તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th July 2026
સરહદ પર રાષ્ટ્રીય સુરક્ષાનો મોટો એક્શન પ્લાન: રાજસ્થાન-પાકિસ્તાન બોર્ડર પર શંકાસ્પદ કરોડોના જમીન સોદા અને ટેરર ફંડિંગની તપાસમાં કેન્દ્રની એન્ટ્રી!
બુલડોઝર એક્શન બાદ ઇન્કમટેક્સ વિભાગની ઈન્ટેલિજન્સ વિંગે બોર્ડરના ૫૦ કિલોમીટરના વિસ્તારમાં જમીન ખરીદીની ૫૦થી વધુ ગુપ્ત ફાઈલો જપ્ત કરી; હાઈકોર્ટે પણ કહ્યું, "દેશની સુરક્ષા માટે કડક કાયદાકીય નિયમો જરૂરી."

જયપુર : ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પર દેશની આંતરિક સુરક્ષાને લઈને કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. રાજસ્થાનમાં પાકિસ્તાન સરહદ નજીકના ૫૦ કિલોમીટરના સંવેદનશીલ વિસ્તારમાં મોટા પાયે ગેરકાયદેસર બાંધકામો તોડી પાડ્યા બાદ, હવે કેન્દ્ર સરકારે આ વિસ્તારમાં ચાલી રહેલા શંકાસ્પદ જમીન સોદા, બેનામી મિલકતો અને ગેરકાયદેસર ભંડોળ (ટેરર ફંડિંગ અને બ્લેક મની) ની અત્યંત ઊંડી તપાસ શરૂ કરી દીધી છે.
બુધવારે મળેલી સત્તાવાર માહિતી અનુસાર, આવકવેરા વિભાગ (Income Tax Department) ની 'ગુપ્તચર અને ગુનાહિત તપાસ' (Intelligence and Criminal Investigation) શાખાની એક વિશેષ ટીમ જેસલમેર ખાતેની સબ-રજિસ્ટ્રાર ઓફિસે ત્રાટકી હતી. ટીમે વર્ષ ૨૦૨૪-૨૫ અને ૨૦૨૫-૨૬ દરમિયાન થયેલા જમીન નોંધણીના તમામ દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી અને પ્રાથમિક શંકાના આધારે ૫૦થી વધુ મહત્વપૂર્ણ જમીન સોદાઓની ફાઇલો જપ્ત કરી લીધી છે. આ ઉપરાંત, શ્રી ગંગાનગર, બિકાનેર, બાડમેર અને જેસલમેરના આવકવેરા અધિકારીઓને પોતાના સરહદી વિસ્તારોમાં થતા મોટા આર્થિક વ્યવહારો અને જમીનની લે-વેચ પર કડક નજર રાખવાનો આદેશ અપાયો છે.
આ કડક કાર્યવાહીનો પાયો ૨૬ મેના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની બિકાનેર મુલાકાત દરમિયાન નંખાયો હતો. ગૃહમંત્રીએ સુરક્ષા એજન્સીઓ અને અધિકારીઓને સરહદી વિસ્તારોમાં રાષ્ટ્રીય સુરક્ષા સામે ખતરો ઊભો કરતા ગેરકાયદે બાંધકામો અને કાળા નાણાંના પ્રવાહને તાત્કાલિક ડામી દેવા સ્પષ્ટ સૂચના આપી હતી. ત્યારબાદ સરહદથી ૫૦ કિલોમીટરના દાયરામાં બુલડોઝર ફેરવીને પ૦થી વધુ શંકાસ્પદ ધાર્મિક સ્થળો, મસ્જિદો, દરગાહો અને મદરેસાઓના ગેરકાયદે બાંધકામો હટાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.
કેન્દ્ર સરકાર અને વહીવટી તંત્રની આ એક્શનને રાજસ્થાન હાઈકોર્ટમાં પણ પડકારવામાં આવી હતી. જોકે, હાઈકોર્ટે અરજીઓ ફગાવી દેતા વહીવટી તંત્રના પક્ષમાં મોટો ચુકાદો આપ્યો છે. જસ્ટિસ સમીર જૈને સ્પષ્ટ શબ્દોમાં ચુકાદો આપ્યો કે, "આંતરરાષ્ટ્રીય સરહદની નજીક વધુ સતર્કતા રાખવી અનિવાર્ય છે. રાષ્ટ્રીય સુરક્ષા એ સર્વોપરી બાબત છે અને આવા સંવેદનશીલ મામલાઓમાં સામાન્ય કાનૂની પ્રક્રિયાના નિયમોમાં ઢીલ આપી શકાય છે." કોર્ટે આ કાર્યવાહીને કોઈ પણ પ્રકારનો કોમી રંગ ન આપવાની પણ કડક ચેતવણી આપી છે. આ સાથે જ કોર્ટે જિલ્લા કલેક્ટર, એસપી અને બીએસએફ (BSF) ના પ્રતિનિધિઓ સાથેની એક 'સ્પેશિયલ રિવ્યુ કમિટી' બનાવવાનો આદેશ આપ્યો છે જે શંકાસ્પદ મિલકતોની વ્યક્તિગત ધોરણે તપાસ કરશે.
(8:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
