍સાઓથી વિપરીત, આ ઈમેલમાં અનેક મહત્ત્વપૂર્ણ સ્‍થળોને નિશાન બનાવવામાં આવ્‍યા છે.

ઈમેલ મળ્‍યા બાદ તરત જ બોમ્‍બ ડિટેક્‍શન એન્‍ડ ડિસ્‍પોઝલ સ્‍ક્‍વોડે પરિસરમાં તપાસ કરી, એવું પણ જાણવા મળ્‍યું છે કે ઈમેલમાં ‘ખાલિસ્‍તાન બોલેગા' અને ‘મુંબઈ ઝિદાબાદ' જેવા શબ્‍દો પણ લખવામાં આવ્‍યા હતા.

વારંવાર ધમકીભર્યા ઈમેલ મળતા હોવાથી, ઈમેલ મોકલનારની ઓળખ કરવી મુંબઈ પોલીસ અને તપાસ એજન્‍સીઓ માટે એક મોટો પડકાર બની ગયો છે. પોલીસ હાલમાં ઈમેલ ક્‍યાંથી આવ્‍યો છે તે શોધવા અને આ ધમકીઓ પાછળ કોણ છે તે જાણવા માટે કામ કરી રહી છે.

 

(10:22 AM IST)