<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th July 2026

બ્રિટનનો ઈરાન સામે સૌથી કડક એક્શન પ્લાન: ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ને જાહેર કર્યું આતંકવાદી સંગઠન!

હવે બ્રિટિશ ધરતી પર IRGC ને સમર્થન આપવું પડશે ભારે; ૧૪ વર્ષની જેલની સજાની જોગવાઈ, વડાપ્રધાન કીર સ્ટાર્મરે કહ્યું- "રાજ્ય-સમર્થિત આતંકનો હવે અંત આવશે."

લંડન : યુનાઇટેડ કિંગડમે ઈરાનના શક્તિશાળી લશ્કરી દળ 'ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ' (IRGC) સામે અત્યાર સુધીનું સૌથી કડક પગલું ભરતા તેને સત્તાવાર રીતે આતંકવાદી સંગઠન તરીકે નિયુક્ત કર્યું છે. તાજેતરના વર્ષોમાં બ્રિટનમાં વધેલી ઈરાન-જોડાયેલી શંકાસ્પદ ગતિવિધિઓ, પત્રકારોને નિશાન બનાવવા અને સાયબર હુમલાઓ બાદ યુકે સરકાર દ્વારા લેવાયેલો આ નિર્ણય તેહરાન અને લંડન વચ્ચેના સંબંધોમાં મોટા તણાવના સંકેત આપી રહ્યો છે. નવી રાષ્ટ્રીય સુરક્ષા સત્તાઓ હેઠળ હવે આ સંગઠન સામે કાર્યવાહીનો માર્ગ મોકળો થયો છે.
૧૪ વર્ષની જેલની સજાની જોગવાઈ
યુકેના ગૃહ સચિવ શબાના મહમૂદે આ ઐતિહાસિક નિર્ણયની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, નવી કાયદાકીય સત્તાઓનો ઉપયોગ વિદેશી રાજ્યો વતી બ્રિટનની સુરક્ષાને જોખમમાં મૂકતી પ્રવૃત્તિઓ કરતા જૂથોને ડામવા માટે કરવામાં આવશે. આ નિયુક્તિ બાદ, જો કોઈ પણ વ્યક્તિ બ્રિટનમાં રહીને IRGC ને ટેકો આપશે, નાણાકીય કે અન્ય કોઈ પ્રકારની મદદ કરશે, તો તેને ૧૪ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. વડાપ્રધાન કીર સ્ટાર્મરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, "આ નવી સત્તાઓ બ્રિટનમાં રહીને વિદેશી ઈશારે પોતાનું 'ગંદુ કામ' કરનારા કોઈપણ તત્વોને કાનૂની રીતે પકડી પાડવા અને તેમની પ્રવૃત્તિઓ બંધ કરવામાં મદદ કરશે."
શા માટે લેવાયું આ આકરૂં પગલું?
બ્રિટિશ ગૃહ મંત્રાલયના મતે, IRGC માત્ર એક લશ્કરી દળ નથી, પરંતુ તે ઈરાનના સર્વોચ્ચ નેતાના સીધા નિયંત્રણ હેઠળ કામ કરતું એક અત્યંત ખતરનાક ગુપ્તચર અને પ્રભાવશાળી નેટવર્ક છે. IRGC પર તેહરાન ઇન્ટરનેશનલના પત્રકારોને ટાર્ગેટ કરવા, યુકેના હિતો સામે સાયબર હુમલા કરવા અને પ્રોક્સી લડવૈયાઓનો ઉપયોગ કરીને અરાજકતા ફેલાવવાના ગંભીર આરોપો છે. ગૃહ રાજ્યમંત્રી એન્જેલા ઇગલે વધુમાં ઉમેર્યું હતું કે, આ સંગઠન પરંપરાગત લશ્કરી મર્યાદાઓ ઓળંગીને વિદેશી ધરતી પર ગુપ્તચર પ્રવૃત્તિઓ અને પ્રોક્સી યુદ્ધમાં વ્યસ્ત છે, જે રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટો ખતરો છે.
અન્ય કયા સંગઠનો પર તવાઈ?
માત્ર IRGC જ નહીં, પણ બ્રિટને ઈરાન સાથે જોડાયેલા અન્ય એક જૂથ 'ઇસ્લામિક મૂવમેન્ટ ઓફ કમ્પેનિયન્સ ઓફ ધ રાઇટ' (IMCR) પર પણ પ્રતિબંધ મૂક્યો છે. આ જૂથ પર લંડનના ગોલ્ડર્સ ગ્રીન વિસ્તારમાં યહૂદી વિરોધી હિંસા અને એમ્બ્યુલન્સ પર આગ લગાડવાના હુમલાઓનો આરોપ છે. આ ઉપરાંત, રશિયાની લશ્કરી ગુપ્તચર સંસ્થા સાથે જોડાયેલા 'GRU વોલેન્ટિયર કોર્પ્સ' ને પણ આતંકવાદી ગતિવિધિઓ માટે નિશાન બનાવવામાં આવ્યા છે. સંસદની મંજૂરી મળ્યા બાદ આ નવા કડક નિયમો તાત્કાલિક અસરથી અમલમાં આવશે, જે વિશ્વના આતંકવાદી નેટવર્ક્સ માટે મોટો ઝટકો માનવામાં આવે છે.

(6:45 PM IST)