તા. ૩૦ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૦ મંગળવાર
News of Wednesday, 8th July 2026
પ્રીતિ ઝિન્ટાના હક માટે બોમ્બે હાઈકોર્ટની ઐતિહાસિક લડત: AI ડીપફેક અને નકલી વીડિયો વિરુદ્ધ અભિનેત્રીને મળી મોટી રાહત, પ્લેટફોર્મના દુરુપયોગ બદલ મેટાને ખખડાવ્યું
'પ્લેટફોર્મનો દુરુપયોગ અટકાવો નહીંતર નાગરિકોના મૂળભૂત અધિકારો જોખમાશે'; ૨૭૫થી વધુ વાંધાજનક લિંક્સ હટાવવા કોર્ટનો આદેશ, ગૌરવ સાથે જીવવાના અધિકાર પર આપ્યો ભાર

મુંબઈ : ઓનલાઈન પ્લેટફોર્મ પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના વધી રહેલા દુરુપયોગ અને સેલિબ્રિટીઝના ફેક વીડિયોના વધતા જતા દૂષણ સામે બોમ્બે હાઈકોર્ટે એક અત્યંત મહત્વનો ચુકાદો આપ્યો છે. બુધવારે કોર્ટે બોલિવૂડની જાણીતી અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાને તેની ઓળખ, મોર્ફ કરેલી તસવીરો અને એઆઈ-જનરેટેડ નકલી ડીપફેક વીડિયો સામે રક્ષણ આપતા એક મોટો વચગાળાનો આદેશ જારી કર્યો છે. હાઈકોર્ટે ગંભીર નોંધ લેતા જણાવ્યું કે, આવી ભ્રામક સામગ્રીનો દુરુપયોગ વ્યક્તિના બંધારણીય મૂળભૂત અધિકારો પર સીધો પ્રહાર કરે છે. આ સાથે જ કોર્ટે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને આઈટી એક્ટ (માહિતી ટેકનોલોજી નિયમો) હેઠળ તેમની જવાબદારીઓનું કડકપણે પાલન કરવાની યાદ અપાવી છે.
કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ માધવ જામદારે સોશિયલ મીડિયા જાયન્ટ 'મેટા' (Meta) ના વકીલને કડક શબ્દોમાં સંબોધતા કહ્યું કે, "તમારા પ્લેટફોર્મનો આ પ્રકારે દુરુપયોગ થઈ રહ્યો છે, તેનાથી તમને વધુ ચિંતા થવી જોઈએ. જો તમે ડિજિટલ ગુનેગારો સામે સક્રિય થઈને કડક પગલાં લેવાનું શરૂ કરશો, તો આવા તત્વો આપોઆપ બંધ થઈ જશે અને તેનાથી માત્ર તમારી જ પ્રતિષ્ઠા વધશે. જો તમે આમ નહીં કરો, તો તમે આ દેશના સામાન્ય નાગરિકોના મૂળભૂત અધિકારોને સીધી અસર પહોંચાડી રહ્યા છો." કોર્ટના આ પ્રહારો સામે મેટાના વકીલે બચાવ કરતા કહ્યું કે તેઓ બને ત્યાં સુધી આવા મામલાઓમાં "સક્રિય પગલાં" લઈ રહ્યા છે.
અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ વેંકટેશ ધોંડે કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે, યુટ્યુબ અને અન્ય પ્લેટફોર્મ્સ પર આશરે ૨૭૫ જેટલી એવી લિંક્સ સક્રિય છે જેમાં અભિનેત્રીના ચહેરા અને હાવભાવનો ખોટો ઉપયોગ કરીને મોર્ફ કરેલી કે સુપરઇમ્પોઝ્ડ છબીઓ અને વીડિયો બનાવવામાં આવ્યા છે. આ પ્રકારની ગંદી કરામતો અભિનેત્રીના વ્યક્તિત્વ, પ્રચાર અને નૈતિક અધિકારોનું ઘોર ઉલ્લંઘન કરે છે. કોર્ટે પણ સ્વીકાર્યું કે પ્રીતિ ઝિન્ટા છેલ્લા ૨૫ વર્ષથી વધુ સમયથી ફિલ્મ ઉદ્યોગમાં સક્રિય છે અને ૪૦ થી વધુ ફિલ્મો દ્વારા તેણે સમાજમાં એક મોભાદાર જાહેર ઓળખ ઊભી કરી છે, જેને આવી સામગ્રીથી મોટું નુકસાન થઈ શકે છે.
હાઈકોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું કે, ગૌરવ સાથે જીવવાનો અધિકાર એ બંધારણની કલમ ૧૯ (વાણી સ્વતંત્રતા) અને કલમ ૨૧ (જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર) માંથી જન્મે છે. કોર્ટે મેટા અને ગૂગલ એલએલસી (Google LLC) ને આ તમામ વાંધાજનક લિંક્સ તાત્કાલિક અસરથી દૂર કરવાનો આદેશ આપ્યો છે. જો કે, ભવિષ્યમાં જો કોઈ વાસ્તવિક કે કાયદેસરની સામગ્રી પર પ્રીતિ ઝિન્ટા તરફથી વાંધો ઉઠાવવામાં આવે, તો તે અંગે કોર્ટમાં અપીલ કરવાની સ્વતંત્રતા પ્લેટફોર્મ્સને આપવામાં આવી છે. ટેકનોલોજીના યુગમાં સેલિબ્રિટીઝના નૈતિક હકોના રક્ષણ માટે હાઈકોર્ટનું આ વલણ આવનારા સમયમાં માઇલસ્ટોન સાબિત થશે.
(5:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
