<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

BRICS ઇન્ડિયા સમિટ ૨૦૨૬: દિલ્હીના ઐતિહાસિક કનોટ પ્લેસમાં ૮૦ના દાયકા જેવી રોનક પાછી ફરી; ગેરકાયદે અતિક્રમણ દૂર થતાં ચમકી ઉઠ્યા સીપીના બજારો

વિદેશી મહેમાનોના આગમનને પગલે લુટિયન્સ દિલ્હી અને સીપીના કોરિડોર અતિક્રમણ મુક્ત બન્યા; સ્વચ્છતા અને શાંતિ જોઈ સ્થાનિક વેપારીઓ હરખાયા પરંતુ ભવિષ્યને લઈને ચિંતા વ્યક્ત કરી

નવી દિલ્હી : રાજધાની દિલ્હીમાં આયોજિત ભવ્ય 'BRICS ઇન્ડિયા સમિટ ૨૦૨૬' ના કારણે દિલ્હીનું હૃદય ગણાતા ઐતિહાસિક કનોટ પ્લેસ (CP) નો નજારો સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રતિનિધિઓ અને વિદેશી મહેમાનોના સ્વાગત માટે તંત્ર દ્વારા કરવામાં આવેલી ખાસ કવાયતના ભાગરૂપે કનોટ પ્લેસ અને લુટિયન્સ દિલ્હી વિસ્તારમાંથી તમામ પ્રકારના ગેરકાયદેસર અતિક્રમણ, ફેરિયાઓ અને ભિખારીઓને દૂર કરવામાં આવ્યા છે. જેને પગલે સીપીના સફેદ કમાનવાળા કોરિડોર અને ખુલ્લા રસ્તાઓ ૧૯૮૦ના દાયકાના સુવર્ણ યુગની યાદ અપાવી રહ્યા છે.

 

લાંબા સમય બાદ કનોટ પ્લેસમાં ચાલવા માટે પૂરતી જગ્યા, દુકાનો સામેની ઓછી ભીડ અને ભવ્ય સુંદરતા જોવા મળી રહી છે. સમિટમાં ભાગ લેવા આવેલા વિદેશી મહેમાનોએ પણ અતિક્રમણ મુક્ત કનોટ પ્લેસની મુલાકાત લઈને સ્થાનિક વાનગીઓ અને ખરીદીનો આનંદ માણ્યો હતો. સ્થાનિક વેપારીઓ માટે આ ક્ષણ અત્યંત ગૌરવશાળી રહી છે, કારણ કે દાયકાઓ બાદ તેમને સીપીનો મૂળભૂત અને શાંત નજારો જોવા મળ્યો છે.

 

વેપારીઓમાં ખુશી સાથે ફરી અતિક્રમણનો ડર

સ્થાનિક વેપારી એસોસિએશનના જણાવ્યા મુજબ, BRICS સમિટ પહેલાં અહીં હજારો ગેરકાયદેસર શેરી વિક્રેતાઓનો જમાવડો હતો, જેના કારણે સામાન્ય નાગરિકો માટે ચાલવું પણ મુશ્કેલ બની જતું હતું. સમિટ દરમિયાન જે પ્રકારે સ્વચ્છતા અને શિસ્ત જાળવવામાં આવી છે, તેનાથી વેપારમાં પણ સારો ઉછાળો જોવા મળ્યો છે. જોકે, આંતરરાષ્ટ્રીય સંમેલન પૂર્ણ થયા બાદ ફરીથી ગેરકાયદે અતિક્રમણ અને ફેરિયાઓનો પગપેસારો થશે કે કેમ, તે અંગે વેપારીઓએ ભારે ચિંતા વ્યક્ત કરી છે.

 

(8:55 PM IST)