<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th June 2026

બ્રહ્મોસ મિસાઈલ ડીલ: વિયેતનામ સાથે સંરક્ષણ સોદો અંતિમ તબક્કામાં : ચીન સરહદે ભારતનું વ્યૂહાત્મક કદ વધશે

ચીનને મિસાઈલ વેચવાના ભ્રામક સમાચારો વચ્ચે બ્રહ્મોસ એરોસ્પેસની મોટી સ્પષ્ટતા: ભારત પોતાના પરમ મિત્ર વિયેતનામને આપશે સુપરસોનિક ક્રુઝ મિસાઈલ : સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતાનો નવો અધ્યાય

નાગપુર: ભારતની સૌથી ઘાતક અને વિશ્વની સૌથી ઝડપી સુપરસોનિક ક્રુઝ મિસાઈલ 'બ્રહ્મોસ'  ના નિકાસને લઈને એક ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારત પાડોશી દેશ ચીનને મિસાઈલ વેચશે તેવી ભ્રામક અફવાઓ ઉડી હતી, પરંતુ વાસ્તવિકતા એ છે કે ભારત આ ઘાતક હથિયાર ચીનને નહીં, પરંતુ ચીનના પાડોશી દેશ વિયેતનામને વેચવા જઈ રહ્યું છે. બ્રહ્મોસ એરોસ્પેસના વડા જયતીર્થ જોશીએ નાગપુરમાં સત્તાવાર જાહેરાત કરી છે કે વિયેતનામ સાથે મિસાઈલ નિકાસની વાટાઘાટો હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે અને ટૂંક સમયમાં જ જરૂરી મંજૂરીઓ મળતાં જ આ ઐતિહાસિક સંરક્ષણ સોદા પર આખરી મહોર લગાવી દેવામાં આવશે.

આ જાહેરાત નાગપુરમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમ દરમિયાન કરવામાં આવી હતી, જ્યાં બ્રહ્મોસ પ્રોગ્રામ માટે સોલર ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ઉત્પાદિત ૧૦૦મા સ્વદેશી બૂસ્ટરને સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું. અગાઉ આ બૂસ્ટર અને વોરહેડ્સ રશિયાથી આયાત કરવામાં આવતા હતા, પરંતુ હવે ભારતમાં જ તેનું સફળ ઉત્પાદન અને પરીક્ષણ પૂર્ણ થઈ ગયું છે. 'મેક ઇન ઇન્ડિયા' અંતર્ગત કાચા માલ અને વૈજ્ઞાનિક મૂલ્ય ઇજનેરીના કારણે મિસાઈલના ઉત્પાદન ખર્ચમાં ૨૪ ટકા જેટલો મોટો ઘટાડો નોંધાયો છે, જેના કારણે આગામી સમયમાં વૈશ્વિક બજારમાં ભારતની આ મિસાઈલ સિસ્ટમ અન્ય દેશોની સરખામણીએ વધુ સ્પર્ધાત્મક અને આર્થિક રીતે પરવડે તેવી બનશે.

ભારત અને રશિયાના સંયુક્ત સાહસથી બનેલી બ્રહ્મોસ મિસાઈલની વધતી માંગને પહોંચી વળવા માટે હવે રશિયા સાથે ઉત્પાદન ક્ષમતા વધારવા અંગે પણ ગંભીર ચર્ચા ચાલી રહી છે. જયતીર્થ જોશીએ વધુમાં ઉમેર્યું કે ભવિષ્યના પડકારોને પહોંચી વળવા માટે વધુ હળવી અને ઘાતક એવી 'બ્રહ્મોસ-એનજી' (નેક્સ્ટ જનરેશન) તેમજ વિસ્તૃત રેન્જ ધરાવતા નવા સંસ્કરણો પર સંશોધન તેજ ગતિએ ચાલી રહ્યું છે. તાજેતરમાં જ વાસ્તવિક પરિસ્થિતિઓ વચ્ચે 'ઓપરેશન સિંદૂર' દરમિયાન આ અજોડ મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે સાબિત કરે છે કે ભારત હવે માત્ર પોતાની રક્ષા કરવા સક્ષમ નથી, પરંતુ વૈશ્વિક સ્તરે અગ્રણી સંરક્ષણ નિકાસકાર દેશ બનવા તરફ મજબૂત કદમ વધારી ચૂક્યો છે.

(7:22 PM IST)