<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th September 2026

નવી દિલ્હીમાં BRICS બિઝનેસ ફોરમ ૨૦૨૬ નો ભવ્ય પ્રારંભ: કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે વૈશ્વિક સ્તરે UPI નો વ્યાપ વધારવા અને સ્થાનિક ચલણમાં વેપાર કરવા બ્રિક્સ દેશોને આહ્વાન કર્યું!

વર્ષે ૨૫૦ અબજથી વધુ ટ્રાન્ઝેક્શન સાથે ભારતીય UPI ની વૈશ્વિક ડંકો; રશિયાના અર્થશાસ્ત્ર મંત્રીએ ડોલર મુક્ત વૈકલ્પિક નાણાકીય વ્યવસ્થા અને BRICS અનાજ વિનિમયનો રજૂ કર્યો માસ્ટરપ્લાન.

નવી દિલ્હી, તા.૧૧: નવી દિલ્હી ખાતે શરૂ થયેલા બે દિવસીય બ્રિક્સ બિઝનેસ ફોરમ ૨૦૨૬ ના ઉદ્ઘાટન સત્રને સંબોધતા ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે વૈશ્વિક આર્થિક મંચ પર ભારતનો મજબૂત પક્ષ રજૂ કર્યો હતો. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ અને વેપાર અવરોધો વચ્ચે કેન્દ્રીય મંત્રીએ બ્રિક્સ સભ્ય દેશોને તેમની ચુકવણી પ્રણાલીઓને એકબીજા સાથે જોડવા, સ્થાનિક ચલણોમાં નિકાસ-આયાત વધારવા અને ડિજિટલ વેપારને સર્વસમાવેશી બનાવવા અપીલ કરી હતી. ભારતનું યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) વાર્ષિક ૨૫૦ અબજથી વધુ વ્યવહારો પાર કરી ચૂક્યું છે અને વિશ્વના ૧૧ દેશોમાં સ્વીકાર્ય બન્યું છે, જેનો લાભ હવે તમામ બ્રિક્સ મિત્ર રાષ્ટ્રોએ લેવો જોઈએ તેવું મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું.

 

બ્રિક્સ દેશો વચ્ચે મજબૂત સપ્લાય ચેઇન અને મુક્ત બજાર વ્યવસ્થાની જરૂરિયાત પર ભાર મૂકતા પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, બિન-ટેરિફ નિયમોના કારણે વેપાર ખર્ચ વધી રહ્યો છે, જેને પહોંચી વળવા નિયમનકારી પ્રક્રિયાઓ સરળ બનાવવી જરૂરી છે. તેમણે કાચો માલ, મહત્વપૂર્ણ ખનિજો, કૃષિ, ફાર્માસ્યુટિકલ્સ, એન્જિનિયરિંગ અને સર્વિસ સેક્ટર માટે બજારો ખુલ્લા મૂકવાની હિમાયત કરી હતી. પ્રોફેશનલ્સ અને કૌશલ્ય ધરાવતા યુવાનો માટે સરહદો પાર અવરજવર સરળ બને તેવા માહોલનું નિર્માણ કરવાનો પણ આગ્રહ રાખવામાં આવ્યો હતો, જેથી ખાદ્ય સુરક્ષા અને ડિજિટલ ટેકનોલોજી ક્ષેત્રે નવી ક્રાંતિ લાવી શકાય.

 

આ જ સત્રમાં ઉપસ્થિત રશિયન આર્થિક વિકાસ મંત્રી મેક્સિમ રેશેત્નિકોવે ખુલાસો કર્યો હતો કે છેલ્લા ત્રણ વર્ષમાં રશિયન નિકાસમાં ડોલર અને યુરોનો હિસ્સો ૮૫ ટકાથી ઘટીને માત્ર ૧૧ ટકા રહી ગયો છે, અને વૈકલ્પિક આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવસ્થા હવે મુખ્ય બળ બની ગઈ છે. તેમણે બ્રિક્સ દેશો વચ્ચે 'BRICS અનાજ વિનિમય' (Grain Exchange) અને 'SEZs એસોસિએશન' સ્થાપિત કરવાનો મજબૂત પ્રસ્તાવ રજૂ કર્યો હતો. વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે ૨.૫ ટ્રિલિયન ડોલરની વૈશ્વિક વેપાર નાણાકીય ખાધ દૂર કરવા 'જયપુર સર્વસંમતિ' ના અમલ પર ભાર મૂક્યો હતો. વિશ્વની ૪૯.૫% વસ્તી અને ૪૦% જીડીપી ધરાવતું બ્રિક્સ જૂથ હવે વૈશ્વિક અર્થતંત્રનું નવું શક્તિ કેન્દ્ર બની રહ્યું છે.

(4:26 PM IST)