News of Tuesday, 14th July 2026
સરહદની સુરક્ષા સર્વોપરી: ભારત-પાક બોર્ડર પર ગેરકાયદેસર મસ્જિદો-દરગાહો તોડવા સામેની અરજીઓ રાજસ્થાન હાઈકોર્ટે ફગાવી; રાષ્ટ્રીય સુરક્ષા આગળ નિયમો ગૌણ
આંતરરાષ્ટ્રીય સરહદના ૫૦ કિમીના દાયરામાં થયેલા અનધિકૃત બાંધકામો હટાવવાના BSF અને કેન્દ્રના નિર્ણયને અદાલતે બિરદાવ્યો; "જ્યારે દેશની રક્ષાની વાત હોય ત્યારે કાયદાકીય પ્રક્રિયાની જટિલતા બાધક ન બની શકે" - જસ્ટિસ સમીર જૈનનો ઐતિહાસિક ચુકાદો

જોધપુર : દેશની આંતરરાષ્ટ્રીય સરહદોની સુરક્ષા અને અખંડિતતાને લઈને રાજસ્થાન હાઈકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. ભારત-પાકિસ્તાન સરહદ નજીકના સંવેદનશીલ વિસ્તારોમાં સ્થિત વિવિધ મસ્જિદો, મદ્રેસા અને દરગાહોના પ્રસ્તાવિત ધ્વંસ (ડીમોલિશન) ને પડકારતી અરજીઓને હાઈકોર્ટે સખત શબ્દોમાં ફગાવી દીધી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ સરહદી વિસ્તારોમાં થયેલા બાંધકામો પ્રથમ દૃષ્ટિએ ગેરકાયદેસર છે અને તેને હટાવવાની પ્રક્રિયા કોઈ ધાર્મિક ભેદભાવ હેઠળ નહીં, પરંતુ માત્ર રાષ્ટ્રીય સુરક્ષા અને સરહદી સલામતીના હિતમાં કરવામાં આવી રહી છે.
હાઈકોર્ટના જસ્ટિસ સમીર જૈનની સિંગલ બેન્ચે 'પીર મોહમ્મદ શાહ જીલાની દરગાહ સમિતિ વિરુદ્ધ રાજસ્થાન રાજ્ય' ના કેસમાં આ કડક વલણ અપનાવ્યું છે.
ધ્વંસની કાર્યવાહીને 'સાંપ્રદાયિક રંગ' આપવાનો પ્રયાસ તદ્દન ખોટો
અદાલતે સુનાવણી દરમિયાન નોંધ્યું હતું કે સરહદથી ૫૦ કિલોમીટરની અંદર આવેલા ગેરકાયદે બાંધકામો હટાવવા માટે સરકારે કોઈપણ ચોક્કસ ધર્મ કે સમુદાયને નિશાન બનાવ્યા વિના નોટિસો જારી કરી છે. તેથી, આ સુરક્ષાલક્ષી ઝુંબેશને સાંપ્રદાયિક રંગ આપવાનો અરજદારોનો પ્રયાસ સંપૂર્ણપણે વાસ્તવિક પાયા વગરનો અને અયોગ્ય છે.
કોર્ટે ઉમેર્યું કે, "તપાસમાં સ્પષ્ટ થયું છે કે આ તમામ ધાર્મિક ઇમારતો 'રાજસ્થાન ધાર્મિક ઇમારતો અને સ્થળો અધિનિયમ' હેઠળ પૂર્વ પરવાનગી લીધા વિના જ બાંધવામાં આવી હતી, જે કાયદાકીય રીતે અનધિકૃત છે."
રાષ્ટ્રની રક્ષા આગળ પ્રક્રિયાગત નિયમો ગૌણ બની જાય છે
જસ્ટિસ સમીર જૈને ચુકાદામાં અત્યંત ભારપૂર્વક જણાવ્યું કે, દેશના પ્રત્યેક નાગરિકની ચેતનામાં આ વાત ઊંડે સુધી વણાયેલી હોવી જોઈએ કે જ્યારે દેશની સુરક્ષા જોખમમાં હોય, ત્યારે પ્રક્રિયાગત કઠોરતા કરતાં રાષ્ટ્રનું રક્ષણ વધુ અનિવાર્ય બની જાય છે. રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલી બાબતોમાં કુદરતી ન્યાય (Natural Justice) ના પરંપરાગત નિયમોનું કડક પાલન હંમેશા જરૂરી હોતું નથી, અને દેશહિતમાં ત્વરિત અને વ્યવહારિક અભિગમ અપનાવવો સંપૂર્ણપણે માન્ય છે.
અરજદારોને કારણદર્શક નોટિસો મોકલવા છતાં તેઓ અગાઉની વહીવટી પ્રક્રિયામાં સામેલ થયા ન હતા. આથી હવે કુદરતી ન્યાયના ઉલ્લંઘનનો દાવો કરીને કોર્ટના રિટ અધિકારક્ષેત્રનો આશ્રય લઈ શકાય નહીં.
તપાસ માટે હાઇકોર્ટે બનાવી ત્રિપુટી સમિતિ
સરહદ પરની સંવેદનશીલતા અને સુરક્ષાના તત્વોને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે એક ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરવાનો આદેશ આપ્યો છે. આ કમિટીમાં:
1. સંબંધિત જિલ્લા કલેક્ટર,
2. પોલીસ અધિક્ષક (SP), અને
3. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના સત્તાવાર પ્રતિનિધિનો સમાવેશ થશે.
આ સમિતિ સરહદ નજીકની તમામ શંકાસ્પદ અને સંવેદનશીલ મિલકતોની ઝીણવટભરી તપાસ કરશે. જો રાષ્ટ્રીય સુરક્ષા માટે કોઈ જોખમ દેખાય, તો પરિસ્થિતિની ગંભીરતા જોઈને આ સમિતિ તે ગેરકાયદે મિલકતોને ખાલી કરાવવા, સીલ કરવા અથવા તોડી પાડવા સહિતની કોઈ પણ યોગ્ય કડક કાર્યવાહીનો આદેશ આપી શકશે. આ ચુકાદા બાદ સરહદી વિસ્તારોમાં ઘૂસણખોરી અને દેશવિરોધી પ્રવૃત્તિઓ અટકાવવા માટે સેના અને વહીવટી તંત્રના હાથ વધુ મજબૂત બન્યા છે.
(5:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
