<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

બ્રાહ્મણ મહિલાઓ અસુરક્ષિત તેમના પર દુષ્‍કર્મ થાય છે

ઓલ ઈન્‍ડીયા સ્‍ટુડન્‍ટ એસો.ના અધ્‍યક્ષ નેહા બોરાના નિવેદનથી હોબાળોઃ પૂજારીયો અને બ્રાહ્મણવાદી વ્‍યવસ્‍થા પર પણ કરી ટિપ્‍પણી : નિવેદનથી ભાજપ લાલઘુમઃ હિન્‍દુ ધર્મને બદનામ કરવાનો પ્રયાસઃ રાહુલના વિચારોથી પ્રેરિત હોવાનો દાવો

નવી દિલ્‍હી, તા.૩: વિદ્યાર્થી સંગઠન ઓલ ઇન્‍ડિયા સ્‍ટુડન્‍ટ્‍સ એસોસિએશનનાં નેતા અને પ્રખ્‍યાત વિદ્યાર્થી કાર્યકર્તા નેહા બોરા દ્વારા પૂજારીઓ અને બ્રાહ્મણવાદી પ્રણાલી વિરુદ્ધ આપવામાં આવેલા એક વિવાદાસ્‍પદ નિવેદનને કારણે દેશના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. મુખ્‍ય ચૂંટણી કમિશનર સામેના એક વિરોધ પ્રદર્શન દરમિયાન નેહા બોરાએ જાતિ અને ધાર્મિક પ્રણાલીઓ પર નિશાન સાધતા કહ્યું હતું કે, રક્ષણ અને સુરક્ષા ખાસ કરીને બ્રાહ્મણવાદી પ્રણાલીથી જરૂરી છે. આ એક એવી પ્રણાલી છે જે માને છે કે ગરીબ, શોષિત, પ્રાણીઓ અનેસ્ત્રીઓ બધા જ દમન અને દુર્વ્‍યવહારને પાત્ર છે. આ પ્રણાલી હેઠળ બ્રાહ્મણ મહિલાઓ પણ અસુરક્ષિત છે. આ ટિપ્‍પણીનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ભારતીય જનતા પાર્ટીએ તેના પર તીવ્ર પ્રતિક્રિયા આપતા આને હિન્‍દુ ધર્મ વિરુદ્ધનું મોટું ષડયંત્ર ગણાવ્‍યું છે.

ભાજપના રાષ્‍ટ્રીય પ્રવક્‍તા પ્રદીપ ભંડારીએ સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ પર આ વાંધાજનક વિડિયો શેર કરીને કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી પર નિશાન સાધ્‍યુ હતુ. તેમણે નેહા બોરાને રાહુલ ગાંધીની પોસ્‍ટર ગર્લ ગણાવતા લખ્‍યું કે આ પ્રકારના વિવાદાસ્‍પદ નિવેદનો કોંગ્રેસના હિન્‍દુ વિરોધી એજન્‍ડા અને હિન્‍દુ દ્વેષને ખુલ્લો પાડે છે. ભંડારીએ દાવો કર્યો હતો કે નેહા બોરા રાહુલ ગાંધીની વિચારધારાથી પ્રેરિત છે, જેમણે અગાઉ મંદિરો અને પૂજા સ્‍થાનો અંગે વાંધાજનક ટિપ્‍પણીઓ કરી હતી. ભાજપે સ્‍પષ્ટપણે આક્ષેપ કર્યો કે કોંગ્રેસ અને તેની સમર્થક વિચારધારાઓ વોટ બેંકના રાજકારણ માટે દેશની એકતા, સનાતન પરંપરા અને સામાજિક સદભાવને ખતરામાં મૂકી રહી છે.

પોતાના નિવેદનના સમર્થનમાં નેહા બોરાએ જાન્‍યુઆરી ૨૦૧૮ના જમ્‍મુ-કાશ્‍મીરના કઠુઆ ખાતે બનેલા ચર્ચિત આઠ વર્ષની બાળકીના દુષ્‍કર્મ અને હત્‍યા કેસનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં ૨૦૧૯માં અદાલતે મંદિરના સંભાળ રાખનાર સહિત અન્‍ય દોષિતોને આજીવન કેદની સજા ફટકારી હતી. તેમણે દલીલ કરી હતી કે ધાર્મિક સ્‍થાનોનો ઉપયોગ ગુનાહિત માનસિકતા છુપાવવા માટે થતો આવ્‍યો છે. જોકે, સોશિયલ મીડિયા પર અનેક નાગરિકો તથા સામાજિક સંગઠનોએ નેહા બોરાની આકરી ટીકા કરી છે. લોકોનું કહેવું છે કે કોઈ એક ઘટના કે વ્‍યક્‍તિગત ગુનાના આધારે આખા બ્રાહ્મણ સમુદાય અને સનાતન પ્રણાલી પર સામાન્‍યીકરણ કરીને આવા ગંભીર આરોપો લગાવવા તે અયોગ્‍ય અને સમાજમાં ઝેર ઘોળવા સમાન છે.

ઉલ્લેખનીય છે કે આ સમગ્ર વિવાદ મુખ્‍ય ચૂંટણી કમિશનર સામેના મહાભિયોગ પ્રસ્‍તાવ અને મતદાર યાદીઓમાંથી કથિત રીતે નામો કાઢી નાખવાના વિરોધથી શરૂ થયો હતો. પરંતુ રાજકીય મંચ પરથી અચાનક ધાર્મિક અને જાતીય ટિપ્‍પણીઓ સામે આવતાં જ રાજકીય માહોલ સંપૂર્ણપણે ગરમાઈ ગયો છે. હાલમાં સોશિયલ મીડિયા પર આ મુદ્દે ભારે બહસ ચાલી રહી છે, જેમાં એક તરફ ડાબેરી અને ક્રાંતિકારી વિદ્યાર્થી સંગઠનો અભિવ્‍યક્‍તિની સ્‍વતંત્રતાનો દાવો કરી રહ્યા છે, તો બીજી તરફ ભાજપ અને વિવિધ હિન્‍દુ સંગઠનો નેહા બોરા સામે કાનૂની કાર્યવાહી કરવાની અને જાહેરમાં માફી માગવાની માગણી કરી રહ્યા છે. (રર.૨૭)

(3:14 PM IST)