તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th September 2026
દિલ્હીમાં BRICS ચીફ જસ્ટિસ ફોરમનો ભવ્ય પ્રારંભ: ૨૨ દેશોના વરિષ્ઠ ન્યાયાધીશો વચ્ચે આંતરરાષ્ટ્રીય વિવાદ નિરાકરણ અને AI પર સઘન મંથન
જામા મસ્જિદમાં ઈરાનના ચીફ જસ્ટિસ અયાતુલ્લાહ ગુલામ હુસેન મોહસેની-એજેઈનું ઉષ્માભર્યું સ્વાગત: સુન્ની ઇમામની પાછળ નમાઝ પઢીને આપ્યો શિયા-સુન્ની એકતાનો સંદેશ

નવી દિલ્હી : દિલ્હીમાં સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત 'BRICS ચીફ જસ્ટિસ ફોરમ'ના કારણે વૈશ્વિક ન્યાયતંત્રનું ધ્યાન ભારત તરફ ખેંચાયું છે. ૪ થી ૬ સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલી આ પરિષદમાં ૨૨ દેશોના મુખ્ય ન્યાયાધીશો અને વરિષ્ઠ ન્યાયિક પ્રતિનિધિઓ એકમંચ પર ઉપસ્થિત રહ્યા છે. આ ફોરમનો મુખ્ય ઉદ્દેશ્ય દેશો વચ્ચે ન્યાયિક સહયોગ વધારવો, આંતરરાષ્ટ્રીય વાણિજ્યિક વિવાદોનું નિવારણ, મધ્યસ્થતા અને અદાલતી પ્રક્રિયામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) તથા આધુનિક ટેકનોલોજીના ઉપયોગ પર વિચારોનું આદાન-પ્રદાન કરવાનો છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંતે રશિયા, ચીન, ઈરાન, યુએઈ, ઈજિપ્ત અને દક્ષિણ આફ્રિકા સહિતના દેશોના ન્યાયિક વડાઓ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો યોજીને દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો.
પરિષદના સત્તાવાર કાર્યક્રમો વચ્ચે દિલ્હીની ઐતિહાસિક જામા મસ્જિદ ખાતે એક અભૂતપૂર્વ અને રાજદ્વારી દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ દ્રશ્ય જોવા મળ્યું હતું. ઈરાની ન્યાયતંત્રના વડા અને ચીફ જસ્ટિસ અયાતુલ્લાહ ગુલામ હુસેન મોહસેની-એજેઈ શુક્રવારની જુમ્માની નમાઝ અદા કરવા માટે જામા મસ્જિદ પહોંચ્યા હતા. તેમણે જામા મસ્જિદના શાહી ઇમામ મૌલાના સૈયદ શાબાન બુખારી સાથે ખાસ મુલાકાત કરી હતી અને ત્યારબાદ સામાન્ય શ્રદ્ધાળુઓ સાથે લાઇનમા ઉભા રહી સુન્ની ઇમામની પાછળ નમાઝ પઢી હતી. શિયા બહુમતી ધરાવતા દેશના ટોચના ન્યાયિક વડાનું સુન્ની પરંપરા ધરાવતી મસ્જિદમાં આ પ્રકારે પધારવું અને શ્રદ્ધાળુઓ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવું એ ધાર્મિક અને સામાજિક સૌહાર્દનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બન્યું હતું.
જામા મસ્જિદના ઇમામ સાથેની ચર્ચા દરમિયાન તથા નવી દિલ્હી સ્થિત ઈરાની દૂતાવાસમાં ભારતીય ધાર્મિક વિદ્વાનો સાથેની બેઠકમાં ઈરાનના ચીફ જસ્ટિસે ભારત અને ઈરાન વચ્ચેના સદીઓ જૂના સાંસ્કૃતિક, સાહિત્યિક અને વ્યાપારી સંબંધોનો આદરપૂર્વક ઉલ્લેખ કર્યો હતો. હાલના વૈશ્વિક તણાવ અને યુએસ-ઈઝરાયલ સામેના સંઘર્ષના સંદર્ભમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ઈરાન કોઈ પણ વિદેશી દબાણ કે બળજબરી સામે ક્યારેય નમતું જોખશે નહીં. ભારત અને ઈરાન બંને પ્રાચીન સભ્યતાઓ ધરાવતા દેશો હોવાથી ઇતિહાસમાંથી બોધપાઠ લઈને ભવિષ્યના વૈશ્વિક પરિવર્તનોમાં સકારાત્મક ભૂમિકા ભજવી શકે છે તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
(10:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
