<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th September 2026

ત્રણેય દળો માટે સરહદી કવચ મજબૂત: સંરક્ષણ મંત્રાલયે રૂ. ૧.૧૦ લાખ કરોડના શસ્ત્રો અને આધુનિક સાધનોની ખરીદીને આપી લીલી ઝંડી!

આત્મનિર્ભર ભારતનો મોટો વિજય: ૯૮ ટકા ખરીદી ભારતીય ઉદ્યોગો પાસેથી થશે: CBRN વાહનો, રડાર, મરીન ગેસ ટર્બાઇન અને સ્માર્ટ કાર્ડ સિસ્ટમથી સજ્જ થશે સેના!

નવી દિલ્હી : ભારતની ત્રણેય ભૂમિ, નૌકા અને વાયુ સેનાની લડાયક ક્ષમતાઓને અભૂતપૂર્વ ઊંચાઈએ પહોંચાડવા માટે કેન્દ્ર સરકારે એક ઐતિહાસિક અને મોટો નિર્ણય લીધો છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળેલી સંરક્ષણ સંપાદન પરિષદ (DAC) ની મહત્વપૂર્ણ બેઠકમાં આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના વિવિધ સંરક્ષણ સંપાદન પ્રસ્તાવોને સૈદ્ધાંતિક મંજૂરી (AoN) આપવામાં આવી છે. વર્તમાન વૈશ્વિક સુરક્ષા પડકારો અને સરહદી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને લેવાયેલા આ નિર્ણયથી ભારતની સરહદો વધુ અબેધ બનશે. આ મંજૂરીઓમાં સૌથી મહત્વની બાબત એ છે કે કુલ મંજૂર કરાયેલા બજેટના આશરે ૯૮ ટકા જેટલા સાધનો અને પ્રણાલીઓ ભારતીય ઉદ્યોગો પાસેથી જ ખરીદવામાં આવશે, જે 'મેક ઇન ઇન્ડિયા' અને 'આત્મનિર્ભર ભારત' અભિયાનને જંગી બળ પૂરું પાડશે.

ભારતીય સેના (Army): પર્વતોથી લઈને રણ સુધી દુશ્મનો પર કડક નજર
ભારતીય સેના માટે અત્યાધુનિક સુરક્ષા પ્રણાલીઓને લીલી ઝંડી આપવામાં આવી છે:

CBRN રિકોનિસન્સ વાહનો: રાસાયણિક, જૈવિક, રેડિયોલોજીકલ અને પરમાણુ (CBRN) એજન્ટોથી દૂષિત વિસ્તારોની ઝડપી ઓળખ, મોનિટરિંગ અને માર્કિંગ માટે વિશેષ વાહનો ખરીદાશે.

હાઈ મોબીલીટી અને માઈન લેયર્સ: દુર્ગમ ભૂપ્રદેશોમાં ઝડપી અવરજવર માટે હાઈ મોબીલીટી વ્હીકલ્સ (HMVs) અને ઝડપથી ખાણ/માઈન પાથરવા માટે સ્વ-સંચાલિત મિકેનિકલ માઈન લેયર્સ (MMLs) નો સમાવેશ કરાયો છે.

એડવાન્સ્ડ લાઈટ હેલિકોપ્ટર (ALH): આર્મી અને એરફોર્સ બંને માટે તમામ હવામાનમાં જટિલ મિશન પાર પાડી શકે તેવા ALH હેલિકોપ્ટર્સ તેમજ યુદ્ધ ભૂમિમાં અવરોધો પાર કરવા માટે ટ્રોલ ટેન્ક અને 'સર્વત્ર બ્રિજ સિસ્ટમ' મંજૂર કરાઈ છે.

ભારતીય નૌકાદળ (Navy): અરુધ્ર રડાર અને મરીન ગેસ ટર્બાઇનથી સમુદ્રમાં દબદબો
હિંદ મહાસાગર ક્ષેત્રમાં વ્યૂહાત્મક પકડ મજબૂત કરવા માટે ભારતીય નૌકાદળ માટે નીચે મુજબના નિર્ણયો લેવાયા છે:

અરુધ્ર રડાર (Arudhra Radar): નૌકાદળના વિવિધ એરબેઝ પર હાલના રડારને બદલીને અત્યાધુનિક 'અરુધ્ર રડાર' તૈનાત કરાશે, જે હવાઈ સર્વેલન્સની ચોકસાઈમાં વધારો કરશે.

મરીન ગેસ ટર્બાઇન (MGT): યુદ્ધજહાજો માટે જરૂરી પ્રોપલ્શન સિસ્ટમ મરીન ગેસ ટર્બાઇનની સ્વદેશી ડિઝાઇન અને ખરીદીને મંજૂરી અપાઈ છે. આનાથી વિદેશી નિર્ભરતા ઘટશે અને ભારતીય યુદ્ધજહાજોની સ્પીડ તથા વિશ્વસનીયતા વધશે.

ભારતીય વાયુસેના (Air Force): ઈલેક્ટ્રોનિક યુદ્ધમાં ધાર અને DEFSAC સ્માર્ટ કાર્ડ
વાયુસેનાના ફાઇટર જેટ, ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરની ક્ષમતા વધારવા માટે આધુનિક સિસ્ટમ્સ સામેલ કરાઈ છે:

ગ્રાઉન્ડ-બેઝ્ડ મલ્ટી-પર્પઝ જામર (GBMPJ): દુશ્મનના રડાર અને કમ્યુનિકેશનને ઠપ્પ કરવા માટે આ જામર સિસ્ટમ અત્યંત ઉપયોગી સાબિત થશે, જે ઈલેક્ટ્રોનિક વોરફેરમાં ભારતને મોટો ફાયદો આપશે.

DEFSAC સ્માર્ટ કાર્ડ સિસ્ટમ: આંતરિક સુરક્ષા વધુ મજબૂત કરવા માટે હાલના કાગળના ઓળખપત્રો અને પાસને બદલે 'ડિફેન્સ ફોર્સિસ સિક્યોર એક્સેસ કાર્ડ' (DEFSAC) સિસ્ટમ અમલી બનશે, જે ઇન્ટરઓપરેટેબલ RFID સ્માર્ટ કાર્ડ ટેકનોલોજી પર કામ કરશે.

સ્થાનિક ઉદ્યોગો અને રોજગારીને મળશે મોટો બૂસ્ટર ડોઝ
સંરક્ષણ ક્ષેત્રે વિદેશી નિર્ભરતા ઘટાડીને સ્થાનિક ઉત્પાદનને પ્રાધાન્ય આપવાના આ નિર્ણયથી દેશમાં વિદેશી હૂંડિયામણની બચત થશે અને લાખો નવી રોજગારીની તકો ઊભી થશે. ભારતની સંરક્ષણ ઉત્પાદન ઇકોસિસ્ટમ મજબૂત થવાથી ભવિષ્યમાં સંરક્ષણ સામગ્રીની નિકાસ ક્ષમતામાં પણ મોટો ઉછાળો આવશે.

(6:42 PM IST)