હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સરહદ પર સુરક્ષા એજન્સીઓનું 'ઓપરેશન ક્લીન': જૈસલમેરમાં ભારત-પાક બોર્ડર નજીક 6 ગેરકાયદેસર મસ્જિદો અને મદરેસાઓ તોડી પડાયા!
રાજસ્થાન હાઈકોર્ટના કડક આદેશ બાદ વહીવટીતંત્ર એક્શન મોડમાં; સરહદી વિસ્તારની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને ભારે પોલીસ કાફલા વચ્ચે ડિમોલિશન કરાયું

જૈસલમેર, તા.૧૭: ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલા રાજસ્થાનના સંવેદનશીલ સરહદી જિલ્લા જૈસલમેરમાં વહીવટીતંત્ર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા એક બહુ મોટું અતિક્રમણ વિરોધી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. "ઓપરેશન ક્લીન" હેઠળ સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલી છ મસ્જિદો અને મદરેસાઓની ઇમારતોને જેસીબી (JCB) મશીનોની મદદથી જમીનદોસ્ત કરી દેવામાં આવી છે. અધિકારીઓએ શુક્રવારે આ અંગેની સત્તાવાર માહિતી આપી છે.
આ હાઈ-પ્રોફાઈલ કાર્યવાહી જૈસલમેરના નચના, તનોટ અને શાહગઢ જેવા વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ અને સંવેદનશીલ સરહદી વિસ્તારોમાં ગુરુવારે મોડી રાત સુધી ચલાવવામાં આવી હતી. મહેસૂલ વિભાગ, સ્થાનિક પોલીસ અને વિવિધ રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓના ટોચના અધિકારીઓની સીધી હાજરીમાં મીરપુરા, હિંડોલોં કી ધાની, અહમદપુરા અને ધનાના સહિતના ગામોમાં આ ડિમોલિશન ઝુંબેશ સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.
રાષ્ટ્રીય સુરક્ષા સર્વોપરી: હાઈકોર્ટે અરજીઓ ફગાવી
વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, તોડી પાડવામાં આવેલા આ તમામ બાંધકામો સરકારી જમીન પર અતિક્રમણ કરીને બનાવવામાં આવ્યા હતા. આમાંની કેટલીક જમીન તો પોંગ ડેમ પ્રોજેક્ટના કારણે વિસ્થાપિત થયેલા પરિવારોના પુનર્વસન માટે અનામત રાખવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય સરહદથી માત્ર ૫૦ કિલોમીટરના દાયરામાં આવતા આ પ્રદેશોમાં ધાર્મિક સંસ્થાઓના નામે થઈ રહેલા ગેરકાયદેસર બાંધકામો સામે અગાઉ વહીવટીતંત્રે કારણ બતાવો નોટિસ ફટકારી હતી. આ નોટિસને પડકારતી કેટલીક અરજીઓ રાજસ્થાન હાઈકોર્ટની જોધપુર બેન્ચ સમક્ષ ગઈ હતી, પરંતુ હાઈકોર્ટે રાષ્ટ્રીય સુરક્ષાને સર્વોચ્ચ મહત્વ આપતા ૧૩ જુલાઈના રોજ આ તમામ અરજીઓ ફગાવી દીધી હતી, જેનાથી વહીવટીતંત્ર માટે કાર્યવાહીનો માર્ગ મોકળો બન્યો હતો.
ભારે સુરક્ષા વચચે શાંતિપૂર્ણ કામગીરી
બોર્ડર વિસ્તારની અત્યંત સંવેદનશીલ પરિસ્થિતિ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળે નહીં તે માટે સમગ્ર ઓપરેશન દરમિયાન સરહદ સુરક્ષા બળ (BSF) અને સ્થાનિક પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. વહીવટીતંત્રના જણાવ્યા મુજબ, સ્થાનિક લોકોના સહકાર અને કડક સુરક્ષા વ્યવસ્થાને કારણે આ ડિમોલિશન ઝુંબેશ દરમિયાન ક્યાંય પણ કોઈ અનિચ્છનીય ઘટના કે વિરોધ પ્રદર્શન જોવા મળ્યું ન હતું અને સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. સુરક્ષા એજન્સીઓ હવે આ વિસ્તારોમાં અન્ય કોઈ શંકાસ્પદ અતિક્રમણ છે કે નહીં તેની પણ તપાસ કરી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
