<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th October 2026

સીજેપીના તિરંગા માર્ચ પાછળ એલોન મસ્કનો હાથ હોવાનો બ્રિજભૂષણ શરણ સિંહનો ગંભીર આક્ષેપ

દેશમાં સરકાર વિરુદ્ધના આંદોલનને બાંગ્લાદેશ અને પાકિસ્તાન સાથે સરખાવીને તેને મોટું ષડયંત્ર ગણાવ્યું; દિલ્હી અને મુંબઈમાં સુરક્ષા સઘન કરાઈ

નવી દિલ્હી, તા.૧૬: ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા બ્રિજભૂષણ શરણ સિંહે કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા આયોજિત 'લેહરા દો તિરંગા' માર્ચ અને વિરોધ પ્રદર્શન અંગે એક મોટો અને ચોંકાવનારો દાવો કર્યો છે. ઉત્તર પ્રદેશના ઉન્નાવ ખાતે આપેલા નિવેદનમાં તેમણે આરોપ લગાવ્યો છે કે આ આખું આંદોલન અબજોપતિ એલોન મસ્કના ઈશારે અને નિર્દેશો અનુસાર ઓર્ગેનાઈઝ કરવામાં આવ્યું છે, જે દેશ સામેનું એક ખૂબ મોટું રાજકીય ષડયંત્ર છે.

બ્રિજભૂષણ સિંહે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સંગઠન દ્વારા કરવામાં આવી રહેલા આવા વિરોધ પ્રદર્શનો પાછળ વિદેશી તાકાતોનો હાથ છે અને ભારતની તુલના બાંગ્લાદેશ તથા પાકિસ્તાન જેવા દેશો સાથે કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે એમ પણ આક્ષેપ કર્યો હતો કે આ માર્ચનો મુખ્ય ઉદ્દેશ્ય સુપ્રીમ કોર્ટ પર દબાણ લાવવાનો અને દેશમાં અસ્થિરતા ફેલાવવાનો છે, જોકે તેમણે આ દાવાઓને સમર્થન આપવા માટે કોઈ ઠોસ પુરાવા રજૂ કર્યા નથી.

કોકરોચ જનતા પાર્ટી દ્વારા દિલ્હીના કનોટ પ્લેસ સ્થિત સેન્ટ્રલ પાર્ક તેમજ મુંબઈના આઝાદ મેદાન પર તિરંગા માર્ચ યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રદર્શન પહેલા સંગઠનના સહ-સંયોજકો અશુતોષ રાંકા અને સૌરવ દાસની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ તેમને વિશેષ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરીને પાંચ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે.

આ સમગ્ર વિવાદની પૃષ્ઠભૂમિમાં સંગઠનના સ્થાપક અભિજીત દીપકે નાગરિકોને લોકશાહી હકોનો ઉપયોગ કરીને આ માર્ચમાં જોડવા માટે આહ્વાન કર્યું છે. મુંબઈમાં પ્રદર્શનનું નેતૃત્વ કરી રહેલા પરાય અહિરે સોશિયલ મીડિયાના માધ્યમથી વીડિયો જારી કરીને જણાવ્યું હતું કે તેઓ સાચા દેશભક્ત હોવાનું સાબિત કરવા માટે આ પ્રદર્શન કરી રહ્યા છે અને સરકાર દ્વારા કરવામાં આવતા દાવાઓ સામે વિરોધ નોંધાવશે.

ઘટનાની ગંભીરતાને જોતાં રાજધાની દિલ્હી અને મુંબઈમાં પોલીસ તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે. કનોટ પ્લેસ અને જંતર-મંતર સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં અર્ધલસૈનિક દળોની અનેક કંપનીઓ તૈયાત કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે કનોટ પ્લેસ કે જંતર-મંતર વિરોધ પ્રદર્શન માટે નિયુક્ત સ્થળો નથી, જેથી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ચુસ્ત નાકાબંધી અને બેરિકેડિંગ કરવામાં આવ્યા છે.

(5:52 PM IST)