<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th June 2026

રેલવેમાં હવે નિયમો તોડવા પડશે ભારે, ₹5000 સુધીનો દંડ અને જેલની સજા: ભારતીય રેલવે દ્વારા કડક નિયમોનો અમલ શરૂ

જન વિશ્વાસ અધિનિયમ 2026 હેઠળ રેલવેના બદલાયા નિયમો: ટિકિટ વિના મુસાફરીથી લઈને મહિલા ડબ્બામાં પ્રવેશ સુધીના ગુનાઓ માટે દંડમાં ધરખમ વધારો

ભોપાલ:જો તમે રેલવેમાં મુસાફરી કરવાના હોવ, તો હવે સાવધાન થઈ જજો! ભારતીય રેલવેએ મુસાફરોની સુરક્ષા, સ્વચ્છતા અને ટ્રેનમાં સુવ્યવસ્થિત વાતાવરણ જાળવી રાખવા માટે 'જન વિશ્વાસ (જોગવાઈઓમાં સુધારો) અધિનિયમ, 2026' હેઠળ રેલવે અધિનિયમ, 1989માં કડક ફેરફારો કર્યા છે. આ નવા નિયમો આજથી એટલે કે 20 જૂન, 2026થી દેશભરમાં અમલી બની ગયા છે. મધ્યપ્રદેશ સહિત સમગ્ર દેશમાં રેલવે દ્વારા હવે સખત તપાસ શરૂ કરવામાં આવી છે.

કયા ગુના માટે કેટલો દંડ?

રેલવેના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સૌરભ કટારિયાના જણાવ્યા અનુસાર, ઘણા વર્ષોથી દંડની રકમ જૂની હતી, જેને હવે આધુનિક સમયને અનુરૂપ વધારવામાં આવી છે. નવા દંડના કેટલાક મુખ્ય નિયમો નીચે મુજબ છે:

·         ટિકિટ વિનાની મુસાફરી: માન્ય ટિકિટ વગર મુસાફરી કરતા પકડાશો તો લઘુત્તમ દંડ હવે ₹250ને બદલે ₹500 થઈ ગયો છે.

·         મહિલા ડબ્બામાં પ્રવેશ: મહિલાઓ માટે અનામત ડબ્બામાં પુરુષ મુસાફરો પકડાશે તો તેમને સીધો ₹2,500નો દંડ ભરવો પડશે. જો દંડ ભરવામાં આનાકાની કરી, તો કોર્ટ દ્વારા ₹5,000 સુધીનો દંડ કે જેલની સજા પણ થઈ શકે છે.

·         રેલવેમાં અશ્લીલતા કે નશો: ટ્રેન કે પ્લેટફોર્મ પર અપશબ્દો બોલવા કે નશામાં અસુવિધા ઊભી કરવી ભારે પડી શકે છે. આ ગુનામાં ₹5,000 સુધીનો દંડ કે 6 મહિના સુધીની જેલ થઈ શકે છે.

·         પ્રતિબંધિત વસ્તુઓ: રેલવેમાં જોખમી કે પ્રતિબંધિત વસ્તુઓ લાવવા બદલ ઓછામાં ઓછો ₹10,000નો દંડ લાદવામાં આવશે.

·         અન્ય નિયમો: રેલવે કર્મચારીને ફરજ બજાવતા અટકાવવા બદલ ₹2,500, રેલવે પરિસરમાં ધૂમ્રપાન કરવા કે કચરો ફેંકવા બદલ ₹2,000 સુધીનો દંડ નક્કી કરવામાં આવ્યો છે.

નિયમોનો હેતુ શિસ્ત લાવવાનો છે

રેલવે વિભાગનું માનવું છે કે દંડની રકમ વધારવાથી મુસાફરોમાં રેલવેના નિયમો પ્રત્યે જાગૃતિ આવશે અને પરિસરમાં ગંદકી કે ગેરશિસ્ત ફેલાવનારાઓ પર લગામ આવશે. આ ફેરફારો પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય મુસાફરોની મુસાફરીને વધુ સુરક્ષિત અને આનંદદાયક બનાવવાનો છે.

તમે રેલવેમાં મુસાફરી કરતી વખતે હવે વધુ સાવધ રહેજો અને નિયમોનું પાલન કરજો, જેથી તમારે આ આકરા દંડનો સામનો ન કરવો પડે!

(8:27 PM IST)