તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 8th September 2026
બ્રિટનનો ઇઝરાયલને મોટો આંચકો: પશ્ચિમ બેન્કના ઉત્પાદનો પર આયાત પ્રતિબંધ જાહેર
ફ્રાન્સ અને કેનેડા પણ બ્રિટનના પગલે પ્રતિબંધ મૂકશે: ઇઝરાયલે કડક વળતા પગલાં લેવાની આપી ચેતવણી

લંડન: બ્રિટન સરકારે ઇઝરાયલ સામે કડક વલણ અપનાવતા પશ્ચિમ બેન્ક માં આવેલી ગેરકાયદેસર ઇઝરાયલી વસાહતોમાંથી આવતી તમામ ચીજવસ્તુઓ અને સેવાઓની આયાત પર પૂર્ણ પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. બ્રિટિશ વિદેશ સચિવ એડ મિલિબેન્ડે હાઉસ ઓફ કોમન્સમાં આ ઐતિહાસિક નિર્ણય જાહેર કરતા જણાવ્યું હતું કે ઇઝરાયલી વસાહતીઓ પશ્ચિમ બેન્કના કેટલાક વિસ્તારોમાં પેલેસ્ટિનિયનોનું "વંશીય સફાઇ" કરી રહ્યા છે, જેને બ્રિટન હવે મુકપ્રેક્ષક બનીને જોઈ શકે નહીં.
બ્રિટને સ્પષ્ટ કર્યું છે કે આંતરરાષ્ટ્રીય ગઠબંધનના ભાગરૂપે ફ્રાન્સ અને કેનેડા પણ ટૂંક સમયમાં ઇઝરાયલી વસાહતોના માલસામાન પર પ્રતિબંધ મૂકવાની પ્રક્રિયામાં જોડાશે.
. બ્રિટિશ સરકારે જણાવ્યું કે ઇઝરાયલ દ્વારા પશ્ચિમ બેન્ક અને ખાસ કરીને E1 વિસ્તારમાં વસાહતોનું સતત વિસ્તરણ 'બે-રાજ્ય ઉકેલ. ની શક્યતાઓને ખતમ કરી રહ્યું છે. આ પ્રતિબંધ આગામી ૬ થી ૯ મહિનામાં પૂર્ણપણે અમલી બનશે.
. ફ્રાન્સના વિદેશ પ્રધાન જીન-નોએલ બેરોટે પણ 'X' પર પુષ્ટિ કરી કે ફ્રાન્સ સહિત અન્ય ૧૧ દેશો ઇઝરાયલી વસાહતો સાથેનો વેપાર તબક્કાવાર બંધ કરશે. આ ઉપરાંત નેધરલેન્ડ્સ, સ્પેન, બેલ્જિયમ, નોર્વે અને આયર્લેન્ડ જેવા દેશો પણ આ દિશામાં પગલાં લઈ રહ્યા છે.
. આ નિર્ણય સામે ઇઝરાયલના નેતાઓએ આકરા પ્રહાર કર્યા છે. ઇઝરાયલી રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી ઇટામાર બેન-ગ્વિરે વડા પ્રધાન નેતન્યાહૂને પૂર્વ જેરુસલેમમાં સ્થિત બ્રિટિશ કોન્સ્યુલેટ તાત્કાલિક બંધ કરવાની અપીલ કરી છે. બ્રિટનમાં લેબર પાર્ટીની સરકાર પર આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરાવવા અને વસાહતી હિંસા અટકાવવા માટે ઘરઆંગણે ભારે રાજકીય દબાણ હતું, જેને પગલે બ્રિટને ઇઝરાયલ સામે આટલું સખત વિદેશ નીતિ વિષયક પગલું ભર્યું છે.
(8:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
