<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th July 2026

ભક્તોની શ્રદ્ધા પર ઘા! અયોધ્યા રામ મંદિરમાં પ્રસાદ ચોરીના વિવાદથી ખજાનચી ભાવુક : ગુનેગારો સામે કડક પગલાંની માંગ

"મને અત્યંત દુઃખ અને શરમ છે : શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ખજાનચી સ્વામી ગોવિંદ દેવ ગિરીએ મૌન તોડીને પારદર્શી તપાસની કરી અપીલ: એસઆઈટી અને પોલીસ પર વિશ્વાસ વ્યક્ત કરી નવો મેનેજમેન્ટ રોડમેપ આપ્યો

અયોધ્યા: અયોધ્યાના ભવ્ય અને ઐતિહાસિક શ્રી રામ મંદિરમાં પ્રસાદની કથિત ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવ્યા બાદ સમગ્ર દેશના રામ ભક્તોમાં ભારે રોષ અને આઘાતની લાગણી વ્યાપી ગઈ છે. આ સંવેદનશીલ મુદ્દે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ખજાનચી સ્વામી ગોવિંદ દેવ ગિરીએ પહેલીવાર મૌન તોડતાં ભાવુક અને કડક શબ્દોમાં ભક્તોને એક જાહેર અપીલ કરી છે. તેમણે આ શરમજનક ઘટનાને "અવિશ્વસનીય, પીડાદાયક અને અત્યંત દુઃખદ" ગણાવતા કહ્યું કે, લાખો લોકોની પવિત્ર આસ્થા સાથે જોડાયેલા પ્રસાદની આ પ્રકારે ચોરી થવી એ સમગ્ર સમાજનું અપમાન છે અને આ પાપ કરનાર ગુનેગાર ગમે તેટલો વગદાર કે પ્રભાવશાળી કેમ ન હોય, તેને કાયદાની રૂએ કડકમાં કડક સજા થવી જ જોઈએ.

પોતાની સચ્ચાઈ અને નૈતિકતા સ્પષ્ટ કરતા સ્વામી ગોવિંદ દેવ ગિરીએ જણાવ્યું કે, તેમણે ક્યારેય આ પ્રતિષ્ઠિત ટ્રસ્ટના હોદ્દા માટે કોઈ પ્રયાસ કર્યો નહોતો, પરંતુ તેને પ્રભુ શ્રી રામની સેવાનો એક પરમ અવસર માન્યો છે. તેમણે મોટો દાવો કર્યો છે કે તેમણે પોતાની હવાઈ સફર, વ્યક્તિગત પ્રવાસ કે અન્ય કોઈ ખર્ચ માટે ટ્રસ્ટના ભંડોળમાંથી આજદિન સુધી એક પણ રૂપિયો લીધો નથી. ટ્રસ્ટના તમામ આર્થિક વ્યવહારોની પારદર્શિતા અંગે તેમણે ખાતરી આપી કે શરૂઆતથી અત્યાર સુધીના તમામ ખાતાઓ સંપૂર્ણપણે ઓડિટેડ અને સુરક્ષિત છે, જેની સમીક્ષા કરવા માટે પુણેની ઓફિસમાંથી એક સ્પેશિયલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) દર મહિને ખાસ અયોધ્યા આવે છે.

આ વિવાદ વચ્ચે નાણાકીય બાબતોની સ્પષ્ટતા કરતા તેમણે ઉમેર્યું કે, દાન અને ભેટોની સીધી ગણતરીમાં તેમનો ક્યારેય કોઈ હસ્તક્ષેપ રહ્યો નથી કારણ કે તેઓ મોટાભાગનો સમય પુણે અથવા વિદેશમાં વિતાવે છે અને આ પ્રક્રિયા સ્થાનિક ટ્રસ્ટીઓ તેમજ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના સહયોગથી બનેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) હેઠળ થાય છે. ચોરી ક્યારે અને કેવી રીતે થઈ તે હાલ SIT અને પોલીસની તપાસનો વિષય છે. આગામી સમયમાં આવી કોઈ ગેરરીતિ ન થાય તે માટે દેશના નિષ્ણાતોની સલાહ લઈને મંદિરમાં એક અત્યાધુનિક ડિજિટલ મેનેજમેન્ટ સિસ્ટમ લાગુ કરવામાં આવશે, જેથી રામ ભક્તોના દાન અને પ્રસાદના એક-એક પૈસાનો હિસાબ સંપૂર્ણ પારદર્શી રહે અને સનાતન ધર્મની છબીને કોઈ આંચ ન આવે.

(8:38 PM IST)