<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st July 2026

બોમ્‍બે હાઈકોર્ટે અરજીઓ ફગાવી NTA ના મૂલ્‍યાંકનને આપ્‍યું સમર્થનઃ ખોટા આરોપો માટે અરજદારોને ફટકાર્યો દંડ!

Re-NEET UG 2026 પરિણામ વિવાદ : મૂળ OMR શીટ્‍સની તપાસ બાદ દૂધનું દૂધ અને પાણીનું પાણી; કોર્ટે ગુણની વિસંગતતાના તમામ દાવા નકારી કાઢયા, અરજદારોને રૂ.૫,૦૦૦ નો દંડ ફટકાર્યો

મુંબઈ,તા.૩૧: Re-NEET UG 2026 ના પરિણામો અને માર્ક્‍સમાં ગડબડ હોવાના આરોપો મુકતી અરજીઓ અંગે બોમ્‍બે હાઈકોર્ટે અત્‍યંત મહત્‍વનો અને મોટો ચુકાદો આપ્‍યો છે. હાઈકોર્ટની છત્રપતિ સંભાજીનગર (ઔરંગાબાદ) બેન્‍ચે નેશનલ ટેસ્‍ટિંગ એજન્‍સી (NTA) દ્વારા દિલ્‍હીથી લાવવામાં આવેલી મૂળ બ્‍પ્‍ય્‍ ઉત્તરવહીઓની જાતે તપાસ કર્યા બાદ પરિણામોને પડકારતી તમામ ચાર અરજીઓને ફગાવી દીધી છે.

કોર્ટે NTA ના મૂલ્‍યાંકનને સંપૂર્ણપણે સચોટ અને પારદર્શક ગણાવ્‍યું છે અને આધારવિહોણા આરોપો લગાવવા બદલ દરેક અરજદાર પર રૂ.૫,૦૦૦ નો દંડ લાદ્યો છે.

૧૬ જુલાઈના રોજ Re-NEET UG 2026 ના પરિણામો જાહેર થયા બાદ કેટલાક ઉમેદવારોએ કોર્ટના દરવાજા ખટખટાવ્‍યા હતા. અરજદારોનો આરોપ હતો કે સત્તાવાર આન્‍સર કી અને તેમની પાસે રહેલી OMR શીટ્‍સના આધારે તેમણે ગણેલા અપેક્ષિત માર્ક્‍સ કરતા અંતિમ સ્‍કોરકાર્ડમાં પરિણામ ખૂબ ઓછું આવ્‍યું હતું.

આ બાબતે ન્‍યાયાધીશ નીતિન સૂર્યવંશી અને ન્‍યાયાધીશ આબાસાહેબ શિદેની ડિવિઝન બેન્‍ચે કેન્‍દ્ર સરકાર અને NTA ને નોટિસ પાઠવીને ઉમેદવારોની મૂળ OMR ઉત્તરવહીઓ કોર્ટ સમક્ષ રજૂ કરવા નિર્દેશ આપ્‍યો હતો.

મૂળ OMR શીટ્‍સની તપાસમાં સત્‍ય આવ્‍યું સામે

ગુરુવારે સુનાવણી દરમિયાન, NTA ના સિનિયર પેનલ કાઉન્‍સેલ એડવોકેટ રોહિત સર્વદૅયા દ્વારા રજૂ કરવામાં આવેલી મૂળ ઉત્તરવહીઓની કોર્ટે બારીકાઈથી તપાસ કરી હતી. ચકાસણી અંતે કોર્ટે સ્‍પષ્ટ અવલોકન કર્યું કે, ઉમેદવારોના સ્‍કોરકાર્ડ પર નોંધાયેલા ગુણ મૂળ OMR શીટ પરના ગુણ સાથે શત-પ્રતિશત મેળ ખાય છે.

હાઈકોર્ટે દાવાઓને ફગાવી દઈ કડક વલણ અપનાવતા અરજદારોના વકીલ મહિન્‍દ્રા ગાંડલેએ અરજીઓ પાછી ખેંચી લેવાની વિનંતી કરી હતી. કોર્ટે NTA ની કામગીરીને યોગ્‍ય ઠેરવીને ખોટા દાવા કરનારા અરજદારોને દંડ ફટકારીને આ કેસનો અંત આણ્‍યો હતો

(3:10 PM IST)